Gujarat

ગુજરાતમાં 18 વર્ષથી નીચેની રોજ ચાર દીકરી ગુમ થાય છે અને રોજ પાંચ પર દુષ્કર્મ

અમદાવાદ: સશક્તિકરણ, મહિલા સુરક્ષાની પોકળ વાતો કરતું રાજ્યનું તંત્ર પરિસ્થિતિને નિયંત્રણમાં લેવામાં સંપૂર્ણપણે નિષ્ફળ છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જાહેર કરેલા આંકડાઓ મુજબ છેલ્લા ૩ વર્ષમાં ૧૩.૧૩ લાખથી વધુ મહિલાઓ-છોકરીઓ ગુમ (Missing) થઈ છે. દીકરીઓ ગુમ થાય એ સૌથી વધુ ચિંતાનો વિષય છે. ગુજરાત રાજ્યમાં ૧૮ વર્ષથી ઉપરની ૪૧,૭૯૮ મહિલાઓ છેલ્લા પાંચ વર્ષમાં ગુમ થઈ છે. આવનારા દિવસોમાં ગુજરાતમાં (Gujarat) ગુમ થતી મહિલાઓ અને મહિલા ઉપર થતા દુષ્કર્મના (Rape) વિરોધમાં મહિલા કોંગ્રેસ (Congress) ગુજરાત રાજ્યમાં ઉગ્ર વિરોધ કરશે, તેવું પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ જેનીબેન ઠુંમરએ જણાવ્યું હતું.

પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા હિરેન બેન્કરએ જણાવ્યું હતું કે કોરોના વેકસીનનાં આંકડા, કોરોના મોતના આંકડા સહિતના મહિલા ગુમ થયાના આંકડાઓની વાસ્તવિક સ્થિતિ ભાજપ સરકાર છુપાવી રહી છે. વર્ષ ૨૦૧૬-૨૦૨૦માં ગુજરાતમાં ૪૧,૬૨૧ મહિલાઓ ગુમ થયાની વિગત સમાચાર માધ્યમોમાં પ્રકાશિત થયા બાદ ગુજરાત પોલીસના ઓફિશિયલ ટ્વિટર પર ૯૪.૯૦ ટકા મહિલાઓ પરત આવી અને માત્ર ૨,૧૨૪ જેટલી મહિલાઓ જ ગુમ થઇ છે તેમ રજૂ કરવામાં આવ્યું હતું. પરંતુ ગૃહ મંત્રાલય દ્વારા સંસદમાં આપવામાં આવેલી માહિતી અનુસાર વર્ષ ૨૦૨૦માં ૪,૯૮૪ જેટલી મહિલાઓની હજુ સુધી કોઈ ભાળ મળી નથી. ભાજપ સરકાર આંકડા કેમ છુપાવી રહી છે ? સંસદમાં આપેલા મહિલા ગુમ(missing) નાં આંકડાઓએ ભાજપ સરકારનાં જુઠ્ઠાણાની પોલ ખોલી નાંખી છે.

પ્રદેશ કોંગ્રેસના પ્રવકતા પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં પ્રતિ દિવસ અઢાર વર્ષથી નીચેની ચાર બાળકીઓ ગુમ થાય છે અને પ્રતિદિન પાંચ બળાત્કાર થાય છે. લોકસભાના જવાબ મુજબ ગુજરાતમાં પાંચ વર્ષમાં અઢાર વર્ષથી નીચેની ૭,૪૩૦ બાળકીઓ ગુમ છે. વર્ષ ૨૦૨૧માં ૧૪૭૪, વર્ષ ૨૦૨૦માં ૧૩૪૫, વર્ષ ૨૦૧૯માં ૧૪૦૩, વર્ષ ૨૦૧૮માં ૧૬૮૦ અને વર્ષ ૨૦૧૭માં ૧૫૨૮ અઢાર વર્ષથી નીચેની બાળકીઓ ગુમ થઈ છે.

સુરતમાં છેલ્લાં બે વર્ષમાં 508 દુષ્કર્મની ઘટના : અમદાવાદ પછી સુરતનો નંબર
ગુજરાત વિધાનસભા માં ૧૦/૩/૨૦૨૨ ના આંકડા મુજબ ગુજરાતમાં બે વર્ષમાં ૩,૭૯૬ બળાત્કાર થયા તેમ દર્શાવવા આવ્યું હતું, અને લોકસભા મુજબ પાંચ વર્ષમાં ૨,૬૩૩ બળાત્કારનો આંક આપવામાં આવ્યો છે. વિધાનસભા મુજબ અમદાવાદ શહેરમાં બે વર્ષમાં ૭૨૯ દુષ્કર્મની ઘટના અને ૧૬ જેટલા સામુહિક દુષ્કર્મની ઘટના, સુરત શહેરમાં ૫૦૮ દુષ્કર્મ અને પાંચ સામુહિક બળાત્કારના કિસ્સા, વડોદરામાં ૧૮૩ દુષ્કર્મ અને ૪ સામુહિક દુષ્કર્મની ઘટના, રાજકોટમાં ૧૪૫ દુષ્કર્મ અને ૭ સામુહિક બળાત્કારના કિસ્સા, લોકસભામાં ઓછા આંકડા દર્શાવી ગુજરાતમાં બનતી દુષ્કર્મની ઘટનાઓનો આંક છુપાવવા આવી રહ્યો છે. લોકતંત્રના મંદિરમાં જુઠું બોલતા ભાજપના મંત્રીઓ લોકતંત્ર ને શરમાવે છે. ગુજરાત રાજ્યમાં મહિલા સુરક્ષાનો પ્રશ્ન ચિંતાજનક છે.

Most Popular

To Top