Comments

તમે આક્રમક લખો છો તેવા અભિનંદન મળવા લાગે ત્યારે ભૂલ થવાની સંભાવના હોય છે

From the margins, a new era for Dalit media | The Indian Express

ક્રાઈમ રીપોર્ટિંગમાં ત્રણ દાયકા કરતાં વધુ સમય પસાર કર્યો. રોજ કંઈક નવું શીખતો અને કયારેક ભૂલ પણ કરતો હતો. જો કે ભૂલ કરવી અને ભૂલ કરી છે તેવું સમજાય તે બહુ જરૂરી હોય છે. સામાન્ય રીતે પત્રકારત્વમાં જે વિષય વેચાય છે તેવા વિષયમાં ભૂલ થવાની વધુ સંભાવના છે, પરંતુ વિષય વેચવાની લાલસામાં પ્રમાણભાન રહેતું નથી. આવું મેં પોતે પણ પ્રણાણભાન નહીં રાખવાની ભૂલ કરી છે. 2005 ની વાત છે.

હું ગુજરાતના અખબારમાં કામ કરતો હતો. એક બહુ જ સામાન્ય ક્રાઈમ સ્ટોરી હતી. જે આરોપી હતો તેમના ભાઈ એક આઈપીએસ અધિકારી હતા. ઘટના સામાન્ય હતી, પણ જેની ઉપર આરોપ લાગ્યો તેના ભાઈ આઈપીએસ અધિકારી હોવાને કારણે મારે મન ઘટના અસામાન્ય હતી. મેં સ્ટોરી ફાઈલ કરી અને તેમાં ઉલ્લેખ કર્યો કે આરોપી આઈપીએસ અધિકારીનો ભાઈ છે. મારી સ્ટોરી અમારા એડીટર સર્વણ ગર્ગ પાસે ગઈ. તેમણે મને ચેમ્બરમાં બોલાવ્યો, તેમણે મને પૂછયું, તારી સ્ટોરીમાં જે આઈપીએસ અધિકારીનો ઉલ્લેખ છે તે અધિકારીનો ગુના સાથે કોઈ સંબંધ છે. મેં કહ્યું, ના, જરા પણ નહીં.

Media clouds politics with analysis, skimps on reporting - The Tartan

તેમણે બીજો સવાલ પૂછયો કે આઈપીએસ અધિકારીએ પોતાના ભાઈને જેલમાં જતો અટકાવવા માટે પોતાની વગનો ઉપયોગ કર્યો.  મેં કહ્યું, ના, તો તેમણે મને તરત સામો સવાલ કર્યો કે તો પછી આપણે તે આઈપીએસ અધિકારીના નામનો ઉલ્લેખ કેમ કરીએ છીએ? મેં કહ્યું, આરોપીનો ભાઈ પોલીસ અધિકારી તો છે, મેં એટલું જ લખ્યું છે. તેમણે મને કહ્યું, એક માતાની કૂખે બે ભાઈઓએ જન્મ લીધો. એક પોલીસ અધિકારી થયો અને બીજો ગુનેગાર થયો, તેમાં પોલીસ અધિકારી થયો તે ભાઈનો શું વાંક? આ મુદ્દે અમારી વચ્ચે લાંબી ચર્ચા થઈ. તેમને આદેશ હતો એટલે મેં પોલીસ અધિકારીનું નામ મારી સ્ટોરીમાંથી હટાવી દીધું. જો કે હું ત્યારે તેમની વાત સાથે જરા પણ  સંમત ન્હોતો, પણ સમય જતાં મને સમજાયું, જેમણે ખોટું કર્યું છે તેમને આપણા શબ્દો દ્વારા ઉઘાડા પાડીએ છીએ, પણ જેમને ઘટના સાથે સંબંધ નથી પરંતુ માત્ર લોહીને કારણે કોઈ સંબંધ છે તેમને પણ આપણે દંડવાનું કામ કરીએ છીએ.

