નવી દિલ્હીઃ વન નેશન-વન ઇલેક્શનના પ્રસ્તાવને મોદી કેબિનેટે મંજૂરી આપી દીધી છે. કોવિંદ કમિટીએ આ અંગે આપેલા રિપોર્ટ બાદ કેબિનેટે મંજૂરી આપી છે. પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આગેવાની હેઠળની સમિતિએ માર્ચમાં વન નેશન વન ઈલેક્શનની શક્યતાઓ પર પોતાનો રિપોર્ટ સોંપ્યો હતો.
આ રિપોર્ટમાં આપવામાં આવેલા સૂચનો અનુસાર, પ્રથમ પગલા તરીકે લોકસભા અને રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે યોજવી જોઈએ. સમિતિએ વધુમાં એવી ભલામણ કરી છે કે લોકસભા અને રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે યોજવાના 100 દિવસની અંદર સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ પણ યોજવી જોઈએ. આ સાથે સમગ્ર દેશમાં તમામ સ્તરે ચૂંટણી એક નિશ્ચિત સમય ગાળામાં યોજવામાં આવી શકે છે. હાલમાં રાજ્યની વિધાનસભા અને લોકસભાની ચૂંટણી અલગ-અલગ યોજાય છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઘણા સમયથી વન નેશન વન ઈલેક્શનની વકાલત કરી રહ્યા છે. પીએમ મોદીએ કહ્યું હતું કે, હું દરેકને એક રાષ્ટ્ર, એક ચૂંટણીના સંકલ્પને હાંસલ કરવા માટે સાથે આવવા વિનંતી કરું છું, જે સમયની જરૂરિયાત છે. લોકસભા ચૂંટણી પહેલા પીએમ મોદીએ આ મુદ્દે કહ્યું હતું કે સરકારોના સમગ્ર પાંચ વર્ષના કાર્યકાળ દરમિયાન ચૂંટણી ન થવી જોઈએ.
તેમણે કહ્યું હતું કે, હું હંમેશા કહું છું કે ચૂંટણી ત્રણ કે ચાર મહિનામાં થવી જોઈએ. 5 વર્ષ સુધી રાજનીતિ ન થવી જોઈએ. આનાથી ચૂંટણીના સંચાલનમાં થતા ખર્ચમાં ઘટાડો થશે. પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આગેવાની હેઠળની સમિતિએ 62 રાજકીય પક્ષોનો સંપર્ક કર્યો હતો. જેમાંથી 32 લોકોએ એક દેશ, એક ચૂંટણીને સમર્થન આપ્યું હતું. જ્યારે 15 પક્ષો તેની વિરુદ્ધ હતા. 15 પક્ષો એવા હતા જેમણે જવાબ આપ્યો ન હતો.
કેન્દ્રમાં એનડીએ સરકારમાં ભાજપ ઉપરાંત ચંદ્રબાબુ નાયડુની ટીડીપી, નીતિશ કુમારની જેડીયુ અને ચિરાગ પાસવાનની એલજેપી (આર) મોટી પાર્ટીઓ છે. જેડીયુ અને એલજેપી (આર) એક દેશ, એક ચૂંટણી માટે સહમત છે, જ્યારે ટીડીપીએ આ અંગે કોઈ જવાબ આપ્યો નથી.
જેડીયુ અને એલજેપી (આર) એ એક દેશ, એક ચૂંટણીને સમર્થન આપીને કહ્યું હતું કે તેનાથી સમય અને પૈસાની બચત થશે. જ્યારે કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, આમ આદમી પાર્ટી, સીપીએમ અને બસપા સહિત 15 પાર્ટીઓએ તેનો વિરોધ કર્યો હતો. જ્યારે ઝારખંડ મુક્તિ મોરચા, ટીડીપી, ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ સહિત 15 પક્ષોએ કોઈ જવાબ આપ્યો નથી.