પહેલગામ હુમલા પછી પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે બુધવારે 7 મે ના રોજ દેશના 244 વિસ્તારોમાં યુદ્ધમાં બચવાની તકનીકો પર મોક ડ્રીલ યોજાશે. સાંજે 4.00 કલાકે સાયરન વાગશે અને સાંજે 7.30 કલાકે બ્લેકઆઉટ કરાશે. ગૃહ મંત્રાલયે આ વિસ્તારોને નાગરિક સંરક્ષણ જિલ્લાઓ તરીકે સૂચિબદ્ધ કર્યા છે. આ સામાન્ય વહીવટી જિલ્લાઓથી અલગ છે. નાગરિક સંરક્ષણ જિલ્લાઓને તેમની સંવેદનશીલતાના આધારે 3 શ્રેણીઓમાં વિભાજિત કરવામાં આવ્યા છે. શ્રેણી-1 સૌથી સંવેદનશીલ છે અને શ્રેણી-3 ઓછી સંવેદનશીલ છે. 5 મેના રોજ ગૃહ મંત્રાલયે તમામ રાજ્યોને મોક ડ્રીલ યોજવાનો આદેશ આપ્યો હતો.
કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા નાગરિક સુરક્ષાની તૈયારીઓના ભાગ રૂપે 7 મે 2025ના રોજ ગુજરાતના અમદાવાદ, સુરત, વડોદરા, મહેસાણા સહિત 19 શહેરોમાં મોકડ્રિલ યોજાશે. આ મોકડ્રિલમાં હવાઈ હુમલાની ચેતવણી આપતા સાયરન વગાડવામાં આવશે. નાગરિકો અને વિદ્યાર્થીઓને દુશ્મનના હુમલાઓ દરમિયાન આત્મસુરક્ષાની ટ્રેનિંગ આપવામાં આવશે. બ્લેકઆઉટ (અંધારપટ)ની વ્યવસ્થા કારશે. જેથી જ્યારે જરૂર પડે ત્યારે એક સાથે વીજળી બંધ કરી શકાય જેથી દુશ્મન લક્ષ્ય ન જોઈ શકે. મહત્વની બિલ્ડિંગો અને જગ્યાઓને છૂપાવવા વ્યવસ્થા કરાશે. સ્થળાંતરની યોજનાને અપડેટ કરવામાં આવશે તેમજ તેનું રિહર્સલ પણ કરાશે. યુદ્ધ જેવી પરિસ્થિતિમાં પહેલા સાયરન વાગ્યા પછી 5 થી 10 મિનિટની અંદર સલામત સ્થળે પહોંચવું પડે છે. આ જ કારણ છે કે લોકોને ઝડપથી અને શાંતિથી બહાર નીકળવાનું શીખવવા માટે મોકડ્રિલનો ઉપયોગ કરવામાં આવે છે.
મોકડ્રીલ દરમિયાન જે સાયરન વગાડવામાં આવશે તે સામાન્ય રીતે વહીવટી ઇમારતો, પોલીસ મુખ્યાલય, ફાયર સ્ટેશન, લશ્કરી થાણા અને શહેરના ભીડભાડવાળા વિસ્તારોમાં ઊંચાઈએ સ્થાપિત કરવામાં આવે છે. તેનો હેતુ સાયરનનો અવાજ શક્ય તેટલા દૂર સુધી પહોંચે તે છે. સામાન્ય રીતે તે 2 થી 5 કિલોમીટરની રેન્જ સુધી સાંભળી શકાય છે. અવાજમાં એક ચક્રીય પેટર્ન છે. જેને કારણે ધીમે ધીમે અવાજ વધે છે, પછી ઘટે છે. સાયરન વાગવાનો અર્થ એ છે કે લોકોએ તાત્કાલિક સલામત સ્થળોએ ખસી જવું જોઈએ. ખુલ્લા વિસ્તારોથી દૂર રહેવું જોઈએ. ઘરો અથવા સુરક્ષિત ઇમારતોની અંદર જવું જોઈએ પરંતુ મોક ડ્રીલ દરમિયાન આ ફક્ત ટ્રેનિંગ આપવા માટે કરાશે જેથી લોકોએ ગભરાવું જોઈએ નહીં.
દેશના કુલ 259 નાગરિક સંરક્ષણ જિલ્લાઓને 3 શ્રેણીઓમાં વિભાજિત કરવામાં આવ્યા
કુલ 259 નાગરિક સંરક્ષણ જિલ્લાઓને તેમના મહત્વ અથવા સંવેદનશીલતાના આધારે 3 શ્રેણીઓમાં વિભાજિત કરવામાં આવ્યા છે. શ્રેણી 1 માં એવા જિલ્લાઓનો સમાવેશ થાય છે જે સૌથી વધુ સંવેદનશીલ છે. આવા કુલ 13 જિલ્લાઓ છે. ઉદાહરણ તરીકે ઉત્તર પ્રદેશમાં ફક્ત 1 જિલ્લો – બુલંદશહેર શ્રેણી 1 માં છે કારણ કે નરોરા ન્યુક્લિયર પ્લાન્ટ અહીં હાજર છે. તેવી જ રીતે શ્રેણી 2 માં 201 જિલ્લાઓ અને શ્રેણી 3 માં 45 જિલ્લાઓ છે.
ગૃહ મંત્રાલયની માર્ગદર્શિકા- મેડિકલ કીટ, ટોર્ચ તેમજ કેશ સાથે રાખો
ગૃહ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર નાગરિકોને તેમના ઘરમાં મેડિકલ કીટ, રાશન, ટોર્ચ અને મીણબત્તીઓ રાખવાની પણ સૂચના આપવામાં આવશે. આ ઉપરાંત તમારી સાથે રોકડ રકમ રાખો કારણ કે કટોકટીની સ્થિતિમાં મોબાઇલ અને ડિજિટલ વ્યવહારો નિષ્ફળ જઈ શકે છે.