Top News

ક્રિકેટર ઇશાન કિશનને મોડલ અદિતી હુંડિયાએ કર્યા ક્લીન બોલ્ડ, જલ્દી જ લગ્નબંધનમાં બંધાશે પાવર કપલ

27 વર્ષીય ભારતીય ક્રિકેટર ઇશાન કિશન હાલમાં જબરદસ્ત ફોર્મમાં જોવા મળી રહ્યો છે. આઇસીસી મેન્સ ટી-20 વર્લ્ડ કપ 2026માં પાકિસ્તાન સામે રમાયેલી મેચમાં તેના ઉત્કૃષ્ટ પ્રદર્શનને કારણે તે હાલ ચર્ચામાં છે. મેદાન પરની સફળતા સાથે સાથે હવે તે પોતાના વ્યક્તિગત જીવનને લઈને પણ ચર્ચામાં છે. મળતી માહિતી મુજબ, તેઓ જલ્દી જ જયપુરની જાણીતી મોડલ અદિતી હુંડિયા સાથે લગ્નબંધનમાં બંધાવા તૈયાર છે. બંને પરિવારોમાં લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ હોવાનું જાણવા મળે છે. સૂત્રોના જણાવ્યા મુજબ, ઇશાન અને અદિતિ છેલ્લા કેટલાક વર્ષોથી એકબીજાને ઓળખે છે. છ વરસની મિત્રતા બાદ બંને વચ્ચે નજીકતા વધી અને હવે આ સંબંધને સત્તાવાર રૂપ આપવા બંનેએ પરિવારની સંમતિ સાથે લગ્ન કરવાનો નિર્ણય લીધો છે. લગ્ન સમારોહ રાજસ્થાનના જયપુર શહેરમાં યોજાય તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે. કાર્યક્રમને સાદગીપૂર્ણ પરંતુ ભવ્ય રીતે આયોજન કરવાની ચર્ચા છે.

ઇશાન કિશન ભારતીય ક્રિકેટમાં પોતાની આક્રમક બેટિંગ અને ચપળ વિકેટકીપિંગ માટે જાણીતા છે. તેઓએ આંતરરાષ્ટ્રીય તેમજ આઈપીએલ ક્રિકેટમાં નોંધપાત્ર પ્રદર્શન કર્યું છે. ઇશાન કિશનની કરિયર પણ હાલ ફોર્મમાં છે. ઇશાન કિશને પાકિસ્તાન સામે 40 બોલમાં 77 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી, જેમાં 3 છગ્ગા અને 10 ચોગ્ગાનો સમાવેશ થતો હતો. આ ઇનિંગ માટે તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. કિશનની ઇનિંગ મેચનો ટર્નિંગ પોઇન્ટ સાબિત થઈ, અને ભારતે પાકિસ્તાન પર 61 રનથી જંગી વિજય નોંધાવ્યો અને T20 વર્લ્ડ કપના સુપર 8 માટે ક્વોલિફાય કર્યું. યુવા ક્રિકેટપ્રેમીઓમાં તેમની લોકપ્રિયતા સતત વધી રહી છે. બીજી તરફ જયપુરની રહેવાસી અદિતિ હુંડિયા મિસ ઈન્ડિયા 2017 સ્પર્ધામાં ફાઇનલિસ્ટ રહી હતી. ઉપરાંત, 2018માં તેણીએ મિસ સુપરનેશનલ ઇન્ડિયાનો ખિતાબ પોતાના નામે કર્યો હતો. અદિતી મોડેલિંગ ક્ષેત્રમાં સક્રિય છે અને અનેક ફેશન શો તથા બ્યુટી પેજન્ટમાં ભાગ લઈ ચૂકી છે. સોશિયલ મીડિયા પર પણ તેમની સારી એવી લોકપ્રિયતા છે. જોકે લગ્ન અંગે હજી સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવી નથી, પરંતુ નજીકના વર્તુળોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ઇશાન માટે આ વર્ષ વ્યાવસાયિક અને વ્યક્તિગત બંને દૃષ્ટિએ ખાસ બની શકે છે. ક્રિકેટ કારકિર્દી સાથે હવે તેઓ જીવનના નવા અધ્યાયની શરૂઆત કરવા જઈ રહ્યા છે. ચાહકો સોશિયલ મીડિયા પર બંનેને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે અને તેમની નવી જીવનયાત્રા માટે શુભકામનાઓ વ્યક્ત કરી રહ્યા છે.

Most Popular

To Top