ભારતીય મહિલા વન ડે ટીમની કેપ્ટન મિતાલી રાજ અને તેની ડેપ્યુટી હરમનપ્રીત કૌરે આજે અહીં રમાયેલી દક્ષિણ આફ્રિકન મહિલા ટીમ સામેની પાંચમી વન ડેમાં 71 રનની ભાગીદારી કરીને એક નવો રેકોર્ડ બનાવ્યો હતો. બંનેએ મળીને આ સાથે વન ડે ઇન્ટરનેશનલમાં કુલ 14મી વાર 50+ ભાગીદારી કરી હતી.
જે ભારતીય મહિલા ટીમ વતી સૌથી વધુવાર 50+ ભાગીદારી કરવાનો નવો રેકોર્ડ છે. આ પહેલા મિતાલી રાજ અને અંજુમ ચોપરાના નામે આ રેકોર્ડ હતો, જેમણે બંનેએ કુલ 13 વાર 50+ ભાગીદારી કરી હતી. મિતાલી અને હરમને કુલ 45 ઇનિંગમાં આ રેકોર્ડ બનાવ્યો હતો, જ્યારે મિતાલી અને અંજુમે 13 અર્ધશતકીય ભાગીદારી માટે કુલ 57 ઇનિંગ લીધી હતી.
જો કે સર્વાધિક રનની ભાગીદારીનો રેકોર્ડ હજુ પણ મિતાલી રાજ અને અંજુમ ચોપરાની જોડીના નામે જ છે. આ બંનેએ કુલ મળીને 1946 રનની ભાગીદારી કરી છે. તે પછી બીજા ક્રમે મિતાલી રાજ અને પૂન રાઉતની જોડી છે, જેમના વચ્ચે 1589 રનની ભાગીદારી થઇ છે અને તે પછી મિતાલી-હરમનપ્રીતની જોડી 1505 રનની ભાગીદારી સાથે ત્રીજા ક્રમે આવે છે.