Entertainment

મિર્ઝાપુર-2 વેબસીરીઝના આ કલાકારનું મોત, બાથરૂમમાં લાશ મળી

મિર્ઝાપુર-2 (Mirzapur) વેબબસીરીઝના કલાકાર બ્રહ્માકુમાર મિશ્રા (Brahmakumar Mishra) કે જેણે મુન્નાભાઈના ખાસ મિત્ર લલિતના(Lalit) નામથી ખૂબ નામના મેળવી હતી તેમની લાશ ગુરુવારે તેમના ઘરના બાથરૂમમાંથી મળી આવી હતી. તેઓનાં ફલેટમાંથી દુર્ગંધ આવતા લોકોએ પોલીસને જાણ કરી હતી. 36 વર્ષીય બ્રહ્મા મિશ્રાનો મૃતદેહ પોલીસ તપાસ દરમ્યાન તેના વર્સોવા સ્થિત ઘરના બાથરૂમમાંથી સડી ગયેલી હાલતમાં મળી આવ્યો હતો. તેઓ ફલેટમાં એકલા રહેતાં હતાં. જાણવા મળ્યા મુજબ 29 નવેમ્બરે તેઓને છાતીમાં દુખાવો ઉપડયો હતો પરંતુ ડોકટરે આ દુખાવાને ગેસનો દુખાવો સમજી દવા આપી હતી. એ જ દિવસે રાત્રીના સમયે તેઓની મોત થયાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. મૃત્યુનું મુખ્ય કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યાં પછી જ જાણી શકાશે. પોસ્ટમોર્ટમ માટે તેઓના શબને કૂપર હોસ્પિટલ મોકલવામાં આવ્યો છે. બ્રહ્મા મિશ્રાના ભાઈ સંદીપના જણાવ્યા અનુસાર, પોલીસે આ મૃત્યુનો મામલો અકસ્માત મૃત્યુના અહેવાલ તરીકે નોંધયો છે.


બ્રહ્મા મિશ્રાનું બોલિવુડમાં કરીયર વર્ષ 2013માં ફિલ્મ ચોર ચોર સુપર ચોર થી શરૂ થયું હતું. ત્યારબાદ તેણે ‘મિર્ઝાપુર’, ‘કેસરી’, ‘માઉન્ટેન મેન’, ‘બદરી કી દુલ્હનિયા’, ‘સુપર 30’ અને ‘દંગલ’ તેમજ બીજી અનેક ફિલ્મોમાં કામ કર્યું હતુ. તેઓનુ જન્મ સ્થળ ભોપાલ છે અને તેઓ બાળપણથી જ એક્ટર બનવાનું સપનું જોતા હતાં. તેઓ મનોજ બાજપાયને પોતાનો રોલમોડલ સમજતાં હતાં. મિર્ઝાપુર-2 વેબસિરીઝમાં તેમનું પાત્ર લોકોને એટલું ગમ્યું હતું કે તેના પર ઘણા મીમ્સ પણ બનાવવામાં આવ્યા હતા.


મિર્ઝાપુર-2ના મુખ્ય કલાકાર મુન્ના ભૈયા એટલે કે દિવ્યેન્દુએ બ્રહ્મા મિશ્રાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બ્રહ્મા મિશ્રા સાથેની એક તસ્વીર શેર કરતા જણાવ્યું હતું કે, ‘ભગવાન તમારી આત્માને શાંતિ આપે. આપણો લલિત હવે આપણી સાથે નથી રહ્યો. આપણે બધા તેમની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરીએ.’ આ ઉપરાંત મિર્ઝાપુર-2ના તમામ કલાકારોએ શોક વ્યકત કર્યો હતો.

Most Popular

To Top