SURAT

પાંચમા માળેથી પડેલી ત્રણ વર્ષની બાળકીનો ચમત્કારિક બચાવ, ભેસ્તાન આવાસની ઘટના

સુરત શહેરના ઉન વિસ્તારમાં આવેલ ભેસ્તાન આવાસમાં આજે એક સાથે ચોંકાવનારી ઘટના સામે આવી છે. “રામ રાખે તેને કોણ ચાખે” એ કહેવતને સાકાર કરતી આ ઘટનામાં પાંચમા માળેથી નીચે પડેલી ત્રણ વર્ષની માસૂમ બાળકીનો ચમત્કારિક રીતે જીવ બચી ગયો છે. આ બનાવે સમગ્ર વિસ્તારમાં અચંબો અને ચિંતા બંને ફેલાવી છે.

ભેસ્તાન આવાસમાં રહેતા શ્યામનાથ પંડિતની ત્રણ વર્ષની પુત્રી નિકી રમતી હતી. રમતાં-રમતાં અચાનક તે પાંચમા માળેથી નીચે પટકાઈ ગઈ. અંદાજે 50 ફૂટ જેટલી ઊંચાઈ પરથી પડતા જ આસપાસના રહીશો દોડી આવ્યા. પરિવારજનો પણ ગભરાઈને નીચે પહોંચ્યા અને તરત જ બાળકી નિકીને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી.

સામાન્ય રીતે આટલી ઊંચાઈએથી પડ્યા બાદ જીવ બચવો અઘરો ગણાય છે પરંતુ નિકીનો ચમત્કારિક બચાવ થયો છે. હાલમાં સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં તબીબોની દેખરેખ હેઠળ તેની સઘન સારવાર ચાલી રહી છે. તબીબી સૂત્રોના જણાવ્યા અનુસાર બાળકીની સ્થિતિ સ્થિર છે અને જરૂરી સારવાર આપવામાં આવી રહી છે.

બાળકીની માતા મુસ્કાને જણાવ્યું હતું કે નિકી રમતી હતી ત્યારે હું થોડા સમય માટે કપડાં લેવા ગઈ હતી. પરત આવતાં કોઈ રીતે પગ લપસતા તે પાંચમા માળેથી નીચે પડી ગઈ. તેના પડવા ની જાણ થતા તરત જ તેને હોસ્પિટલ લઈ આવ્યા અને ભગવાનની કૃપાથી તેનો જીવ બચી ગયો.

આ ઘટના બહુમાળી ઇમારતોમાં રહેતા વાલીઓ માટે લાલબત્તી સમાન છે. નાનાં બાળકો ક્યારે બારી કે બાલ્કની પાસે પહોંચી જાય તેની ખબર પણ પડતી નથી. તેથી ઊંચા માળે રહેતા પરિવારોને બારી અને ગેલેરીમાં મજબૂત સેફ્ટી ગ્રીલ લગાવવી અને બાળકો પર સતત નજર રાખવી અત્યંત જરૂરી છે. નિકીનો બચાવ નસીબજોગ થયો છે પરંતુ આ બનાવ દરેક વાલી માટે મહત્વનો બોધપાઠ છે.

Most Popular

To Top