મીઠુબહેન અને મરોલી આશ્રમ…કેટલીક સંસ્થાઓ તેનાં કાર્યો દ્વારા વર્ષો સુધી જીવંત રહે છે. જેમ કે નવસારી જિલ્લાના જલાલપુર તાલુકામાં આવેલ મરોલીનો કસ્તુરબા સેવાશ્રમ. આજે ૨૦૨૨માં પણ આશ્રમ તેની શૈક્ષણિક અને તાલીમી પ્રવૃત્તિઓ તેમ જ આદિવાસી અને દલિત ઉત્થાનની પ્રવૃત્તિઓ બદલ સમગ્ર ગુજરાત અને દેશમાં સુપ્રસિધ્ધ છે. મહત્ત્વની વાત એ છે કે આજે મરોલી આશ્રમ માનિસક બીમારીનો ભોગ બનેલા પુરુષો, સ્ત્રીઓ અને બાળકોના ઇલાજ માટે દેશભરમાં પ્રસિધ્ધ છે. આજે ડીપ્રેશન અને અન્ય રોગોથી પીડાતા માણસોની સંખ્યા વધતી જાય છે. મરોલી આશ્રમમાં સાઇકયાટ્રીક ટ્રીટમેન્ટ ઉપરાંત રીહેબીલીઅેશન સેન્ટર છે. તેની સ્થાપના મીઠુબહેન પીટીટે છેક ૧૯૪૨માં કરી હતી.
તે કયાં કારણોસર? ૧૯૪૨ની ‘હિંદ છોડો’ લડત વખતે અંગ્રેજ સરકારે સત્યાગ્રહીઓને એવી તો બેરહેમીપૂર્વક માર્યા અને ત્રાસ આપ્યો કે ઘણા આઘાતને લીધે ‘ગાંડા’ થઇ ગયા. એમાં એક તો વળી મોટા કોંગ્રેસી નેતા હતા. તેઓ ‘ગાંડા’ થઇ જતાં તેમને મુંબઇ લઇ ગયા અને ત્યાં ‘ગાંડા’ની હોસ્પિટલમાં સાંકળથી બાંધ્યા. મીઠુબહેન મુંબઇનાં શ્રીમંત અને આધુનિક શિક્ષણ પામેલા પારસી યુવતી હતાં. તેમને દયા આવી. એમણે કોંગ્રેસી નેતા સહિત લગભગ છ-સાત ‘ગાંડાઓ’ને મરોલીમાં દાખલ કર્યા, પ્રેમપૂર્વક ઉપચાર કર્યો અને તેમને સાજા કર્યા. મીઠુબહેને પ્રેમ અને અનુકંપાને વધારે અસરકારક બનાવવા પ્રોફેશનલ ટ્રીટમેન્ટ શરૂ કરી, સાયકોલોજીસ્ટ અને મેડિકલ સાઈકાટ્રીસ્ટોને બોલાવ્યા અને મરોલીમાં ‘મેન્ટલ હોસ્પિટલ’ ૧૯૪૨ માં સ્થાપી જે આજે ૨૦૨૨ માં અડીખમ ઊભી છે. મીઠુબહેનનું આ એક મોટું માનવતાવાદી પ્રોફેશનલ કાર્ય હતું!! આજે ‘ડીપ્રેશન’થી પીડાતા દર્દી અને એનાં કુટુંબીજનોને પૂછો તો જ આ વાતનો સાચો ખ્યાલ આવી શકે.
