Comments

આધુનિકીકરણ કુટુંબ વ્યવસ્થા માટે પડકારરૂપ બની રહ્યું છે

ઔદ્યોગિક વિકાસ સાથે ભૌતિક સુખ સગવડોમાં વધારો થાય છે. લોકોમાં ખુશાલી આવે છે. નાણાં કમાઈને સારી કારકિર્દી નિર્માણ કરવાની મહેચ્છા વધે છે. પરંતુ શહેરીકરણ તરફ ધકેલતી પ્રક્રિયાવશાત્ પરિવારોમાં વિઘટનની પ્રક્રિયામાં પણ તેજી આવી શકે છે. પશ્ચિમના અનુકરણ જેવી પૈસા અને ભૌતિક સંપત્તિ પાછળની આંધળી દોટે આજે લોકોને નશાની સ્થિતિમાં ધકેલી દીધા છે. જાપાન, મલેશિયા, સિંગાપુર, તાઈવાન, દક્ષિણ કોરિયા પછી ભારત પણ વિકસિત રાષ્ટ્ર રૂપે હવે ઊભરી રહ્યું છે ત્યારે પૂર્વ એશિયામાં જે બન્યું છે તે ભારતની પરંપરાગત સમાજરચનામાં પણ આકાર લેશે. આ બાબતને નકારી શકાય તેમ નથી.

પૂર્વ એશિયામાં જાપાન અને દક્ષિણ કોરિયામાં પશ્ચિમી હવાની રૂખ વધારે તેજ થઈ છે. નવી પેઢી કારકિર્દીના વિકાસ માટે વધુ કેન્દ્રિત બની હોઈ હવે યુવાનોમાં એકલા રહેવું, મોડાં લગ્ન કરવાં, સંયુક્ત કુટુંબના બદલે વિભકત કુટુંબમાં રહેવું અને સહજીવન પણ બાંધ-છોડ વિના જેટલું ચાલે તેટલું ચલાવી પડતું મૂકવાનું વલણ વિકસતું જાય છે. જાપાનમાં તો ઘર-સંસાર ચલાવવા તેમજ સંતાનોના લાલન-પાલનનો ખર્ચ એટલી હદે વધ્યો છે કે મોટા ભાગના યુવાનો લગ્ન કરતાં ખચકાય છે. વ્યક્તિગત કારકિર્દીના અહંના ટકરાવના કારણે લગ્ન વિચ્છેદન સાથે બાળઉછેરની પ્રક્રિયાને પણ ધક્કો લાગ્યો છે.

કોરિયા પણ પરિવર્તનના અવળા પ્રવાહથી બચવા પામ્યું નથી અને યુનિસેફના તાજેતરના અહેવાલ અનુસાર મલેશિયા થાયલેન્ડમાં લગ્ન કરી સહજીવન જીવતાં યુગલોનું પ્રમાણ સારી રીતે ઘટયું છે. આ બાબતે સમાજ શાસ્ત્રીઓએ બદલાતાં મૂલ્યો તરફ પ્રશાસકોનું ધ્યાન પણ ખેંચ્યું છે. એટલું જ નહીં સ્ત્રી-પુરુષોમાં છેવટે મોટી ઉંમરે લગ્ન કરવાના નિર્ણયો તથા તબીબી રીતે પણ બાળક અને માતાના જીવન સામે ખતરા વધ્યા છે.વર્ષ ૨૦૧૭- ૧૮માં ભારતમાં ૧૦ લાખ લગ્ન નોંધણી હતા. જે કોવિડ સ્થિતિના વર્ષ ૨૦૧૯-૨૦માં ટીને ૬.૫ લાખ વિચ્છેદન પણ ૪૮ એ ચિંતાજનક સ્થિતિએ નોંધાયુ છે. લગ્ન વિચ્છેદનાં કારણો અંગેના અભ્યાસ આધારે જણાયું છે કે ૮૮% કુટુંબો આર્થિક સંકડામણના કારણે વિભાજિત થયાં છે, જ્યારે ૧૨% કિસ્સામાં સામાજિક કારણોસર કરાર વિચ્છેદન નોંધાયાં છે. ભારતીયો તો સમાજિક પરંપરામાં શ્રદ્ધા ધરાવનાર છે. આમ છતા આજની ઝડપી જીવનશૈલીમાં યુવતી રાત્રે પતિ સાથે રેસ્ટોરોમાં આનંદિત હોય ને સવારે અદાલતમાં જઈ છૂટાછેડા લઈ લે છે તેવું પણ અનેક કિસ્સામાં જોવા મળે છે.

