SURAT : સ્મીમેર હોસ્પિટલ ( SMIMMER HOSPITAL) નો વહીવટ ભગવાન ભરોસે છોડી દેવામાં આવ્યો છે. મહિલાઓના વોર્ડમાં પુરુષોને દાખલ કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત હોસ્પિટલના વોર્ડમાં જગ્યા હોવા છતાં લોકોને બહાર ગાદલાં પર રાખવામાં આવી રહ્યા છે. સ્મીમેરનો વહીવટ એટલો કથળ્યો છે કે અહીં ફરજ બજાવનાર નર્સ અને આયાનો સંપર્ક કરવો હોય તો તેઓને મોબાઇલ ફોન ( MOBAIL PHONE) કરવા પડે છે. આ લોકોનો જો મૂડ હોય તો જ તેઓ વોર્ડમાં આવતા જોવા મળે છે. રાત્રિના સમયે આયા અને નર્સ ભાગ્યે જ જોવા મળતાં હોય છે. આ ઉપરાંત જો દર્દી બેડ પર હાજત કે યુરિનલ કરે છે તો તે ચોવીસ કલાક સુધી સાફ કરવામાં આવતું નથી. જેથી આખો વોર્ડ ગંધાતો હોય છે. આવી સંખ્યાબંધ ફરિયાદો વારંવાર કરવામાં આવી રહી છે. પરંતુ તેનો કોઈ જ ઉકેલ આવતો નથી. ‘ગુજરાતમિત્ર’એ સ્થળ પર જઇને ફોટોગ્રાફી કરતાં આ જડબેસલાક પુરાવા મળ્યા હતા. ઉચ્ચ અધિકારીઓનું સુપરવિઝન શૂન્ય હોવાનું ફોટા પરથી સ્પષ્ટ થઇ જાય છે.
આ છે ગુનાહિત બેદરકારી
— ફિમેલ વોર્ડમાં મેલ પેશન્ટને એડમિટ કરાય છે.
— જગ્યા હોવા છતાં લોબીમાં ખાટલા નાંખવામાં આવ્યા છે.
— ગરીબ અને મજૂર વર્ગ જાણે કૂતરાં-બિલાડા હોય તેમ ગેલેરીમાં છોડી દેવાય છે.
— સ્થળ પર સુપરવિઝનનો સદંતર અભાવ છે. ઉચ્ચ અધિકારીઓ કેબિનની બહાર જ નીકળતા ન હોવાની વાત જાણવા મળી છે.
બીમાર દર્દીની પણ સારવારની તસ્દી નહીં લેવાઈ
સ્મીમેર હોસ્પિટલના લોબીમાં શુક્રવારે સવારે મળી આવેલા અજાણ્યા આધેડ દર્દીની સારવાર માટે પણ કોઇ સ્ટાફ દ્વારા તસ્દી લેવામાં આવી ન હતી. તે આધેડને વોર્ડના બદલે લોબીમાં બેસાડી દેવામાં આવ્યો હતો. તે આધેડ દર્દી પણ સારવાર માટે અને મદદ માટે આવતાં લોકો પાસે મદદ માંગતા હતા. આ દરમિયાન ત્યાંથી પસાર થતા રેસિડન્ટ તબીબો કે સિસ્ટર દ્વારા પણ દર્દીની નોંધ પણ લેવામાં આવી ન હતી. આ આધેડ દર્દીએ તેનું નામ ન જણાવવાની શરતે જણાવ્યું કે, તેઓ કલાકોથી કણસી રહ્યા છે. પરંતુ તેમનું કોઇ સાંભળી રહ્યું નથી.
સુપરિ.ની સરપ્રાઇઝ વિઝિટ નહીંવત કરાતાં સ્ટાફ બેફામ
સ્મીમેર હોસ્પિટલનાં સુપરિ. ડો. વંદનાબેન દેસાઇ દર બુધવારે સ્મીમેર હોસ્પિટલની વિઝિટ કરે છે. જેના કારણે બુધવારે હોસ્પિટલનો મોટા ભાગનો સ્ટાફ ખડેપગે અને સ્વચ્છ અને સુંદર ડ્રેસ સાથે જોવા મળી આવે છે. ડો. વંદના દેસાઇએ ગઇકાલે બુધવારે જ સવારે હોસ્પિટલનો રાઉન્ડ લીધો હતો. પરંતુ તેણીને શું આ બાબત ધ્યાન આવી ન હોય શકે અને જો આવી હોય તો તેના પર પડદો ઢાંકવામાં આવી રહ્યો છે. દરમિયાન સ્થાનિક સ્તરે કોઇ સરપ્રાઇઝ વિઝિટ કરવામાં આવતી નહીં હોવાને કારણે સેંકડો દર્દીઓ અને તેમનો પરિવાર ભગવાન ભરોસે મુકાઇ ગયા છે.
સ્મીમેરનાં સુપરિ. વંદનાબેન દેસાઈએ મુલાકાત માટે ઇન્કાર કર્યો
સુપરિ. વંદનાબેન સાથે અમે રૂબરૂ મળી વાતચીત કરવા પ્રયાસ કર્યો. પરંતુ તેઓએ મળવા ઇનકાર કરી દીધો હતો. મેડમના પીએએ મેડમ મળવા માંગતા નહીં હોવાનું જણાવ્યું હતું. દરમિયાન મેડમ ચુંટાયેલા સત્તાધીશો સાથે પણ આ જ રીતે મુલાકાત નહીં આપતા હોવાની વિગતો સ્થળ પર થઇ રહેલી ચર્ચા પરથી જાણવા મળી હતી.