ગાંધીજીને મરોલીમાં આદિવાસીઓના ઉત્થાન માટે આશ્રમ સ્થાપવાનું કહેનાર પણ મીઠુબહેન હતાં. તેનો જયારે ૧ ડિસેમ્બર ૧૯૩૦ના રોજ પાયો નંખાયો ત્યારે ગાંધીજીએ મીઠુબહેનને પૂછયું હતું: ‘તમે ગર્ભશ્રીમંત છો પણ તમે તમારી જવાબદારી સમજો છો?’’ મીઠુબહેને કહ્યું હતું: ‘‘હા, બાપુ! હું જીવનના અંત સુધી આ આશ્રમમાં રહીને જ સેવાકાર્ય કરતી રહીશ અને આ આશ્રમમાં જ મૃત્યુ બાદ દટાઇશ.’ મીઠુબહેને આ વાત સાચી પાડી હતી. ૧૬-૭-૧૯૭૩ના રોજ એમનું અવસાન થતાં તેમને આશ્રમની ભૂમિમાં જ દાટવામાં આવ્યાં હતાં! અહીં સવાલ એ થાય છે કે ગર્ભશ્રીમંત પીટીટ કુટુંબમાં જન્મ્યા હોવા છતાં મીઠુબહેન મિલકતનો ત્યાગ કરીને કયાં કારણોસર ગાંધીજીથી આકર્ષાયાં હતાં અને ગરીબી અવસ્થામાં જીવ્યાં હતાં? તેનાં કારણો નીચે છે. બુધ્ધ, મહાવીર અને મીરાંબાઇની યાદ આવી જાય તેવી આ વાત છે.
મીઠુબહેનનાં બાળપણ અને કિશોરાવસ્થાના અનુભવો…
મીઠુબહેનના પૂર્વજો કાવસજી અને નસરવાનજી મૂળ મુઘલ સમયમાં સુરતના વેપારીઓ હતા પણ સુરત આથમતાં અને મુંબઇ ઊગતાં નસરવાનજી ૧૭૮૫માં નસીબ અજમાવવા મુંબઇ ગયા હતા. નસરવાનજીના પૌત્ર (અને મીઠુબહેનના નાના) સર દીનશા માણેકજી પીટીટ (૧૮૨૩-૧૯૦૧) અત્યંત શ્રીમંત ઉદ્યોગપતિ અને દાનેશ્વરી હોવા ઉપરાંત દક્ષિણ આફ્રિકાની લડત વખતે ગાંધીજીના મોટા ટેકેદાર હતા. તેઓ મહાન દેશભકત દાદાભાઇ નવરોજીના નજીકના સગા હતા. મીઠુબહેનનાં માસી જાયજીબહેન અને માસા જહાંગીર પીટીટ પણ ગાંધીજીની નિ:સ્વાર્થ સેવાઓથી આકર્ષાયા હતાં. તેથી જ જયારે ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ૧૯૧૫ માં સ્વદેશ પાછા ફર્યા કે તરત જહાંગીર પીટીટ અને જાયજીબહેને ગાંધીજીનું સ્વાગત કરવા મુંબઇમાં તા. ૧૨ જાન્યુઆરી ૧૯૧૫ના રોજ ભવ્ય પાર્ટી રાખી હતી.
તેમાં સર ફિરોજશાહ મહેતા, મહંમદઅલી ઝીણા, અબ્બાસ તૈયબજી, ઇન્દુલાલ યાજ્ઞિક અને ડૉ. સુમન્ત મહેતા જેવા ૬૦૦ આગેવાનો હાજર રહ્યા હતા. 22 વર્ષની યુવતી પણ હાજર હતી બસ, આજ પીટીટ કુટુંબના સંસ્કાર! પાછળથી ૧૯૨૧માં જયારે ગાંધીજીએ ‘રાષ્ટ્રીય સ્ત્રી સભા’ની સ્થાપના કરી ત્યારે તેના સેક્રેટરી તરીકે જામજી પીટીટ હતા અને મીઠુબહેન તેના એક કાર્યકર્તા હતાં. કુટુંબની વંશપરંપરાગત મિલકતનો ત્યાગ કરીને ગાંધી કુટીરમાં વસવાટ કર્યો હતો. મિલકતનો પ્રશ્ન ઊભો થયો ત્યારે મીઠુબહેને વડીલોને કહ્યું હતું: ‘તમે બ્રિટિશ સરકારને વફાદાર છો, હું ગાંધીબાપુ અને દેશને વફાદાર છું. મારે મિલકતની જરૂર નથી.’ જીવનના અંત સુધી મીઠુબહેન ગાંધીવાદી કાર્યકર તરીકે જીવ્યાં હતાં. દક્ષિણ ગુજરાતમાં તેઓ ‘માયજી’ (માતા)નાં હુલામણાં નામથી જાણીતાં હતાં. મીઠુબહેન ગાંધીવાદી આચારવિચારનો અંતરાત્મા હતાં.
