નવી દિલ્હી: મિસ યુનિવર્સ (Miss Universe) ઇન્ડોનેશિયા (Indonesia) સ્પર્ધામાં ભાગ લેનારી છ છોકરીઓએ આયોજકો પર જાતીય સતામણીનો આરોપ લગાવતી FIR નોંધાવી છે. છોકરીઓનો આરોપ છે કે આયોજકોએ તેમને સ્પર્ધા દરમિયાન તેમના કપડા ઉતારવા માટે મજબૂર કર્યા હતા. તેમજ તેઓનાં ન્યૂડ ફોટા (Nude Photo) અને વીડિયો (Video) ક્લિક કરવામાં આવ્યાં હતા. ફરિયાદ મળતા જ પોલીસે ઝડપી તપાસ શરૂ કરી છે.
ઇન્ડોનેશિયાની રાજધાની જકાર્તામાં 29 જુલાઇથી 3 ઓગસ્ટ દરમિયાન મિસ યુનિવર્સ ઇન્ડોનેશિયા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં ભાગ લેનારી 6 છોકરીઓનો આરોપ છે કે તેમાંથી 5ને આયોજકોએ 20 થી વધુ લોકોની સામે એક રૂમમાં બોડી ચેકઅપના નામે તેમના અન્ડરવેર ઉતારવા માટે કહ્યું હતું. આ પછી તેમના ફોટા અને વીડિયો પણ લેવામાં આવ્યા હતા. આ બધું થયું ત્યારે રૂમમાં પુરુષો પણ હાજર હતા. આ સાથે યુવતીઓનાં આ ફોટોગ્રાફ્સ કેટલાંક મીડિયા હાઉસના હાથમાં આવી ગયા છે જેનાં કારણે આ મામલો ચર્ચામાં આવ્યો છે.
ફરિયાદ કરનાર યુવતીઓની વકીલ મેલિસા એન્ગ્રેનીનું કહેવું છે કે સ્પર્ધાના નામે સ્ટ્રીપ ટેસ્ટ લેવામાં આવી હતી. જાણકારી મુજબ એક ફરિયાદીએ એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું છે કે તેણીને તેના પગ ખુલ્લા રાખીને પોઝ આપવા સહિત વિવિધ રીતે પોઝ આપવા માટે કહેવામાં આવ્યું હતું. આ ઉપરાંત આવું ન કરવા પર મારા પર દબાણ પણ કરવામાં આવ્યું હતું.
આ ફરિયાદ અંગે કંપની અને કંપનીના સ્થાપક બંને તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. જ્યારે જકાર્તા પોલીસે જાણકારી આપી હતી કે સોમવારે (7 ઓગસ્ટ, 2023) મિસ યુનિવર્સ ઇન્ડોનેશિયામાં સામેલ 6 છોકરીઓ તરફથી તેઓને જાતીય સતામણીની ફરિયાદ મળી છે.
નોંધપાત્ર વાત એ છે કે, વિશ્વના સૌથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતા દેશ ઇન્ડોનેશિયામાં મિસ યુનિવર્સ સ્પર્ધા સામે અનેક ધાર્મિક સંગઠનો વાંધો ઉઠાવી રહ્યા છે.