નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની (PMModi) આગેવાની હેઠળની સરકાર આવતીકાલે એટલે કે 1લી ફેબ્રુઆરીએ વચગાળાનું બજેટ 2024 (Buget2024) રજૂ કરશે પરંતુ બજેટની રજૂઆત પહેલા જ સરકારે એક એવી ભેટ આપી છે, જે સામાન્ય માણસ માટે પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ અંતર્ગત મોબાઈલ (MobilePhoneIndustry) ફોન ઈન્ડસ્ટ્રી માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. સરકારે મોબાઈલ પાર્ટસની ઈમ્પોર્ટ ડ્યુટીમાં (MobilePartsImportDuty) ઘટાડો કર્યો છે. આ નિર્ણયથી મોબાઈલ ફોનની કિંમતો ઘટી શકે છે એટલે કે તે સસ્તા થઈ શકે છે.
મોદી સરકારે બુધવારે બજેટ પહેલા મોબાઈલ પાર્ટ્સ પરની ઈમ્પોર્ટ ડ્યુટીમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. ઈમ્પોર્ટ ડ્યૂટી 15 ટકાથી ઘટાડીને 10 ટકા કરવામાં આવી છે. આ માત્ર મોબાઈલ ફોન ઈન્ડસ્ટ્રી માટે જ નહીં પરંતુ દેશના સામાન્ય લોકો માટે પણ રાહતના સમાચાર છે. કારણ કે ઈમ્પોર્ટ ડ્યૂટી ઘટવાને કારણે મોબાઈલ ફોન મેન્યુફેક્ચરિંગનો ખર્ચ પણ ઘટશે અને કંપનીઓ ફોનની કિંમતોમાં પણ ઘટાડો કરી શકે છે.
મોબાઈલ ફોન સેક્ટર સાથે સંકળાયેલી કંપનીઓ ભારતમાં સ્માર્ટફોનના ઉત્પાદનની કિંમતમાં ઘટાડો કરવા અને સમાન સ્તરે સ્પર્ધા કરવા માટે લગભગ 10 વર્ષથી ઈમ્પોર્ટ ડ્યૂટીમાં ઘટાડાની માંગણી કરી રહી હતી. જેથી કંપનીઓ ચીન અને વિયેતનામ જેવા હરીફ દેશો સાથે સ્પર્ધા કરી શકે. સંસદમાં બજેટ રજૂ કરવાના એક દિવસ પહેલા જ સરકારે તેને લીલી ઝંડી આપી દેતા કંપનીઓમાં ખુશીની લહેર ફરી વળી છે.
મોબાઈલ ફોનની નિકાસ ત્રણ ગણી વધશે
ઈન્ડિયન સેલ્યુલર એન્ડ ઈલેક્ટ્રોનિક્સ એસોસિએશન (આઈસીઈએ) એ અગાઉ કહ્યું હતું કે જો સરકાર ઘટકો પરની આયાત ડ્યુટી ઘટાડે છે અને કેટલીક શ્રેણીઓમાં તેને દૂર કરે છે તો ભારતમાંથી મોબાઈલ ફોનની નિકાસ આગામી બે વર્ષમાં ત્રણ ગણી વધીને $39 બિલિયન થઈ શકે છે. ભારતીય મોબાઇલ ઉદ્યોગ નાણાકીય વર્ષ 2024માં આશરે $50 બિલિયનના મૂલ્યના મોબાઇલ ફોનનું ઉત્પાદન કરે તેવી અપેક્ષા છે, જે આગામી નાણાકીય વર્ષમાં વધીને $55-60 બિલિયન થવાની સંભાવના છે. નિકાસ નાણાકીય વર્ષ 2024માં આશરે $15 બિલિયન અને પછી નાણાકીય વર્ષ 25માં $27 બિલિયન સુધી વધવાની શક્યતા છે.