પત્રકારત્વ અને જમાદારીમાં અંતર છે, પરંતુ તમે બહુ આક્રમક લખો છો તેવા અભિનંદન મળવા લાગે ત્યારે પ્રમાણભાન ચૂકવાની પૂરી સંભાવના છે. પત્રકારત્વનું  કામ તેમની સામે આવતી અથવા બનતી ઘટના સામાન્યજન સુધી  પહોંચાડવાનું છે, પણ જયારે સામાન્યજન તમારી ઉપર આફ્રીન થવા લાગે ત્યારે પત્રકારત્વની બાજુ ઉપર રહી જાય છે અને જમાદારી શરૂ થઈ જાય છે. પત્રકારે બન્ને આંખે જોવાનું છે. એક આંખ સારી ઘટનાની નોંધ લે છે, બીજી આંખ ખોટું થઈ રહ્યું છે તેને ઉજાગર કરે છે, પણ મોટા ભાગના કિસ્સામાં બન્ને આંખો બધું  જ ખરાબ છે તેની શોધ કરે છે, જયારે અંદરથી બધું જ ખોટું થઈ રહ્યું છે તેવું લાગવા માંડે ત્યારે નજર સામેની સારી બાબતો પણ ચૂકી જવાની સંભાવના રહેલી હોય છે. કોઈ એક માણસ આખો સારો કે આખો ખરાબ હોતો નથી. આવી સાદી સમજ પણ આપણને કોઈ આપતું નથી અને આપણે કોઈને આપતા નથી.આપણે કોઈ માણસને આખો સારો માનીએ છીએ અથવા સારો માનીએ છીએ. આ પ્રમાણભાન ખૂબ જરૂરી હોય છે.

અગાઉનાં વર્ષોમાં મેં અનેક રાજનેતાઓના લગ્નેતર સંબંધો અંગે લખ્યું. મેં આવી સ્ટોરી લખવાની અને વાચકને વાંચવાની મઝા આવતી હતી. થોડા દિવસ પહેલાં  જ મને કોઈએ એક રાજનેતા અને તેમનાં પત્ની વચ્ચેના કંકાસનો દસ્તાવેજી પુરાવો મોકલ્યો.  હું વિચારતો અને મારી જાત સાથે વાત કરતો ન થયો હોત તો ચોક્કસ તે સમાચાર કાયમ મુજબ લખી નાખતો પરંતુ જયારે મારી સામે તે દસ્તાવેજ આવ્યો ત્યારે મેં મારી જાતને સવાલ કર્યો કે રાજનેતા અને તેમની વચ્ચેના કંકાસને તેમના રાજકીય જીવન સાથે શું સંબંધ છે, રાજનેતા અને તેમની પત્ની વચ્ચે મનમેળ નથી તો તેને સામાન્યજને શું લેવાદેવા છે. પત્રકાર જજ નથી અને પત્રકાર જમાદાર નથી અને પત્રકારનો કોઈ દરબાર નથી. આપણા દરબારમાં કોઈ ન્યાય માંગવા આવ્યું નથી, છતાં કલમની તાકાતને સર્વોચ્ચ માની લેવાની ભૂલ કરનાર પોતાનો જજ અને જમાદાર માનવા લાગે છે, જયાં સુધી રાજનેતા અને તેમની પત્ની વચ્ચેના કંકાસનો સવાલ છે તો કયા ઘરમાં કંકાસ નથી તેવું પૂછવામાં આવે તો કદાચ એક પણ આંગળી ઊંચી નહીં થાય.

મેં અનેક રાજનેતા અને પોલીસ અધિકારીના લગ્નેતર સંબંધો અંગે પણ લખ્યું, પણ આજે તેવું લાગે છે. મારી જાતને આ પ્રકારના વિષયથી દૂર રાખી શકયો હોત તો સારું હતું, કારણ કોઈ સ્ત્રી અથવા પુરુષને લગ્નેતર સંબંધ છે તો તે સંબંધ સામે વાંધો લેવાનો અધિકાર તેમના અત્યંત નજીક તેમનાં સંતાનો અને પરિવારજનોને છે. એક પત્રકાર તરીકે હું વાંધો લેનાર કોણ છું, જયાં પણ આવા સંબંધો છે તેના કારણે તેમનો પરિવાર તો દુ:ખી જ હોય છે, પણ આવી ઘટનાઓ માધ્યમો દ્વારા જાહેર કરી આપણે તેમના દુ:ખમાં વધારો કરીએ છીએ, પણ પત્રકાર તરીકે આપણે માનવા લાગીએ કે આ સારું, આ ખોટું અને આપણે કહીએ તેવું બીજાએ કરવાનું અને જીવવાનું ત્યારે ગરબડ શરૂ થાય છે. કોઈ રાજનેતા અને પોલીસના લગ્નેતર સંબંધો તેમના કામને આડે આવતા નથી ત્યાં સુધી તે સંપૂર્ણપણે વ્યકિતગત બાબત છે તેને આપણે જાહેર બાબત બનાવવાની જરૂર નથી, પણ આપણે પત્રકાર છીએ એટલે કોઈના પણ ,સંબંધમાં માથું મારવાની સત્તા મળી ગઈ છે તેવા ભ્રમમાં રાચવાની જરૂર નથી.      
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top