મોબાઇલ ગેમ્સ, વીડિયો ગેમ્સ, સોશ્યલ મીડિયા આજકાલના તરૂણો જ નહી કિશોર વયના બાળકોને પણ ઘેલા કરી રહ્યા છે અને મોબાઇલ ફોન્સ અને ઇન્ટરનેટનો વ્યાપ વધવા પછી આ સમસ્યા ખૂબ વ્યાપક બની છે અને વિશ્વભરના મા-બાપો અને સમાજ ચિંતકો આ બાબતે ચિંતા કરી રહ્યા છે ત્યારે હાલ એક સર્વેક્ષણમાં એવું પણ બહાર આવ્યું છે કે વિશ્વમાં એવા માતા પિતા પણ નોંધપાત્ર સંખ્યામાં છે કે જેઓ એમ માને છે કે વીડિયો ગેમ્સ અને સોશ્યલ મીડિયા બાળકોના માનસિક આરોગ્ય પર સારી અસર કરે છે! જો કે વિશ્વના અનેક દેશોમાં કરવામાં આવેલા આ સર્વેમાં મોટા ભાગના મા-બાપ એ વાત સાથે સહમત થયા છે કે શારીરિક ચુસ્તીની પ્રવૃતિઓમાં બાળકોને વધુ પ્રમાણમાં શામેલ કરવાની જરૂર છે.
મોબાઇલ ફોન, વીડિયો ગેમ્સ, સોશ્યલ મીડિયા એપ્સ બાળકોના માનસિક અને શારીરિક આરોગ્યને વિપરીત અસર કરી રહ્યા છે એવી વિશ્વભરમાં અને ખાસ કરીને ભારત જેવા દેશોમાં ફેલાયેલી ચિંતાઓ વચ્ચે વિશ્વમાં ૩૦ ટકા જેટલા માતા-પિતા એવા પણ છે જેઓ માને છે કે વીડિયો ગેમ્સ અને સોશ્યલ મીડિયા તેમના બાળકોના માનસિક આરોગ્ય પર સારી અસર કરે છે.આ એપ્રિલ માસમાં પિઅરસન્સ ગ્લોબલ લર્નર્સ સર્વે નામનું એક સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું તેમાં આ વાત બહાર આવી છે.
આ સર્વે જો કે એમ પણ સૂચવે છે કે ૯૨ ટકા મા-બાપ માને છે કે શાળાઓએ વિદ્યાર્થીઓને મફત આરોગ્ય સેવાઓ પુરી પાડવી જોઇએ અને પ૩ ટકા માને છે કે બાળકોને પ્રાથમિક શાળામાં જ આરોગ્ય અને માનસિક આરોગ્યની જાગૃતિનું શિક્ષણ અપાવું જોઇએ. આ સર્વેમાં એક ધ્યાન ખેંચનારી બાબત એ બહાર આવી છે કે વિશ્વભરનાં ૨૮ ટકા જેટલા વાલીઓ એમ માને છે કે સોશ્યલ મીડિયા તેમના બાળકોના માનસિક આરોગ્ય પર હકારાત્મક અસર પાડે છે. જ્યારે ૨૭ ટકા જેટલા વાલીઓએ એમ કહ્યું હતું કે ઓનલાઇન શિક્ષણની તેમના બાળકોને સારી અસર થઇ છે જ્યારે વિશ્વભરમાં ૪૦ ટકા મા-બાપ એમ માને છે કે વીડિયો ગેમ્સ તેમના બાળકોના માનસિક આરોગ્ય પર સારી અસર કરે છ.
જ્યારે વીડિયો ગેમ્સ અને સોશ્યલ મીડિયા બંનેની અસર બાબતે જોઇએ તો ૩૦ ટકા મા-બાપ એમ માને છે કે આ બાબતો તેમના બાળકોના માનસિક આરોગ્ય પર સારી અસર કરે છે. આ સર્વેમાં અમેરિકા, બ્રિટન, બ્રાઝિલ, ચીન અને ભારતના ૩૧૦૦ માતા-પિતાએ ભાગ લીધો હતો. આ સર્વેનું કદ તેમાં ભાગ લેનાર લોકોની સંખ્યા જોતા ઘણુ નાનુ કહી શકાય. વિશ્વના પાંચેક મોટા દેશોમાં જ આ સર્વે કરવામાં આવ્યો છે અને તેમાં પણ ૩૧૦૦ લોકોનો જ અભિપ્રાય લેવાયો છે તેથી તે આખા વિશ્વના અભિપ્રાયનું પ્રતિબિંબ પાડે છે એમ કહી શકાય નહીં. પરંતુ એક વાત ચોક્કસ છે કે એવું માનનારા પણ નોંધપાત્ર પ્રમાણમાં છે કે મોબાઇલ ગેમ્સ અને સોશ્યલ મીડિયા બાળકોના માનસિક આરોગ્ય પર સારી અસર કરે છે. તેઓ કદાચ એમ માનતા હશે કે આ વસ્તુઓથી બાળકોનું મગજ વધુ ખીલે છે અને તેમની વિચાર શક્તિ અને માનસિક ચપળતા વધે છે.
આ સર્વેમાં જો કે એ વાત સ્પષ્ટ થઇ છે કે વિશ્વભરના મોટા ભાગના માતા-પિતા એમ માને છે કે બાળકોને વધુ પ્રમાણમાં શારીરિક ચુસ્તીની પ્રવૃતિઓની જરૂર છે. વિશ્વભરના ૮૮ ટકા મા-બાપ આ બાબતે સહમત થતા જણાયા છે. જ્યારે એંસી ટકા જેટલા મા-બાપ એમ માને છે કે શાળાઓએ ઓનલાઇન અથવા વર્ચ્યુઅલ શિક્ષણનું પ્રમાણ ઘટાડવું જોઇએ. કોવિડ-૧૯નો વૈશ્વિક રોગચાળો વિશ્વભરમાં શરૂ થયો તેના પછી ભારત સહિત દુનિયાના અનેક દેશોમાં ઓનલાઇન શિક્ષણનું પ્રમાણ ખૂબ વધ્યુ. અને આ ઓનલાઇન શિ્ક્ષણને કારણે કિશોર વયના બાળકોને પણ મોબાઇલ ફોન જેવા સાધનો અપાવવા પડ્યા અને તેની આડઅસર રૂપે બાળકોમાં મોબાઇલ ગેમ્સ રમવાનું ચલણ વધ્યું અને વૉટસ્એપ, ફેસબુક કે પછી ટિકટોક જેવા સોશ્યલ મીડિયા એપ્સનો ઉપયોગ કરતા બાળકો પણ વધ્યાં. આ વસ્તુઓના અમુક લાભો હોય તો પણ તેમના ભયસ્થાનો ઘણા છે અને આથી જ માતા-પિતાએ બાળકોને મોબાઇલ કે વીડિયો ગેમ્સ અને સોશ્યલ મીડિયાનું વળગણ નહીં થઇ જાય તેનું ધ્યાન રાખવું જોઇએ.