કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા પ્રજાના હિત માટે ઘણી બધી સારી કલ્યાણકારી યોજનાઓ અસ્તિત્વમાં છે. આ વિવિધ યોજનાઓ પાછળ સરકારનો આશય ખૂબ જ શુભ હોય છે. પરંતુ ખાટલે મોટી ખોડ એ છે કે કલ્યાણકારી યોજનાઓનો સુચારુ અમલ કરાવવાની જેમની જવાબદારી છે એઓ પોતાની ફરજ યોગ્ય રીતે અદા કરતા નથી. તેથી ભ્રષ્ટાચારને ખુલ્લું મેદાન મળી જાય છે. પીએમજેએવાય સરકારી યોજનાનો કેટલીક ખાનગી હોસ્પિટલો અને ડોક્ટર્સ દ્વારા દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. જે ખૂબ જ નિંદનીય બાબત છે. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના કૌભાંડ પછી અનેક ખાનગી હોસ્પિટલો અને ડોક્ટરો શંકાના દાયરામાં આવી રહ્યા છે.
ખાનગી હોસ્પિટલોને છેલ્લા એક વર્ષમાં સરકાર દ્વારા 530 કરોડ જેટલી જંગી રકમ ચૂકવવામાં આવી હતી. સારવારની જરૂરિયાત નહીં હોવા છતાં પણ સારવારના નામે કેટલીક ખાનગી હોસ્પિટલો દ્વારા ગોરખધંધા આચરીને મોટા કૌભાંડ કરવામાં આવે છે. આ યોજનાના દુરુપયોગના અનેક કિસ્સાઓ દિવસે દિવસે પ્રકાશમાં આવી રહ્યા છે. આ એક ભયંકર અપરાધ છે. માણસનું ખૂન કર્યું હોય તે કક્ષામાં આ ગુનાને મૂકી શકાય. આવા સંજોગોમાં સરકાર દ્વારા ખૂબ જ આક્રમક બનીને આવી હોસ્પિટલો પર તૂટી પડવું જોઈએ અને તાત્કાલિક અસરથી આવી હોસ્પિટલોને બ્લેક લિસ્ટમાં મૂકીને પ્રજાનાં જે કમોતે મોત થઈ રહ્યાં છે એમને મોતના મોંમાંથી બચાવી લેવાં જોઈએ.
નવસારી – ડો. જે. એમ. નાયક– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.