માંડવીના મોરીઠા ગામે દાદાએ પૌત્રને મોબાઈલ ન આપવા બાબતે બોલાચાલી બાદ મામલો બીચકતાં દાદાને પૌત્રએ માર મારતાં ઇજા પહોંચાડી હતી. તેમજ પિતાએ પણ મારી નાંખવાની ધમકી આપતાં દાદાએ માંડવી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં ચકચાર મચી જવા પામી હતી.
પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર માંડવીના મોરીઠા ગામે બિરાલી ફળિયામાં રહેતા દુધિયાભાઇ રઘલાભાઇ ચૌધરી (ઉં.વ.70) તેમના પૌત્ર દિવ્યેશ સુરેશ ચૌધરીએ મોબાઈલ ફોન માંગ્યો હતો. પરંતુ દાદાએ ફોન આપવાની ના પાડતાં દાદાને ધક્કો મારતાં દીવાલ સાથે અથડાયા હતા. જેથી માથાના ભાગે ઈજા પહોંચી હતી.
ત્યારબાદ દિવ્યેશના પિતા સુરેશભાઈએ આવીને અપશબ્દો બોલી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જે બાબતે જાણ નાના પુત્રને થતાં તેમણે પોતાના બહેન-બનેવીને કરતા તેઓ ઘરે આવી પહોંચ્યા હતા. અને ઈજા પામેલા 70 વર્ષના વૃદ્ધ દુધિયાભાઈને માંડવી રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ ખસેડાયા હતા.આમ નજીવી બાબતે ઝઘડો થતાં માંડવી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.