મોબાઇલ નામનું રમકડું (માણસને રમકડું બનાવ્યો) માણસ સંબંધોની માવજત કરવાનું જ જાણે વિસરી ગયો. અનલિમિટેડ કોલીંગ, મેસેજ, ઇંટરનેટ એમ સંબંધો લિમિટેડ થવા લાગ્યા છે. આપણી મુઠ્ઠીમાં ફોન શોભે પણ ફોનની મુઠ્ઠીમાં આખી માનવજાત હોય એ શરમજનક ગણાય. ફોન માણસે વાપરાવનો હોય છે પણ અત્યારે સ્થિતિ એવી રહી છે કે ફોન માણસને વાપરવા લાગ્યો છે. અહીં સવાલ એ ઉભો થાય છે કે ફોન સ્માર્ટ બન્યા પણ માણસ? મોબાઇલનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો એ વ્યકિતગત બાબત છે.
મોબાઇલ ફોન સિવાયની પણ મોટી સરસ મજાની દુનિયા છે એ આપણે ભૂલવું ન જોઇએ. જયારે હજારો ફોલોઅર્સ ધરાવતો વ્યકિત પણ ડિપ્રેશનના રોગમાં પીડાઇને જકડાઇ રહયો છે ત્યારે આજે આપણે જોવા મળતા વિડિયો ફેસબુક કે વોટ્સએપ પર જોવા મળે છે કે વ્યકિત તરફડતી મરતી હોય ત્યારે એ માનવને મદદરૂપ થનાર માનવના હાથની જરૂર હોય છે ત્યારે બીજો માણસ હાથ આપવાની જગ્યાએ મોબાઇલથી વિડીયો ઉતારવામાં મગ્ન હોય છે અને એ વિડીયોમાં કેટલીક લાઇક મળશે કેટલીક કોમેન્ટસ મળશે એવી ચિંતા કરતો હોય છે. એ શરમજનક બાબત ગણાય છે.
આધુનિક મમ્મીઓ પોતાનું બે વર્ષના રડતા બાળકને ગોદમાં લઇ વહાલ કરવાનું મુકી તેના હાથમાં મોબાઇલ આપી દે છે. બાળક માટે તો આ બોલતું ચાલતું રમકડું છે. માતાને એ નાજુક આંખની નાજુક કુમળા મનની એના ઉપર મોબાઇલની શી અસર થશે એની લેશમાત્ર ચિંતા નથી. બાળકોની વિચારશકિતને મોબાઇલે કેદ કરી લીધી છે. લોકો મોબાઇલની દુનિયામાં એટલા મશગુલ થઇ ગયા છે કે એક જ રૂમમાં સાથે બેઠા હોય ત્યારે પણ એક બીજા સાથે વાત કરતા નથી હોતા. મોબાઇલમાં બાળકોને પણ એટલી લત લાગી ગઇ છે કે તેઓ બહારની ગેઇમ રમવાનું ભૂલી ગયા છે. એની સીધી અસર એમના શારીરિક વિકાસ અને ક્રિએટિવિટી પર પડી રહે છે. સ્માર્ટ ફોનની ખરાબ અસર છે એવું નથી દોસ્તો એનો સાચો અને જરૂરી ઉપયોગ કરવામાં આવે તો એ એક વરદાનનું પણ કામ કરે છે.
અમરોલી – પટેલ આરતી જે- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.