
કળાના ચોક્કસ સ્વરૂપમાં શુદ્ધતા જળવાય તે જરૂરી છે, પરંતુ ક્યારેક અનુભૂતિમાં લાલિત્યનો વધારો થવાની સંભાવના હોય અને સામાજિક સ્વીકૃતિ વધી શકે તેમ હોય તો થોડીક મિશ્રતા સ્વીકૃત બનતી હોય છે. શિવરંજની અને મિશ્ર-શિવરંજની આનું સચોટ ઉદાહરણ છે. ક્યારેક અને ક્યાંક બદલાવ આવશ્યક હોય છે. એક જ પ્રકારનાં સિદ્ધાંત, એક જ પ્રકારની શૈલી, એક જ પ્રકારની રજૂઆત, એક જ પ્રકારની રચના ક્યાંક સમાજને જે તે બાબતથી વિમુખ પણ કરી શકે. કહેવાય છે કે સૃષ્ટિમાં માત્ર બદલાવ કાયમી છે. સૃષ્ટિમાં કશું જ કાયમ, જેમનું તેમ નથી રહી શકતું. બદલાવ સ્વાભાવિક છે, બદલાવ જરૂરી છે. જુદી જુદી સંભાવનાઓને વ્યક્ત કરવા કાવ્ય માટે અનેક સ્વરૂપો નિર્ધારિત કરાયા છે. હાઇકુથી શરૂ કરીને મહાકાવ્ય સુધી, અછાંદસ રચનાથી સચોટ બંધારણયુક્ત છંદ દ્વારા, ગદ્યકાવ્ય અને ક્યાંક જોડકણાં, અહીં બધું જ માન્ય છે. તકલીફ ત્યાં પડે કે જ્યારે કોઈ એક રચના પ્રકારમાં આગળનો વિકાસ અટકી પડે. સોનેટ એટલે સોનેટ. સંગીતમાં શિવરંજનીની સાથે જેમ મિશ્ર શિવરંજનીની સંભાવના હોય છે, તેમ કાવ્યમાં સોનેટ સાથે મિશ્ર સોનેટ સ્વીકૃત નથી બનતું.
શિવરંજની અને મિશ્ર શિવરંજની એ બંને ભારતીય સંગીતના અત્યંત લોકપ્રિય અને મહત્વનાં રાગ છે. ખમાજ થાટનો રાગ શિવરંજની ઓડવ – ઓડવ જાતિનો અર્થાત્ આરોહ અને અવરોહમાં પાંચ-પાંચ સમાન સ્વર પ્રયોજાય છે. ષડજ, કોમળ રિષભ, કોમળ ગંધાર, પંચમ તથા કોમળ ધૈવત. અહીં વાદી સ્વર ધૈવત છે અને સંવાદી ગંધાર. શિવરંજનીમાં મધ્યમ અને નિષાદ વર્જિત છે. ભાવાત્મક રજૂઆત માટે આ રાગનો ઉપયોગ થતો હોય છે. ભાવાત્મક રજૂઆતને વધુ અસરકારક બનાવવા ક્યારેક મધ્યમ અને નિષાદનો ઉપયોગ પણ કરાતો હોય છે. જ્યારે આમ કરવામાં આવે ત્યારે તે મિશ્ર શિવરંજની બને. તેવા સમયે તેની જાતિ ષાડવ કે સંપૂર્ણ બની શકે. સંગીતકારને જ્યારે શિવરંજનીના પાંચ સ્વરોમાં મર્યાદા અનુભવાય ત્યારે મિશ્ર શિવરંજનીનો ઉપયોગ ઇચ્છનીય પણ બને અને સ્વાભાવિક પણ બને. અહીં શિવરંજનીનો આત્મા જળવાઈ રહે પણ અભિવ્યક્તિનો વિસ્તાર વધે, જે જરૂરી છે.
