SURAT

સુરતમાં સગીરાને સોશિયલ મીડિયા મારફતે ફસાવી દુષ્કર્મ: આરોપી ઝડપાયો

સુરતના ઈચ્છાપોર વિસ્તારમાં એક ગંભીર અને ચિંતાજનક ઘટના સામે આવી છે, જેમાં સોશિયલ મીડિયા દ્વારા મિત્રતા વધારી સગીરાને પ્રેમજાળમાં ફસાવી તેની સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે. પોલીસે આ મામલે ઝડપી કાર્યવાહી કરીને આરોપી મોહંમદ સાજીદ પઠાણની ધરપકડ કરી છે અને વધુ તપાસ શરૂ કરી છે. માહિતી મુજબ, ઈચ્છાપોર વિસ્તારમાં રહેતી અને ધોરણ 12માં અભ્યાસ કરતી સગીરા માર્ચ 2025 દરમિયાન Instagram પર લિંબાયત વિસ્તારના ક્રિષ્ણાનગરમાં રહેતા 23 વર્ષીય સાજીદ પઠાણના સંપર્કમાં આવી હતી. શરૂઆતમાં આરોપીએ મીઠી વાતો કરીને સગીરાનો વિશ્વાસ જીત્યો અને બાદમાં લગ્નની લાલચ આપીને તેને પોતાના પ્રભાવમાં લઈ લીધી હતી. તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીએ પહેલા સગીરાને વિશ્વાસમાં લઈને તેના અંગત ફોટા મંગાવ્યા હતા. ત્યારબાદ આ ફોટાનો દુરુપયોગ કરીને તેને ધમકીઓ આપવાનું શરૂ કર્યું અને સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેલ કરતો રહ્યો. આ દબાણ હેઠળ સગીરા માનસિક રીતે તણાવમાં આવી ગઈ હતી.

આરોપીએ બાદમાં સગીરાને પાલ વિસ્તારની એક હોટલમાં લઈ જઈ તેની ઇચ્છા વિરુદ્ધ શારીરિક શોષણ કર્યું હોવાનો પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ છે. આ ઘટના બાદ પણ આરોપીએ વીડિયોની ધમકી આપીને સગીરાને સતત બ્લેકમેલ કરવાનું ચાલુ રાખ્યું હતું અને તેના ઘરની આસપાસ ફરીને તેને માનસિક ત્રાસ આપતો રહ્યો હતો. આ સમગ્ર મામલો ત્યારે સામે આવ્યો જ્યારે સગીરાનો મોબાઈલ તેના ભાઈના હાથમાં આવ્યો. મોબાઈલમાં થયેલી ચેટ્સ અને ફોટા જોઈને પરિવારને ઘટનાની જાણ થઈ હતી. જ્યારે સગીરાના ભાઈએ આરોપીને સમજાવવા પ્રયાસ કર્યો, ત્યારે આરોપીએ ઉલટું ધમકી આપી ગંભીર પરિણામોની ચેતવણી આપી હતી. પરિવારે હિંમત કરીને ઈચ્છાપોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તરત જ ગુનો દાખલ કર્યો અને ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી લીધો. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપી શહેરમાં એક ગ્લાસની દુકાનમાં મજૂરી કામ કરતો હતો. હાલ પોલીસ વધુ પુરાવા એકત્રિત કરી રહી છે અને આરોપીએ અન્ય કોઈ યુવતીઓને પણ આ રીતે ફસાવી છે કે કેમ તેની દિશામાં પણ તપાસ ચાલી રહી છે. આ ઘટના ફરી એકવાર સોશિયલ મીડિયાના ઉપયોગ દરમિયાન સાવચેત રહેવાની શિખામણ આપે છે.

Most Popular

To Top