Comments

ટોળું, ટોળાંશાહી અને ટોળાંની માનસિકતા સત્તાધીશોને લાભદાયી છે

અત્યંત સાંકડું સ્થળ. ક્ષમતા કરતાં અનેકગણાં વધુ લોકોનો ધસારો. પરિણામે ધક્કામુક્કી અને ગૂંગળામણથી દોઢસો કરતાં વધુ લોકો મરણને શરણ. તાજેતરમાં મોરબીનો ઝૂલતો પુલ લોકોના અતિશય ધસારાને કારણે તૂટી પડ્યો એ દુર્ઘટનાની આ વાત નથી. ગુજરાત રાજ્યની કે આપણા દેશની સુદ્ધાં નહીં. દક્ષિણ કોરીઆના સીઓલના ઈટેવાન વિસ્તારમાં ૨૯ ઑક્ટોબરની રાતે બનેલી દુર્ઘટનાની વાત છે. મૃતકો પૈકીનાં મોટા ભાગનાં તેમની ઉંમરની વીસીમાં હતાં. થયું હતું શું? હેલોવીનની ઉજવણી નિમિત્તે આ સાંકડા સ્થળે એકાદ લાખ લોકો લગભગ એક જ સમયે એકઠાં થયાં. કોવિડનાં આકરાં નિયંત્રણો પછીની આ ઉજવણીમાં લોકો જાણે કે કોઈ પણ ભોગે ઘરની બહાર નીકળવા માંગતાં હતાં.

આ વિસ્તાર તેના રાત્રિજીવન માટે જાણીતો છે. અહીં બીઅર પીરસતાં હારબંધ પીઠાં અને સંખ્યાબંધ ક્લબો છે. શનિવારની રાતના દસ પછી ઈટેવાન સ્ટેશન પાસેના ઢોળાવવાળા રસ્તે વિવિધ દિશાઓમાંથી ટોળેટોળાં ઉમટવા લાગ્યાં. ઢોળાવ પર કેટલાંક લોકોના પગ લપસ્યા અને એ પછી જે કંઈ બનવા લાગ્યું એનો ઘટનાક્રમ જાણવો મુશ્કેલ છે. લોકો પડવા લાગ્યાં, એકબીજા સાથે અથડાયાં, એકની ઉપર બીજા અનેક પડ્યાં, ભાગદોડ મચી. જે મર્યા એ બધાં કંઈ કચડાઈ મરવાને કારણે નહીં, પણ અમુક ગૂંગળામણથી કે હૃદયરોગના હુમલાને કારણે મૃત્યુ પામ્યાં.

આ દુર્ઘટના ખરેખર તો માનવસર્જીત કહી શકાય, પણ દુર્ઘટના ચાહે માનવસર્જીત હોય કે અન્ય કોઈ કારણને લઈને હોય, જેમણે જાન ગુમાવ્યા એ કદી પાછાં આવી શકવાનાં નથી. આ સંજોગોમાં થઈ શકે તો કેવળ એટલું જ થઈ શકે કે સત્તાતંત્ર શી રીતે થઈ એનાં કારણોની તપાસ કરે અને ભવિષ્યમાં એના નિવારણ માટે જે કંઈ પગલાં લેવાનાં હોય એ લે. અલબત્ત, આ આદર્શ વાત છે. વાસ્તવમાં આવું બને છે ખરું?

ધક્કામુક્કી અને કચડાઈને મૃત્યુ પામવાની દુર્ઘટનાઓ થકી થતાં મૃત્યુની આપણે ત્યાં કશી નવાઈ નથી. કેમ કે, આપણાં મોટા ભાગનાં પર્વોની ઉજવણી સમૂહમાં જ થતી જોવા મળે છે. ચાહે એ કોઈ પણ ધર્મની ઉજવણી કેમ ન હોય! કુંભમેળામાં નાસભાગ થઈને કચડાઈ મરવાની કે કેટલાંક મંદિરોમાં કોઈ ચોક્કસ દિવસે ધસારો કાબૂબહાર જવાને કારણે અનેક લોકો મરણને શરણ થતાં આવ્યાં છે. અનેક સરકારોના શાસનમાં આ બનતું આવ્યું છે. પણ એ પછી?

તત્કાળ તો સરકાર દ્વારા મૃતકોનાં પરિવારને અમુકતમુક રકમ આપવાની ઘોષણા કરી દેવામાં આવે છે. એ પછી મોટે ભાગે ઉચ્ચ કક્ષાની સમિતિ નીમવામાં આવે છે અને પ્રસારમાધ્યમોમાં બે-ત્રણ દિવસ સુધી તેના વિગતવાર અહેવાલ પ્રકાશિત થતા રહે છે. એ પછી નીમાયેલી સમિતિ ક્યારે અહેવાલ આપે છે, શો અહેવાલ આપે છે અને એ અહેવાલનું શું કરવામાં આવે છે એ સંશોધનનો વિષય બની શકે એમ છે. આપણી કમનસીબી એ છે કે આ મામલે એક પણ સરકારનું વલણ જુદું નથી.

