જમ્મુ-કાશ્મીરમાં તાજેતરની આતંકવાદી ઘટનાઓ પરથી કેટલાક ભ્રમ દૂર થાય એ જરૂરી છે. 370 ની કલમ દૂર થયા પછી કાશ્મીર ખીણમાં સંપૂર્ણ શાંતિ અને ખુશાલી છવાઈ છે કારણ કે ૧.પથ્થરમારાની ઘટના બંધ થઈ છે. ૨.વિકાસ થઈ રહ્યો છે. ૩.રોજગારી વધી છે. ૪.આતંવાદનો સફાયો થઈ રહ્યો છે. ૫. પાકિસ્તાનને પાઠ ભણાવી દીધો છે. ૬. ત્યાંની પ્રજા ખુશ છે. ૭. આટલાં લાખ પ્રવાસીઓ આવ્યાં એટલે કાશ્મીર બદલાઈ ગયું છે. વગેરે ભ્રમણાઓ છે એવું સાબિત થઈ રહ્યું છે. વર્ષોથી જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાન પ્રોક્ષીવૉર કરી રહ્યું છે. ક્યારેક એ કામચલાઉ અટકે છે અને નવી ટાર્ગેટ સ્ટ્રેટજી સાથે ફરી આતંકી હુમલા શરૂ થાય છે. આપણું સૈન્ય ભરપૂર પ્રયાસો કરે છે, આતંકવાદીઓનો સફાયો પણ કરે છે છતાં પરિસ્થિતિ સુધરતી નથી. કેન્દ્ર સરકારે આનો નક્કર ઉકેલ લાવવાની દિશામાં વિચારવાની જરૂર છે.
સુરત -સુનીલ શાહ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
બ્રાન્ડને બ્રાન્ડ એમ્બેસેડરની જરૂર ખરી?
તાજેતરમાં દેશની એક અવ્વલ નંબરની બેન્કે તેના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે એક જાણીતા ક્રિકેટ ખેલાડીની નિમણૂક કરી અને તે પણ એવી વ્યક્તિ કે જેણે રાજ્યસભાના સદસ્ય થઈને ફક્ત આર્થિક લાભ અને મળતી સવલતો જ મેળવી છે, પરંતુ પ્રજાલક્ષી એક પણ કામ કે રાજ્યસભામાં રજૂઆત નથી કરી. આ ખેલાડીની શાખ જ છે કે તેને ફક્ત પ્રસિદ્ધિ અને પૈસા સિવાય કોઈ સંસ્થા સાથે કશી જ લેવાદેવા હોતી નથી. આ બેંક આ ખેલાડીને તગડું મહેનતાણું કોઈ પણ જાતની ઉત્પાદનશીલ પ્રવૃત્તિ વગર ચૂકવી જાહેર નાણાંનો દુરુપયોગ કરશે અને પ્રજા તથા તે બેન્કના શેર હોલ્ડરો ચૂપ થઈને બેસી રહ્યા છે. વાસ્તવમાં આ બેંક બેન્કિંગ ઉદ્યોગમાં પોતે જ એક બ્રાન્ડ છે. એની શાખ જાહેર જનતાની નજરમાં અને ઔદ્યોગિક ક્ષેત્રે ઘણી ઊંચી છે. આથી પ્રશ્ન છે કે આવા બ્રાન્ડ એમ્બેસેડરની શી જરૂર?
-રાજેન્દ્ર કર્ણિક- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.