Gujarat

ભારત બંધને ગુજરાતમાં મિશ્ર પ્રતિસાદઃ સુરેન્દ્રનગરમાં ટ્રેન અને શામળાજીમાં બસ અટકાવાઈ, સુરતમાં રેલી

અમદાવાદઃ સુપ્રીમ કોર્ટ દ્વારા દેશમાં એસસી-એસટી અનામતમાં ક્રિમીલેયર લાગુ કરવાનો નિર્ણય જાહેર કરાયા બાદ સરકાર આ કાયદો પસાર કરે તે પહેલાં દેશભરમાં વિરોધ શરૂ થયો છે. આજે ભારત બંધનું એલાન કરાયું હતું, જેને બિહાર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઝારખંડ સહિતના રાજ્યોમાં જબરદસ્ત પ્રતિસાદ સાંપડ્યો છે. ઠેરઠેર ટ્રેનો રોકવામાં આવી રહી છે. શાળા-કોલેજો બંધ રખાયા છે. આગચંપીના બનાવો પણ બન્યા છે, ત્યારે ગુજરાતમાં બંધને મિશ્ર પ્રતિસાદ સાંપડયો હોવાનું જાણવા મળ્યું છે.

દેશભરમાં નેશનલ કોન્ફેડરેશન ઓફ દલિત એન્ડ ટ્રાઈબલ ઓર્ગેનાઈઝેશન દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. ઓર્ગેનાઈઝેશનના કાર્યકરો દ્વારા દેશભરમાં વિરોધ પ્રદર્શનો કરવામાં આવી રહ્યાં છે, ત્યારે ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, સુરત, સુરેન્દ્રનગર, પાટણ, નર્મદા, ભાવનગર, છોટા ઉદેપુર, દાહોદ, પંચમહાલ, વલસાડ, નવસારી, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી સહિતના જિલ્લાઓમાં છૂટપૂટ વિરોધ કાર્યક્રમો જોવા મળ્યા છે. વિપક્ષ પણ વિરોધમાં સામેલ થયો છે.

સાબરકાંઠાનું વિજયનગર, ઈડર અને અરવલ્લીનું ભિલોડા, શમાળાજી સ્વયંભૂ બંધ જોવા મળ્યું હતું. જ્યારે SC-ST સમાજની વસ્તી ધરાવતા નર્મદા, પંચમહાલ, છોટા ઉદેપુર, વલસાડ, દાહોદ, નવસારી, ડાંગ, બનાસકાંઠા સહિતના અન્ય જિલ્લામાં ક્યાંક બાજારો ખુલ્લી છે તો ક્યાંક બજારો બંધ જોવા મળી રહી છે.

ધરમપુર મામલતદારને આદિવાસી સમાજના નેતાઓએ આવેદનપત્ર પાઠવી સુપ્રીમ કોર્ટના ચુકાદાનો અમલ ન કરવા માગ કરી હતી. આ તરફ ભીમ સેના દ્વારા ભાવનગર શહેરના જશોનાથ ચોક ખાતે આવેલ ડોક્ટર બાબા સાહેબની પ્રતિમા પાસે એસસી, એસટી અને ઓબીસી સમાજના લોકો ભેગા થઈ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

સુરતના ઉમરપાડા ટાઉનમાં ભારત બંધમાં લોકો સ્વયંભૂ જોડાયા હતા. ST-SC સમાજ સંગઠનો દ્વારા સુપ્રીમ કોર્ટના ચુકાદા સામે વિરોધ નોંધાવ્યો છે. સુપ્રીમ કોર્ટના જજો દ્વારા ST-SC કોટામાં વર્ગીકરણ, અને ક્રિમિલેયર દાખલ કરવા ચૂકાદો​ ​​​​​​આપ્યો છે. કોસંબામાં લોકોને ભારત બંધમાં સહકાર આપવા વિનંતી કરવામાં આવી હતી. બંધને પગલે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે.

ગાંધીનગર ગૃહ ખાતે સમાજના લોકો ધજાઓ તેમજ પોસ્ટરો સાથે મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને સુપ્રીમ કોર્ટના ચુકાદાનો પ્રચંડ વિરોધ કર્યો હતો. વિરોધ પ્રદર્શન બાદ સમાજના લોકો દ્વારા ગાંધીનગર ગૃહથી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

રાજસ્થાન તરફ જતી 25થી વધુ એસટી બસો શામળાજી બસ સ્ટેન્ડમાં ઉભી કરી દેવાઈ. શામળાજીમાં બસોને સ્ટેન્ડબાય કરતા હજારો મુસાફરો રઝળી પડ્યા હતા. પાટણ શહેરના બગવાડા દરવાજા ખાતે ડૉ.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર કરી રોડ વચ્ચે બેસી ચક્કાજામ કરાયો હતો.

અનામતમાં ક્રિમિલિયર દાખલ કરવાના સુપ્રીમ કોર્ટના ચુકાદાના વિરોધમાં આજે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. ત્યારે સુરતમાં એસસી, એસટી સમાજના લોકો દ્વારા રિંગ રોડ પર આવેલી બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે નારેબાજી કરીને રેલી યોજવામાં આવી હતી. જે રેલી કલેકટર કચેરીએ પહોંચીને રાષ્ટ્રપતિને સંબોધીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

Most Popular

To Top