શહેરના પીપલોદ વિસ્તારમાં આવેલી જાણીતી ચારકોલ રેસ્ટોરન્ટમાં શરમજનક અને ચોંકાવનારી ઘટના બની છે. અહીં લેડિઝ વોશરૂમના વેન્ટિલેશનમાંથી મોબાઈલ મળ્યો છે. આ મોબાઈલમાં મહિલાઓનું વીડિયો રેકોર્ડિંગ કરાતું હોવાનો ઘટસ્ફોટ થયો છે. રેસ્ટોરન્ટમાં આવેલી મહેમાન મહિલાએ આ મોબાઈલ પકડી પાડ્યો છે. મહિલાની ફરિયાદ પર પોલીસે રેસ્ટોરન્ટના સફાઈકર્મીને પકડ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ચારકોલ રેસ્ટોરન્ટમાં આવેલી એક મહિલા ગ્રાહક મહિલા વોશરૂમનો ઉપયોગ કરવા ગઈ. વોશરૂમમાં પ્રવેશતાં જ તેની નજર ઉપર રહેલી વેન્ટિલેશનની જાળી પર પડી. સામાન્ય રીતે કોઈપણ વોશરૂમમાં આ પ્રકારની વસ્તુઓ ન હોવાથી તેને શંકા ગઈ.
સાવચેતી દાખવીને મહિલાએ કમોડની સીટ પર ચડીને જોયું તો તે ચોંકી ગઈ. વેન્ટિલેશનની જાળી પર એક મોબાઈલ ફોન ગુપ્ત રીતે મૂકવામાં આવ્યો હતો અને એમાં વીડિયો રેકોર્ડિંગ ચાલુ હતું. આ દૃશ્ય જોતાં જ મહિલાએ બૂમાબૂમ કરી હતી, જેના કારણે રેસ્ટોરન્ટમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા.
મહિલાએ તાત્કાલિક આ સમગ્ર મામલાની જાણકારી રેસ્ટોરન્ટના મેનેજમેન્ટને આપી હતી. મેનેજમેન્ટે તાત્કાલિક પોલીસને જાણ કરી અને ઉમરા પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે તાત્કાલિક મોબાઈલ ફોનને કબજે કરી તપાસ શરૂ કરી હતી. પોલીસે રેસ્ટોરન્ટના કર્મચારીઓની પૂછપરછ શરૂ કરી હતી.
આ દરમિયાન પુરુષ સફાઈકર્મચારીઓએ મહિલા વોશરૂમની સફાઈ કરી હોવાની વિગતો સામે આવી હતી. પોલીસે તમામ સફાઈકર્મચારીઓની પૂછપરછ શરૂ કરતાં એક શંકાસ્પદ કર્મચારી પોલીસને જોઈને ત્યાંથી નાસી ગયો હતો.
તપાસ કરતા તે સફાઈ કર્મચારીનું જ આ કારસ્તાન હોવાનું ખુલ્યું હતું. તરત કાર્યવાહી કરી પોલીસે આરોપી સફાઈકર્મચારી સુરેન્દ્ર રાણાની ધરપકડ કરી છે. તેની પાસેથી બે મોબાઈલ ફોન અને સ્પાય કેમેરાનો અડધો ભાગ પણ મળી આવ્યો છે. આરોપીના મોબાઈલમાં અનેક આપત્તિજનક વીડિયો અને ગૂગલ હિસ્ટ્રી સામે આવી છે.
CCTV ફૂટેજના આધારે આરોપીની ધરપકડ
પોલીસે તરત રેસ્ટોરન્ટના CCTV ફૂટેજની તપાસ શરૂ કરી. રેકોર્ડિંગની લેન્થ પ્રમાણે જે વ્યક્તિ છેલ્લે મહિલા વોશરૂમમાંથી બહાર નીકળી હતી તે સફાઈકર્મચારી સુરેન્દ્ર રાણા (ઉંમર: 30, રહેવાસી: ઝારખંડ)હતો. CCTV ફૂટેજમાં તે શંકાસ્પદ રીતે હલનચલન કરતો જોવા મળ્યો.
આ પુરાવાના આધારે પોલીસે ભાગી ગયેલા સફાઈકર્મચારી સુરેન્દ્ર રાણાને ઝડપી પાડ્યો. સુરેન્દ્ર રાણા છેલ્લાં બે વર્ષથી આ રેસ્ટોરન્ટમાં સફાઈકર્મચારી તરીકે નોકરી કરે છે અને તેનો નાનો ભાઈ પણ આ જ રેસ્ટોરન્ટમાં નોકરી કરે છે.
આરોપીના ઘરેથી સ્પાય કેમેરા મળ્યો
આ સિવાય પોલીસે સુરેન્દ્ર રાણાના ઘરેથી સ્પાય કેમેરાનો અડધો ભાગ (પાછળનો ભાગ) પણ શોધી કાઢ્યો છે, જોકે કેમેરાનો મુખ્ય ભાગ હજુ સુધી પોલીસને મળ્યો નથી અને પોલીસ તેની તપાસ કરી રહી છે. આના પરથી સ્પષ્ટ થાય છે કે આરોપી માત્ર મોબાઈલ ફોન જ નહીં, પણ ગુપ્ત સ્પાય કેમેરાનો પણ ઉપયોગ કરતો હતો.
રેસ્ટોરન્ટને અસ્થાયીરૂપે બંધ કરવા નિર્ણય લેવાયો
K’s ચારકોલ રેસ્ટોરન્ટના મેનેજમેન્ટ નિવેદન જાહેર કરી ઘટનાની નિંદા કરી છે. હોટલ સંચાલકોએ જણાવ્યું કે, આ કેસમાં મેનેજમેન્ટ સુરત પોલીસને તપાસમાં સંપૂર્ણ સહકાર આપે છે. ગ્રાહકોની સલામતી માટે પૂરતા પગલાં લેવાયા છે. રેસ્ટોરન્ટને અસ્થાયીરૂપે બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.