ડૉ.જે.એમ. નાયકે એમના ચર્ચાપત્રમાં “આજના યુવાનોના મોબાઇલના વળગણ” (એડીક્શન) અંગે સાચુ જ કહ્યુ છે કે મોબાઇલમાં સતત વ્યસ્ત રહેતા યુવાનોને આ પ્રકારના અતિરેકથી દુર રાખવા એમના મા–બાપે સંતાનોને સમજાવવા જોઇએ. મોબાઇલ સિવાય રમતગમત જેવી ઘણી પ્રવૃત્તિઓ છે જે યુવાનોને શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય બક્ષવા ઘણી ઉપયોગી બની શકે છે. દરેક મા–બાપ આ પ્રમાણે એમના સંતાનોને સમજાવવાની કોશિશ કરે તો મોબાઇલનું વળગણ સમય જતા ઓછુ થઇ શકે.
એમણે એમના ચર્ચાપત્રમાં આ સાચી અને આજના સમયમાં ખુબ જ જરૂરી એવી સારી અને ઘણી ઉપયોગી વાત કરી છે પરંતુ ઘણી વખત એવુ પણ બનતુ હોય છે કે ઘરના વડીલો જ મોબાઇલમાં એટલા વ્યસ્ત રહેતા હોય છે કે એમના સંતાનોને મોબાઇલથી દુર રાખવાનો નૈતિક અઘિકાર એમણે ગુમાવી દીઘો છે. દરેક ઘરના યુવાનોને મોબાઇલના વળગણથી થોડા અળગા રાખવા માટે વડીલોએ પણ પોતાની જાતને આ રમકડાથી પોતાને થોડા અળગા કરવા આવશ્યક છે.
મોટાભાગના કિસ્સાઓમાં ઘરના દિકરા–દિકરીઓના સાચા શિક્ષણની શરૂઆત ઘરમાંથી જ થાય છે સ્કુલ–કોલેજ અને ભાઇબંઘોતો એમના જીવનમાં પાછળથી આવે છે. અલબત્ત આ ટચુકડુ સાઘન લોકોના સંપર્કમાં રહેવા ઉપરાંત અગત્યની માહિતીઓ મેળવવામાં અને નાણાંકીય વ્યવહારો કરવામાં ઘણુ ઉપયોગી સાબિત થયુ છે. એથી આજના સમયમાં મોબાઇલ વિનાના જીવનની કલ્પના કરવી અવ્યવહારૂ છે જરૂર છે એના સમજણપૂર્વકાના ઉપયોગની જેની શરૂઆત ઘરના વડીલોથી જ થઇ શકે.
સુરત – હિતેન્દ્ર ભટ્ટ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
અખબારો જ વિશ્વસનીય છે
ભારત અને પાકિસ્તાન વચ્ચેની યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે ટીવી ન્યુઝ ચેનલો અતિ ઉત્સાહમાં અને સત્તાપક્ષની વાહવાહીમાં અંધ થઈને ગપગોળા ફેંકે છે. સેનાની પ્રેસવાર્તામાં જે માહિતી અપાય છે તેના કરતાં પણ ઉપર, ન્યુઝ ચેનલો ખોટી માહિતી આપે છે જે તેની વિશ્વસનીયતાનો ભંગ કરે છે. ટીઆરપી વધારવાના ચક્કરમાં લોકોની લાગણી સાથે રમત રમવાના આ ખેલ પર પ્રતિબંધ મૂકાતો નથી એય આશ્ચર્ય છે. એનો અર્થ એમ કરવો કે સરકારને પણ આ ગમે છે.? બીજી તરફ અમુક પત્રકારોની યુટ્યુબ ચેનલો બંધ કરી છે! આવા સંજોગોમાં સાચી અને તટસ્થ માહિતી-મૂલ્યાંકન માટે અખબારો પર જ આધાર રાખવો જોઈએ. હજી આ દેશના અખબારોની વિશ્વસનીયતા ટકી રહી છે એ સારું છે. પત્રકારત્વનો ધર્મ બજાવતા અખબારો અભિનંદનને પાત્ર છે.
સુરત – સુનીલ શાહ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.