વલસાડ : વલસાડના (Valsad) અત્યંત બિસ્માર માર્ગના (Road) કારણે ગર્ભવતી મહિલાનું મિસકેરેજ થઇ રહ્યું હોવાનું બહાર આવ્યું છે. વલસાડના ગાયનેકોલોજીસ્ટ ડોક્ટરોમાં આ ચર્ચા હાલ એરણે ચઢી છે. જેમાં વલસાડ ટાવરથી તાઇવાડ અને ત્યાંથી લુહાર ટેકરા સુધીના માર્ગ પર આવી ઘટના બની હોવાનું ધ્યાને આવ્યું છે.
- બાઇક પર જતી મહિલાને બ્લીડીંગ અને મિસ કેરેજની 3 થી વધુ ઘટના
- વલસાડમાં મોટા મોટા ખાડા પડતા ઉંટની સવારીની અનુભૂતિ
વલસાડમાં ટાવરથી નાના તાઇવાડ અને નાના તાઇવાડથી કસ્તુરબા અને લુહાર ટેકરાનો માર્ગ ખૂબ જ બિસ્માર છે. અહીં અત્યંત મોટા મોટા ખાડા હોય ઉંટની સવારીની અનુભૂતિ થતી હોય છે. આ રોડ પર બાઇક પર જ નહી, રીક્ષામાં પસાર થવું પણ મુશ્કેલ બનતું હોય છે. જેમાં ગર્ભવતી મહિલાઓ માટે આ રોડ ખૂબ જ જોખમી બન્યો છે.
વલસાડની કસ્તુરબા તેમજ અન્ય ખાનગી હોસ્પિટલ જવા માટે આ માર્ગ જ મુખ્ય છે. આ માર્ગ પર અન્ય ખાનગી ગાયનેકોલોજીસ્ટની હોસ્પિટલ પણ ધમધમી રહી છે. ત્યારે આ રોડ પરથી પસાર થતી 3 ગર્ભવતી મહિલાને આંચકા લાગતા બ્લીડીંગ અને પછી મિસ કેરેજની ઘટના ડોક્ટરોના ધ્યાને આવી છે.
ગાયનેકોલોજીસ્ટને ત્યાં આવો કેસ આવતા તેમણે તપાસ કરી
આ રોડ પર હોસ્પિટલ ધરાવતા એક ગાયનેકોલોજીસ્ટને ત્યાં આવો કેસ આવતા તેમણે તપાસ કરી અને અન્ય હોસ્પિટલોમાં પણ આવા કેસ આવી રહ્યા છે. ત્યારે વલસાડની ગર્ભવતી મહિલાઓએ સુરક્ષા માટે આ રોડની મુસાફરી કરવાથી બચવાની તેઓ સલાહ આપી રહ્યા છે. બીજી તરફ પાલિકા દ્વારા પણ અનેક હોસ્પિટલોને જોડતા આ માર્ગની મરામત સત્વરે થાય એ જરૂરી બન્યું છે.
ત્રણ મહિનાની ગર્ભવતીને બ્લીડિંગ થતા મિસ કેરેજ થયું
નામ નહીં આપવાની શરતે એક ડોક્ટરે જણાવ્યું કે, મારી હોસ્પિટલમાં આવો એક કેસ રિક્ષામાં આવ્યો હતો. જે ત્રણ મહિનાની ગર્ભવતી હતી અને તેને બ્લીડિંગ થતા તેનું મિસ કેરેજ થઈ ગયું હતું.