મીઠુબહેન વિશે એક ઓછી જાણીતી વાત એ છે કે તેઓ મહાન પર્યાવરણવાદી હતાં. તેમનો પ્રકૃતિપ્રેમ અદ્ભુત હતો. વૃક્ષો, બાગબગીચા, પુષ્પો, પાણીના ફુવારાઓ ઉપરાંત પશુપક્ષીઓનાં ભારે શોખીન હતાં. મરોલી આશ્રમમાં ગાય, ભેંસ, મોર, ઢેલ, કબૂતર, સસલાં, કૂતરાં અને બિલાડાં હોય જ, અને તેઓ ‘માઇજી’નાં મિત્રરૂપ હતાં. તેઓ પ્રકૃતિપ્રેમી હતાં. તેઓ માનતાં હતાં કે પ્રકૃતિનો વિનાશ સર્જીને ઊભો કરવામાં આવતો ભોગવિલાસ અંતે વિનાશક છે! મરોલી આશ્રમ એ ખરેખર તો મીઠુબહેનનું સર્જન છે! મીઠુબહેન પીટીટનાં જાહેરજીવનનાં બે મુખ્ય પાસાંઓ છે – સ્વાતંત્ર્ય સેનાની તરીકે અને રચનાત્મક કાર્યકર તરીકે.
સ્વાતંત્ર્ય સેનાની મીઠુબહેન પીટીટ…
૧૯૨૧ માં ‘રાષ્ટ્રીય સ્ત્રી સભા’ માં જોડાયા બાદ મીઠુબહેને આઝાદીની લડતમાં ઝંપલાવ્યું અને ૧૯૨૩-૨૪ માં વલ્લભભાઇ પટેલનાં નેતૃત્વ હેઠળ બોરસદ સત્યાગ્રહમાં જોડાયાં. બ્રિટિશ સરકાર માનતી હતી કે ખેડા જિલ્લામાં રાષ્ટ્રવાદીઓ બાબર દેવ જેવા લૂંટારાઓનો સાથ લઇને હિંસક પ્રવૃત્તિઓ આદરે છે. તેથી સરકારે સમગ્ર તાલુકા ઉપર શિક્ષાત્મક ‘હૈડીયા વેરો’ નાંખ્યો. તેનો વિરોધ કરવા વલ્લભભાઇએ બોરસદ સત્યાગ્રહ શરૂ કર્યો. તેમાં ભકિતબા અને મણિબહેન પટેલ ઉપરાંત મીઠુબહેન પીટીટે ભાગ લીધો અને છ મહિના કારાવાસ ભોગવ્યો. ત્યાર પછી શરૂ થયેલા ૧૯૨૮ના બારડોલી સત્યાગ્રહ વખતે તો મીઠુબહેન તેના એક સર્વોચ્ચ મહિલા સેનાની હતાં.
બારડોલી સત્યાગ્રહ અને મીઠુબહેન…
૧૯૨૮માં બ્રિટિશ સરકારની શોષણખોર જમીન મહેસૂલ નીતિ સામે બારડોલી તાલુકામાં ‘ના-કરની લડત’ (no-Tax campaign) શરૂ થઇ તે પહેલાં ગાંધીજીના નેતૃત્વ હેઠળ સેંકડોની સંખ્યામાં નાના-મોટા નેતાઓ અને ગ્રાસરૂટ્સ વર્કર્સ તૈયાર થયા હતા. બારડોલી સત્યાગ્રહ સમયે કસ્તુરબા ગાંધી, દરબાર ગોપાળદાસનાં પત્ની ભકિતબા, શારદાબહેન મહેતા, જયોત્સનાબહેન શુકલ, મહેરબાઇ ભેંસાણીયા, મણિબહેન પટેલ, અમીનાબહેન તૈયબજી, હંસાબહેન મહેતા, વસુમતી ઠાકોર, તારાબહેન મોડક, સરોજબહેન પટેલ, કુસુમબહેન વશી, પુષ્પાબેન વ્યાસ અને સવિતાબહેન દેસાઇ જેવી મહિલાઓ ઉપરાંત વેડછીનાં દંડાબહેન ચૌધરી અને ગેનાબહેન ચૌધરી જેવી સંખ્યાબંધ આદિવાસી મહિલાઓએ ભાગ લીધો હતો.