સોનેટ એ ભાવનાત્મક, દાર્શનિક કાવ્યપ્રકાર છે. કેટલાંક સાહિત્યકારોની માન્યતા પ્રમાણે સોનેટમાં કવિના આંતરિક ભાવ વધુ સ્પષ્ટતા અને સરળતાથી વ્યક્ત થઈ શકે. જોકે આવું દરેક કાવ્ય-પ્રકાર માટે કહી શકાય. સોનેટનાં બંધારણ પ્રમાણે આ ચૌદ પંક્તિનું છંદબદ્ધ કાવ્ય છે. ઇટાલિયન સોનેટમાં આ ચૌદ પંક્તિને બે ભાગમાં વહેંચવામાં આવે છે. પ્રથમ આઠ પંક્તિમાં કોઈ વિચાર, સમસ્યા, પ્રશ્ન, મંતવ્યની અભિવ્યક્તિ કરાય અને છેલ્લી છ પંક્તિમાં તેનો ઉકેલ અથવા તે પ્રત્યે પ્રતિભાવ આપવામાં આવે. અંગ્રેજી સોનેટમાં ચૌદ પંક્તિઓ ચાર ભાગમાં વહેંચાય. પ્રથમ ત્રણ ભાગમાં ચાર-ચાર પંક્તિઓનો સમૂહ હોય જેમાં એક વાત પર ભાર મૂકવામાં આવે અને છેલ્લા ભાગ અર્થાત છેલ્લી બે પંક્તિમાં તેનો નિષ્કર્ષ હોય. અંત ભાગમાં અહીં ક્યાંક નાટકીયતા પણ જોવાં મળે. શક્ય છે કે યુરોપમાં જો ત્રીજા પ્રકારનું સોનેટ હોત તો તેની અહીં ભારતમાં પણ સ્વીકૃતિ હોત. આ ત્રીજા પ્રકાર માટે ઘણી સંભાવના રહે; છ, ચાર, બે અને બે કે એમ કંઈક. અહીંનાં કવિઓએ પોતે સોનેટનો આવો કોઈ ત્રીજો પ્રકાર શોધ્યો નથી. જો અભિવ્યક્તિમાં સચોટતા આવી શકતી હોય તો ત્રીજો પ્રકાર પણ સ્વીકૃત બનવો જોઈએ. ઘણીવાર તો એમ પણ પ્રશ્ન થાય કે, અમુક પ્રકારની ભાવાત્મક રજૂઆત માટે અડધી પંક્તિની આવશ્યકતા હોય તો શું સોનેટમાં તેનો સમાવેશ ન કરી શકાય ? જો મિશ્ર શિવરંજની સ્વીકાર્ય હોય તો મિશ્ર સોનેટ કેમ નહીં.
દરેક કાવ્ય પ્રકાર જે તે સમયે, જે તે વ્યક્તિ કે વ્યક્તિ સમૂહ દ્વારા નિર્ધારિત થતાં આવ્યાં છે. તે વખતની સમાજ વ્યવસ્થા, સામાજિક જરૂરિયાત, સમાજની પરિપક્વતા, કળાત્મક જરૂરિયાત, બૌદ્ધિક મર્યાદા, સ્થાપિત સ્વીકૃતિ, સંવેદનાઓની જટિલતા તેમજ પરિપક્વતા, અને તે બધાં સાથે વ્યક્તિગત અભિગમ; આ બધું જ્યારે ચોક્કસ રીતે ચોક્કસ પ્રમાણમાં એકત્રિત થાય ત્યારે અભિવ્યક્તિનું એક સ્વરૂપ ઉભરે. . તેથી જ તો અત્યારે ‘રીલ્સ’નો વ્યાપ વધતો જાય છે. સોનેટને રીલ્સ સાથે સરખાવી ન શકાય. સોનેટને રિલ્સમાં રૂપાંતરિત પણ ન કરી શકાય. આવો વિચાર પણ ન આવવો જોઈએ. પણ અમુક બાબતે વિચાર જરૂરી છે. કળાનું જે તે સ્વરૂપ સશક્ત હોવા છતાં સમાજ તેમાં ઓછો સંમિલિત થતો હોય, અપાર સંભાવના હોવા છતાં કળાનું જે સ્વરૂપ સીમિત રહેતું હોય, સ્વરૂપની ‘શાસ્ત્રીય’ મર્યાદાઓને કારણે કલાકારને અભિવ્યક્તિમાં મર્યાદા જણાતી હોય અને જનસમાજ મિશ્ર શિવરંજની કે મિશ્ર સોનેટ સ્વીકારવા તૈયાર હોય તો સંગીતકારોએ – કવિઓએ પણ તેનાં સ્વીકાર માટે તૈયારી રાખવી પડે.
અહીં કળાને ત્રણ ભાગમાં વર્ગીકૃત કરી શકાય; શાસ્ત્રીય, સુગમ અને લોક. ક્યારેક શાસ્ત્રીયમાં લોક અને સુગમની અસર ઇચ્છનીય રહે તો ક્યારેક સુગમમાં શાસ્ત્રીય બંધારણની છાંટ વર્તાય અને લોકકળાનો ભાવ ઉભરે તેવું પણ ઈચ્છી શકાય. તેવી જ રીતે લોકકળામાં જો શાસ્ત્રીય ગંભીરતા અને સુગમ સરળતા આવે તો નવાં જ પરિમાણ સ્થાપિત થઈ શકે. આ સમય સમન્વયનો છે. આ સમય પરસ્પરની આપ-લેનો છે. આ સમય માનવ સંસ્કૃતિમાં પ્રવર્તમાન વિવિધ ક્ષેત્રના વિવિધ સ્વરૂપોની વિશેષ બાબતોને પરસ્પર સાંકળી ભાગદોડવાળી જિંદગી જીવતા માનવની અનુભૂતિને સમૃદ્ધ બનાવવાનો છે. •હેમુ ભીખુ