National

મિઝોરમમાં 27 સીટના બહુમતથી ZPMની બની સરકાર જ્યારે ભાજપને મળી માત્ર 2 સીટ પર જીત

મિઝોરમ: મિઝોરમ (Mizoram) વિધાનસભા ચૂંટણીના (Assembly Elections) પરિણામો આજે જાહેર કરવામાં આવ્યા છે. ઝોરમ પીપલ્સ મૂવમેન્ટે (ZPM) 40માંથી 27 સીટો જીતી હતી. શાસક મિઝો નેશનલ ફ્રન્ટની (MNF) 10 બેઠકો ઘટી હતી. ભાજપને (BJP) 2 અને કોંગ્રેસને (Congress) માત્ર 1 બેઠક મળી હતી. ZPMના મુખ્યમંત્રી પદના ઉમેદવાર લાલદુહોમાએ કહ્યું, ‘હું આવતીકાલે અથવા બીજા દિવસે રાજ્યપાલને મળીશ. નવી સરકારનો શપથગ્રહણ આ મહિને થશે.

સેરછિપ વિધાનસભા બેઠક પરથી જીત્યા બાદ મીડિયાને સંબોધતા ZPMના મુખ્યમંત્રી પદના ઉમેદવાર લાલદુહોમાએ કહ્યું, ‘મિઝોરમ આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. આ તે વારસો છે જે આપણે વિદાય લેતી સરકાર પાસેથી મેળવવા જઈ રહ્યા છીએ. અમે અમારી પ્રતિબદ્ધતા પૂરી કરવા જઈ રહ્યા છીએ. નાણાકીય સુધારા જરૂરી છે અને આ માટે અમે સંસાધન એકત્રીકરણ ટીમ બનાવવા જઈ રહ્યા છીએ.

ZPM (ઝોરમ પીપલ્સ મૂવમેન્ટ)ના વાઇસ પ્રેસિડેન્ટ કેનેથ ચાવંગલિયાનાએ કહ્યું, ‘હાલમાં અમે 27 સીટો પર આગળ છીએ. અમારી મુખ્ય પ્રાથમિકતા કૃષિ હશે. આપણે મિઝોરમને ખાદ્ય ઉત્પાદનના ક્ષેત્રમાં આત્મનિર્ભર બનાવવું છે. પછી આપણે વીજળી અને સંદેશાવ્યવહાર અને આપણી યુવા પેઢીની બાબતોને ઉકેલવી પડશે.

રાજ્યમાં કુલ 40 વિધાનસભા બેઠકો છે અને બહુમતીનો આંકડો 21 છે. આ રીતે ઝોરમ પીપલ્સ મૂવમેન્ટને આ ચૂંટણીમાં સંપૂર્ણ બહુમતી મળી છે. મિઝોરમમાં પ્રથમ મત ગણતરી અન્ય 4 રાજ્યોની સાથે 3 ડિસેમ્બરે થવાની હતી. તમામ રાજકીય પક્ષોએ ચૂંટણી પંચને પત્ર લખીને મત ગણતરીની તારીખ બદલવાની માંગ કરી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે મિઝોના લોકો રવિવારે પૂજા કરવા માટે સંપૂર્ણ રીતે સમર્પિત છે. તેમની માગણી સ્વીકારીને ચૂંટણી પંચે પરિણામ એક દિવસ માટે મોકૂફ રાખ્યું હતું.

મિઝોરમમાં સીએમ જોરામથાંગાની MNF સત્તામાં હતી. ઈન્ડિયા ટુડે-એક્સિસ માય ઈન્ડિયાના એક્ઝિટ પોલના ડેટા અનુસાર, મિઝોરમમાં MNF માટે મોટું નુકસાન થવાની સંભાવના હતી. અહીં સત્તા વિરોધી લહેર હતી. જ્યારે, લાલદુહોમાની આગેવાની હેઠળના ZPMની તરફેણમાં ભારે મોજું હતું. મિઝોરમમાં મુખ્યમંત્રી પદ માટે લાલદુહોમા 40 ટકા લોકોની પસંદગી હતી. વાસ્તવિક પરિણામોમાં પણ આ જ વલણ ચાલુ રહ્યું. ભાજપે કુલ 40માંથી માત્ર 23 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતા.

Most Popular

To Top