અમરેલીઃ ધનતેરસની રાતે જાફરાબાદના ધારાસભ્ય હીરા સોલંકીના જમાઈ ચેતન શિયાળ પર જીવલેણ હુમલો થયો હતો. મોડી રાત્રે સામા કાંઠે બોટ મુકવા બાબતે કેટલાંક સાથે ચેતન શિયાળને માથાકૂટ થઈ હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ચેતન શિયાળનો હથિયાર કાઢતો વીડિયો પણ વાયરલ થયો છે. આ ઘટના બાદ જાફરાબાદમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અમરેલી જિલ્લાના જાફરાબાદ ના દરિયા કાંઠે ધારાસભ્ય હીરા સોંલકીના વેવાઈ ને તેમની જ્ઞાતિના યુવક સાથે બોટ લાંગરવાની જેટી પર બોટ રાખવા બાબતે માથાકૂટ થઈ હતી. આ મામલે ધારાસભ્યના વેવાઈ દ્વારા પોતાના દીકરા ચેતન શિયાળ જે ધારાસભ્ય હીરા સોલંકીના જમાઈ છે અને અમરેલી જિલ્લા યુવા ભાજપના પ્રમુખ છે તે જાફરાબાદ બંદર ચોક પાસે આવેલ જેટી એ પહોચ્યા હતા ને સામે જૂથના યુવાન સામે રિવોલ્વર કાઢી હતી ત્યારે સામે જૂથના યુવક દ્વારા ચેતન શિયાળને માથાના ભાગે મચ્છી કાપવાની કુહાડી મારી દીધી હોવાની પ્રાથમિક માહિતીઓ પ્રાપ્ત થઈ રહી છે.
બોટ કિનારે રાખવા બાબતે રાત્રે ઘટેલી ઘટના થી પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઇ હતી. સામે જૂથના યશવંત નામના યુવાન ને હાથના ભાગે આંગળી નજીક રિવોલ્વરમાંથી છૂટેલી ગોળી વાગી હોવાની વિગતો મળી રહી છે. અમરેલી જિલ્લા યુવા ભાજપના પ્રમુખ અને ધારાસભ્ય હીરા સોલંકીના જમાઈ ચેતન શિયાળને માથાના ભાગે ગંભીર ઈજા થતાં પ્રથમ રાજુલા બાદ તાત્કાલિક ભાવનગર સારવાર માં ખસેડાયા હોવાની વિગતો મળી રહી છે.
ચેતન શિયાળ અમરેલી જિલ્લા યુવા ભાજપ પ્રમુખ પણ છે. આ હુમલામાં હીરા સોલંકીના જમાઈ ચેતન શિયાળને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ચેતન શિયાળને ગંભીર ઈજાઓ થતા ભાવનગર હોસ્પિટલ ખસેડાયા હતા ઘટનાને લઈને ધારાસભ્ય હીરા સોલંકી સહીત સમર્થકો હોસ્પિટલમાં દોડ્યા હતા.