ઈન્ગ્લેન્ડની યુનિવર્સિટી ઑફ ગ્રીનવીચના પ્રો. એડવીન ગેલી ટોળાની વર્તણૂકના નિષ્ણાત છે. તેમના જણાવ્યા મુજબ, વધુ પડતી ભીડ, નિરંકુશ ટોળું અને મોટા રસ્તાઓ નાના માર્ગ તરફ દોરી જતા હોય ત્યારે દુર્ઘટના ન બને તો જ નવાઈ! ઈટેવાનમાં આમ જ બનેલું. પ્રતિ ચોરસ મીટરે ચાર કરતાં વધુ લોકો હોય અને એમાંય એ વધીને છ થાય તો અકસ્માત નિશ્ચિત માનવો એમ તેમનું કહેવું છે. અનેક લોકો સાંકડા વિસ્તારની અંદર કે તેમાંથી અંદર કે બહાર આવવાનો પ્રયાસ કરતી વેળા ધક્કે ચડે ત્યારે આવી દુર્ઘટના બનવાની સંભાવના રહે છે. લોકો એ હદે એકમેક સાથે ચંપાઈ જાય છે કે તેઓ પોતાનાં ફેફસાં થકી શ્વાસ લઈ શકતાં નથી અને રુંધામણ અનુભવે છે. ટોળામાં સામાન્ય રીતે એવાં લોકોનું મૃત્યુ થાય છે જેઓ દિવાલ સાથે ભીંસાય છે. ટોળું ગમે એટલી શાંતિથી વર્તે, એ હકીકત છે કે સાંકડા માર્ગે તે એક હદ કરતાં વધુ દરે નીકળી શકતું નથી.

સામાન્ય સંજોગોમાં એક નાગરિક તરીકે વર્તતી વ્યક્તિ ટોળામાં હોય ત્યારે એનો જ એક હિસ્સો બની રહે છે. ઈન્ગ્લેન્ડની યુનિવર્સિટી ઑફ સસેક્સના ક્રાઉડ મેનેજમેન્‍ટની સામાનિક માનસિકતાના તજજ્ઞ જહોન ડ્રુરીના જણાવ્યા અનુસાર લોકો જ્યારે ટોળામાં પ્રવેશે ત્યારે તેની જોખમકારક ગીચતાને જોઈ શકતાં નથી. તેઓ ફાંફા મારે છે, ધક્કામુકી વેઠી લે છે અને આખી વાતનો આનંદ માણે છે. મોરબીનો ઝૂલતો પુલ તૂટી પડવાની દુર્ઘટનામાં આ બાબત લાગુ પાડી શકાય એમ છે. સાથોસાથ આ ટોળું એક ઝૂલતા પુલ પર હતું એ હકીકત અત્યંત મહત્ત્વની બની રહે છે. એટલે કે પુલની વહનશક્તિ કરતાં અનેકગણાં લોકોને તેની પર જવા દેવામાં આવે ત્યારે આવી દુર્ઘટનાને આમંત્રણ આપવા બરાબર છે.

વર્તમાન સમયની તાસીર અનુસાર સામાજિક નેટવર્કિંગનાં માધ્યમો પર લોકોએ પુલની દુર્ઘટના બાબતે વિવિધ પરિબળો પર પોતાનો રોષ ઠાલવ્યો છે. બદલાયેલા સમયનું એક નવું પાસું છેલ્લા ઘણા સમયથી એ જોવા મળી રહ્યું છે કે હવે ઘણાં નાગરિકો જાણે કે સરકારના અનધિકૃત પ્રવકતાઓ બનીને મેદાનમાં આવી જાય છે. આ પ્રવક્તાઓમાં સામાન્ય માણસોથી લઈને લેખકો તેમજ અન્ય ક્ષેત્રની જાણીતી વ્યક્તિઓનો સમાવેશ થાય છે. દુર્ઘટના બદલ લોકોને દોષી ઠેરવવાની રમત પણ બેશરમીપૂર્વક ચાલી રહી છે. આવા સમયમાં નાગરિકધર્મ યાદ ક્યાંથી આવે? દુર્ઘટનાઓમાંથી કશો ધડો ન લેવાનું સરકારોનું વલણ વરસો વીતવા છતાં ભલે એમનું એમ રહ્યું હોય, નાગરિક તરીકે આપણે ટોળાંશાહી માનસિકતાનો ભોગ બનવામાંથી બચવાનું શીખવા જેવું છે. કેમ કે, એનાથી આપણને નુકસાન છે એથી વધુ લાભ સરકારને થાય છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top