ભરૂચ: ભરૂચ (Bharuch) તાલુકાના ટંકારિયા ગામે અમન કોલોનીમાં રહેતાં યાસીન યુનુસ પટેલ ગામના મેઇન બજારમાં હશનેન કલેક્શન નામની રેડિમેડ કપડાંની દુકાન ધરાવે છે. વાતરસા ગામે તેના સગાસંબંધીને ત્યાં નાનપણથી અવારનવાર જતો હોઇ ત્યાં રહેતા સલમાન વલી ભગત સાથે તેની મૈત્રી થઇ હતી. દરમિયાન હાલમાં દિવાળીનો (Diwali) તહેવાર ચાલી રહ્યો હોવાથી સલમાને યાસીનનો સંપર્ક સાધ્યો હતો. તેણે જણાવ્યું હતું કે, તે ડિસ્કાઉન્ટથી ઓનલાઇન મોબાઇલ (Online Mobile) ખરીદે છે. અને ભરૂચ-અંક્લેશ્વરની મોબાઇલની દુકાનોમાં તે મોબાઇલ વેચી મોબાઇલ દીઠ ૨ હજાર રૂપિયા કમાણી કરે છે. સેમસંગ મોબાઇલ કેરમાં નોકરી કરતો હોઇ તેના દુકાનોમાં ઓળખાણ હોઇ તે દુકાનો પરથી ઓર્ડર મેળવી મોબાઇલ વેચવાની તેની જવાબદારી રહેશે તેમ કહી તેણે રૂપિયા કમાવવાની લાલચ આપી હતી.
ત્યારબાદ સલમાને પહેલાં તા.૫ સપ્ટેમ્બરે બે મોબાઇલનો ઓર્ડર મળ્યો હોવાનું જણાવતાં યાસીને તેના ખાતામાં પહેલાં રૂ.૬૨ હજાર ટ્રાન્સ્ફર કર્યાં હતાં. જે બાદ તબક્કાવાર એક-બે મોબાઇલના નવા ઓર્ડર આવ્યા હોવાનું જણાવી સલમાને તેની પાસેથી કુલ ૩.૩૫ લાખ રૂપિયા પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવ્યા હતા. અરસામાં યુનુસે તેની પાસે હિસાબ માંગતાં હું અત્યારે અંકલેશ્વર જઇ રહ્યો છું. ત્યાં હોલસેલરને મોબાઇલ આપી તમારું પેમેન્ટ બપોર બાદ કરી આપીશ તેમ કહી ગયા બાદ તેનો મોબાઇલ સતત સ્વિચ ઓફ આવતો હતો.
જેના પગલે યાસીન વાતરસા ગામે સલમાનના ઘરે જતાં તે ક્યાંક જતો રહ્યો હોવાનું માલૂમ પડ્યું હતું. જે બાદ પણ તપાસ ચાલુ રાખતાં સલમાને યાસીનના ગામના જ ઉબયદહ અઝીઝુર રહેમાન ભુટાના રૂ.૧.૭૫ લાખ, જાવીદ ઉમરજી ગેનના રૂ.૧.૫૦ લાખ, કહાન ગામના જાબીર મહંમદ હકીમના રૂ.૫૫ હજાર પણ ચાંઉ કરી ગયો હોવાની માલૂમ પડ્યું હતું. આ બનાવ સંદર્ભે પાલેજ પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દિવાળીનો તહેવાર ચાલી રહ્યો છે ત્યારે લોકો ઓનલાઇન ખરીદી કરી રહ્યા છે પણ તેમાં છેતરાઇ જવાનો પણ ભય રહેલો છે.