Charchapatra

મોબાઈલ અનિવાર્ય અનિષ્ટ

ભિખારીઓથી માંડીને અબજોપતિ, નિરક્ષરથી સાક્ષર, બેકારોથી બિઝી અને નાના બાળકોથી માંડીને વયોવૃદ્ધો માટે મોબાઈલ આજના સમયમાં અનિવાર્ય જરૂરીયાત અને અનિષ્ટ બની રહ્યો છે. અખબાર, ટી.વી. અને સોશ્યલ મીડિયા વગેરેમાં મોબાઈલ કારણભૂત હોય એવા ચોરી, ગેમ સ્વરૂપમાં જુદા જુદા પ્રકારના જુગારમાં બરબાદી, અકસ્માત, જાતને ઈજા પહોંચાડવાના જ નહીં આપઘાતના પણ, નાણાકીય ફ્રોડ, બળાત્કાર, હની ટ્રેપ, ડિજિટલી એરેસ્ટ, બ્લેક મેલિંગ જેવા સાઇબર ક્રાઇમના અનેક કિસ્સાઓ લગભગ રોજ જ વાંચવા, સાંભળવા અને જોવા મળે છે. જે જોતાં એમ લાગે છે કે મોબાઈલના ઉપયોગ કરતાં દુરુપયોગનો પ્રભાવ વધી રહ્યો છે.

ઉપરાંત શારીરિક, માનસિક, સામાજિક અને આર્થિક ગેરલાભની અસરોથી જાણકાર હોવા છતા એની વ્યસનથી દૂર રહેવું લગભગ બધા માટે જ અશકય બની રહ્યું છે. હાલ વાલીઓએ ખાસ જાગૃત બનવાની જરૂર છે. પોતે મોબાઈલનો જરૂરીયાત પૂરતો જ સદુપયોગ કરી, પોતાના બાળકને ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરૂ પાડવું જોઈએ. પોતાનું બાળક મોબાઈલનો કેટલો અને કેવો ઉપયોગ કરે છે, તેનું ધ્યાન રાખી ફાયદા–ગેરફાયદા સમજાવે અને જરૂર પડે તો કડક વલણ અખત્યાર કરતાં પણ અચકાવું ન જોઈએ. શાળા દ્વારા પણ બાળકો – વાલીઓને આ અંગે વ્યવસ્થિત શિક્ષણ, સમજ આપવાના પ્રયત્નો કરવામાં આવે, આપણાં દેશમાં પણ યોગ્ય પગલાં લેવાય તો કદાચ બાળકો મોબાઇલના દુષ્પ્રભાવથી બચી શકે. 
સુરત     –  મિતેશ પારેખ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

વાંચનનું મહત્ત્વ
પહેલાનાં સમયમાં ઓછા વર્ષ ભણવાનું અને જ્ઞાન વધારે મળતું હતું. અત્યારે વધારે વર્ષ ભણવાનું અને જ્ઞાન ઓછું મળે છે. તેનું કારણ એ હતું કે પુસ્તકો જ એવા હતા કે તેમાં દરેક પ્રકારનું જ્ઞાન આવી જતું. આજના સમયમાં જુદી જુદી વિદ્યાશાખાઓ ઊભી થઈ છે પરિણામે વિદ્યાર્થી પરીક્ષાને ધ્યાનમાં રાખીને જ્ઞાન મેળવે છે. ફાધર વાલેસે એક પુસ્તકમાં લખ્યું છે કે તેઓ ગણિત ભણાવતા ત્યારે વિદ્યાર્થીને કોર્ષ બહારનો એક પણ દાખલો શિખવામાં રસ છે એમ પૂછતા તો વિદ્યાર્થીઓ ના પાડી દેતા. જ્ઞાન પ્રાપ્તિ માટે પોતાના વિષય બહારનું વાંચવાનું બહુ ઓછા લોકોને ગમે છે.

માણસનું સારા પુસ્તકોનું બાહ્ય વાંચન જેટલું વધુ હશે તેટલો વ્યકિત વધુ સંસ્કારી બનશે. માણસના જીવનનો કોઈ કોર્ષ નક્કી હોતો નથી, ક્યારે ક્યું જ્ઞાન કામ લાગશે તે કહેવાય તેમ નથી. ‘વાંચે ગુજરાત’માં ડો.મહેન્દ્ર નાયી સાહેબ કહે છે કે ‘એક સારૂં પુસ્તક વાંચવું તે એક મહાન આત્મા સાથે વાતચીત કરવા બરાબર છે.’ મનુભાઈ પંચોલી’દર્શક’ ના મતે સારા પુસ્તકો હશે તો તમને દિલોજાનમિત્ર, શુભેચ્છક, સલાહકાર અને દિલાસો આપનારની ખોટ જણાશે નહિ. વાચન એ જ આપણા જીવનનું સાચું પ્રતિબિંબ છે. પોતાના વિષય ઉપરાંતનું જ્ઞાન મેળવવા માટે વિશેષ વાંચન જરૂરી છે.
સુરત     – પ્રવિણ પરમાર– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top