હાલોલ: હાલોલ નગરના બસ સ્ટેન્ડ સામે આવેલ પુજારા ટેલીકોમના 5G સ્ટોરમાંથી ગ્રાહકના સ્વાંગમાં આવેલ એક યુવાન ગઠિયો સેલ્સમેનની નજર ચૂકવી સિફતપૂર્વક કાઉન્ટર પર મુકેલ સેમસંગ કંપનીનો મોબાઇલ ઉઠાવીને ફરાર થઈ જતા સમગ્ર સિસ્ટમ ઘટના સીસીટીવી કેમેરામાં આબાદ કેદ થઇ જવા પામી હતી જેમાં બનાવ અંગે 5G સ્ટોરના માલિકે હાલોલ ટાઉન પોલીસ મથકે લેખીતમા અરજી કરી પુરાવા રૂપ સી.સી.ટીવી કેમેરાના ફૂટેજ રજૂ કરતાં પોલીસે મોબાઈલની ઉઠાંતરી કરનાર અજાણ્યા ગઠિયાને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.હાલોલ નગરના બસ સ્ટેન્ડ સામે આવેલ પુજારા ટેલીકોમના 5G સ્ટોરમાં ગુરૂવારના રોજ સવારે 11:00 કલાકના સુમારે એક યુવાન ગઠિયો ગ્રાહકના સ્વાંગમાં મોબાઇલની ખરીદી કરવા માટે આવ્યો હતો જેમાં સ્ટોરમાં હાજર સેલ્સમેન અજાણ્યા ગઠિયા યુવાનને મોબાઇલ બતાવવામાં લાગ્યો હતો.
જેમાં સેલ્સમેનની નજર ચૂકવી સિફતપૂર્વક ગઠિયાએ કાઉન્ટર પર મુકેલ સેમસંગ કંપનીનો A53 મોડલનો મોબાઈલ કાઉન્ટર પરથી ઉઠાવી ચાલાકીપૂર્વક પોતાના હાથમાં લઈ મોબાઈલ પકડેલ હાથ પાછળના ભાગે લઈ જઈ પોતાનો શર્ટ ઉપરના ભાગે ઉઠાવી પેન્ટમાં કમરના ભાગે ખોસી દીધો હતો જે બાદ ગ્રાહકના સ્વાંગમાં આવેલ યુવાન ગઠિયો થોડીવાર પછી આવું છું તેવું બહાનું કરી ચાલ્યો ગયો હતો જેમાં તેને બતાવવામાં આવેલા મોબાઈલનો પૈકીનો એક મોબાઇલ કાઉન્ટર પર ઓછો જોવા મળતા સેલ્સમેનને શંકા જતા સ્ટોરના કર્મચારીઓ તેની પાછળ દોડ્યા હતા પરંતુ પાવાગઢ રોડ તરફ ગયેલ ગઠિયો ભીડનો લાભ ઉઠાવી પલાયન થઈ ગયો હતો જે બાદ 5G સ્ટોરમાં આવેલા સી.સી.ટીવી કેમેરામાં ચેક કરવામાં આવતા સ્ટોરમાં પ્રવેશ કરી ગ્રાહકના સ્વાંગમાં આવેલ ગઠિયો યુવાન ચાલાકીપૂર્વક કેવી રીતે મોબાઈલ ઉઠાવીને ફરાર થઈ ગયો હોવાની સમગ્ર ઘટના સી.સી.ટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી હતી.