બદલાતા જતા આર્થિક-સામાજિક પરિવેશમાં હવે અંગ્રેજી ભાષા સમાન રૂપે વ્યાપક બની છે. સાથોસાથવિવિધ સંસ્કૃતિઓનાં વિધ-વિધ રસ વ્યંજનો વચ્ચે બર્ગર, પીઝા પ્રકારે કેટલાક ફાસ્ટફૂડ સમાન રીતે ઉપલબ્ધ બન્યા છે. પુરુષો અને સ્ત્રીઓ સમાન રીતે પેન્ટ શર્ટ અપનાવતા થયા છો. કોમન કીચન ગેજેટ્સ વિસ્તરતા અને નવી પેઢીઓ એકથી બીજા દેશમાં ઝડપથી સ્થાઈ થવાના બદલાવનાં લીધે અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સમાં મૂળ નિવાસી કરતાં માઈગ્રન્ટસ જન સંખ્યા વધી છે, જે કુટુંબ તરીકે સ્થાઈ થવાનું મનોવલણ ધરાવતા નથી.

લોકશાહી પ્રક્રિયાથી જોડાયેલ રાજ્યવ્યવસ્થામાં પણ નવા નવા પ્રશ્નો ઊભા થતા જાય છે. આજે એશિયાનાં પૂર્વોત્તર રાષ્ટ્રોમાં વસ્તીના ઘટાડાનો પ્રશ્ન છે. રાજ્ય બેકાર યુવકોને નિર્વાહ ભથ્થું આપે છે. સરવાળે પરિણામે રાજ્યની ઉત્પાદન શક્તિમાં ઘટાડો થતો જાય છે. આધુનિકીકરણની અવળી અસરના લીધે પ્રારંભે ભારતમાં વર્ષ ૨૦૧૦ની વસ્તી ગણતરીના સંદર્ભે પુરુષ અને સ્ત્રી બાળકોના જન્મદરમાં ૩% ટકાનો તફાવત જોવા મળ્યો છે.

માનવ સંસ્કૃતિ ૮૦૦૦ કરતાં વધુ વર્ષથી ટકી છે અને વિકસી છે. કારણ સમાજ હરહંમેશ જવાબદારી સ્વીકારી આગળ વધવાની ખેવના રાખે છે અને જવાબદારીનો નિભાવ આવનાર પેઢી દ્વારા ઉપાડી લેવામાં આવે છે. પરંતુ ૨૧મી સદીમાં વૈયક્તિક જીવનની બોલબાલા થતાં હવે પરસ્પરનું માનવીય સમાયોજન તૂટી રહ્યું છે. અને સમાજ એક સાંસ્કૃતિક એકમ તરીકે વિખેરાઈ રહ્યો છે જે અંગે ગંભીરતાથી વિચારવું રહ્યું. ભારતીય સંસ્કૃતિમાં તો વરસો પહેલાં કહેવાયું છે ‘સબસે ઊંચી પ્રેમ સગાઈ.’અહીં સ્નેહ પણ છે અને પરસ્પરનું બંધન પણ સ્વીકારાયું છે. સમાજ સ્નેહના બંધનોથી બદ્ધ રહ્યો છે. પરંતુ નવાં સમીકરણોમાં હાલ એશિયાના દેશો યુવા પેઢીના પ્રશ્નોમાં ગૂંચવાઈ રહ્યાં છે. ભારતમાં આધુનિકતાનો સૂરજ તપી રહ્યો છે તો એશિયાઈ દેશોમાં આધુનિકીકરણનું મંડાણ થઈ ચૂકયું છે. જ્યારે યુરોપ અને અમેરિકામાં આધુનિક યુગનો મધ્યાહ્ન, માઠી અસરથી પીડાઈ રહ્યો છે. આ સ્થિતિમાં પશ્ચિમના દેશોમાં નવી પેઢી જવાબદારી વહન કરી રાજ્યના વિકાસમાં સહયોગ આપવાના બદલે જીવનને ‘‘ફન’’આનંદપ્રમોદનું સાધન ગણે છે. આજના વ્યવસ્થાપન માટે આ પાયાનો પડકારરૂપ પ્રશ્ન બની ગયો છે.

આધુનિકીકરણ દ્વારા વધતી સાધનસંપત્તિથી માણસની ભૌતિક સુખાકારીમાં વધારો થાય છે. સંપત્તિ વધતાં ભૂખ, શરીરના રોગ, અને શિક્ષણના અભાવના પ્રશ્નો હલ થાય છે તે હિતાવહ છે. પરંતુ સંપત્તિ મેળવવાની દોડમાં વ્યક્તિ પોતાના સ્વાર્થવશ કુટુંબ અને રાષ્ટ્રના હિતનો પણ ત્યાગ કરતો થાય છે અને વિવેકહીન બને છે. આ પ્રકારના મનસ્વી વિકાસની ચરમ સીમા પરથી અમેરિકા અને યુરોપની નવી પેઢી પસાર થઈ રહી છે. જાપાન અને કોરિયાના લોકો વિકાસના અવળા વલયમાં પલોટાતા જાય છે. ભારતના યુવકો પરંપરા છોડી નર્યા ઉપભોકતાવાદ તરફ ઘસડાઈ રહ્યા છે ત્યારે આંધળા અનુકરણને વિકાસ કહેવાનું પડતું મૂકીએ અને થોડી વાર થોભીને વિચાર કરીએ તો ખ્યાલ આવે છે કે કઈ દિશામાં જવાનું છે અને સંઘ કયાં ચાલી રહ્યો છે.
ડો.નાનક ભટ્ટ- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top