દક્ષિણ ગુજરાતમાં આદિવાસી ઉત્થાન માટે વાલોડ, વેડછી અને બારડોલીમાં સ્વરાજ આશ્રમો સ્થપાયા હતા. બારડોલી સત્યાગ્રહ શરૂ થતાં પહેલાં મીઠુબહેને આદિવાસી વિસ્તારોમાં ઘૂમી વળીને અસંખ્ય આદિવાસી સ્ત્રીપુરુષોને લડત માટે તેમ જ ખાદી અને દારૂબંધી જેવા કાર્યક્રમો માટે તૈયાર કર્યા હતા. મુખ્ય મુદ્દો એ છે કે બારડોલી સત્યાગ્રહ વખતે જો ભણેલાગણેલા અને આદિવાસી સ્ત્રીપુરુષો વચ્ચે સંકલન કરનાર જો કોઇ નેતા હોય તો તે મીઠુબહેન પીટીટ અને જુગતરામ દવે હતાં. મીઠુબહેને જે ઉત્સાહથી દક્ષિણ ગુજરાતનાં ખેડૂતો, ખેતમજૂરો અને આદિવાસીઓને ભેગા કરીને દારૂ નિષેધનું, વિદેશી કાપડની હોળી કરવાનું અને ખાદી કાંતવાનું અને કંતાવવાનું કામ કર્યું તેનો બીજો કોઇ જોટેા જડે તેમ નથી. એમણે મણિબહેન પટેલ, ભકિતબા, શારદાબહેન, જયોત્સનાબહેન અને વસુમતીબહેન જેવી સ્ત્રીઓ સાથે મળીને ‘સ્વયંસેવિકા સંઘ’ની સ્થાપના કરીને તેની સાથે આદિવાસી મહિલાઓને સાંકળી હતી. તેથી જ સરદાર પટેલે મીઠુબહેનને ‘દીનભગિની’નું બિરુદ આપ્યું હતું.
મીઠુબહેન અને દાંડીકૂચ…
ગાંધીજીએ જયારે તા. ૧૨ માર્ચ ૧૯૩૦ના રોજ અમદાવાદથી દાંડીકૂચ શરૂ કરી ત્યારે મીઠુબહેન ૩૭ વર્ષનાં હતાં. ગામડાંઓમાંથી પસાર થતાં થતાં જયારે દાંડીના સત્યાગ્રહી યાત્રિકો સુરત જિલ્લામાં પ્રવેશ્યા તે સમયે મીઠુબહેન પીટીટ સુરત જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ હોવાથી સુરતની સભામાં જોડાયાં હતાં અને સત્યાગ્રહીઓનું ભાવભીનું સ્વાગત કર્યું હતું. ત્યાર બાદ ગાંધીજી સત્યાગ્રહીઓ સાથે વીજળી વેગે દાંડી પહોંચી ગયા. તા. ૬ એપ્રિલ ૧૯૩૦ના રોજ ગાંધીજીએ દાંડીના દરિયાકિનારેથી ચપટી મીઠું ખોબામાં ભરીને કાયદાનું ઉલ્લંઘન કરીને બ્રિટિશ સલ્તનતની આબરૂના ધજાગરા કર્યા તે સમયે તેમની સમીપમાં સરોજીની નાયડુ અને મીઠુબહેન પીટીટ ઊભાં હતાં. આ પણ એક ઐતિહાસિક દ્રશ્ય છે. મીઠુબહેનને ચાર મહિનાની જેલની સજા થઇ હતી. મીઠુબહેનનું સૌથી મોટું અને યશસ્વી કામ તેમનાં રચનાત્મક કાર્યો દ્વારા સિધ્ધ થયું હતું. મીઠુબહેન મોટા ગજાનાં હિંમતવાન સ્વાતંત્ર્ય સેનાની ખરાં પણ ખરેખર પૂછો તો તેમનું મહાન કાર્ય તો અહિંસક રચનાત્મક ક્રાંતિ દ્વારા કચડાયેલા વર્ગોના સ્ત્રીપુરુષો અને બાળકોનાં ઉત્થાનનું હતું. આજે ‘સ્વરાજય’ તો છે, પણ ‘સુરાજય’ કયાં છે? દેશમાંથી ગરીબી અને નિરક્ષરતા ગયા છે?! આ એક પ્રશ્ન છે! (ક્રમશ:)