પશ્ચિમ બંગાળ સરકારના પ્રધાન ઝાકિર હુસેન પર બુધવારે મોડી રાત્રે બોમ્બ વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ઝાકિર હુસેન અને અન્ય કેટલાક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. મળતી માહિતી મુજબ હાલમાં બધાને કોલકાતાની SSKM હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઈજાગ્રસ્તોને મળવા માટે બંગાળના CM મમતા બેનર્જી (CM Mamta Banerjee) પણ હોસ્પિટલ પહોંચ્યા છે.
મમતા બેનર્જી સરકારમાં પ્રધાન જાકીર હુસેન (Jakir Hossain) પર બુધવારે મોડી રાત્રે બોમ્બ વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં પ્રધાન અને અન્ય છ લોકો ખરાબ રીતે ઘાયલ થયા છે. બધાને કોલકાતાની SSKM હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બ્લાસ્ટમાં ઘાયલ શ્રમ પ્રધાન ઝાકિર હુસેનની સર્જરી / ઓપરેશન કરવામાં આવશે. તેમના પગ અને હાથમાં ગંભીર ઈજાઓ થઈ છે. બોમ્બ વિસ્ફોટની તપાસ CIDને સોંપવામાં આવી છે. ફોરેન્સિક ટીમ ઘટના સ્થળે પહોંચવા માટે રવાના થઈ ગઈ છે. ઇજાગ્રસ્ત પ્રધાનને જોવા માટે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી હોસ્પિટલ પહોંચ્યા છે.
પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનકરે આ ઘટનાની નિંદા કરી છે. તેમણે ટ્વિટ કર્યું છે કે મુર્શિદાબાદ જિલ્લાના નિમિટ્ટા રેલ્વે સ્ટેશન પર મંત્રી પરના હુમલાની હું નિંદા કરું છું. હું આ ઘટનાથી ચિંતિત છું, લોકશાહીમાં હિંસાને કોઈ સ્થાન નથી.
પ્રાપ્ત માહિતી અનુસાર – રાજ્ય સરકારના શ્રમ રાજ્યમંત્રી ઝાકિર હુસેન મુર્શિદાબાદ જિલ્લાના નિમિટ્ટા રેલ્વે સ્ટેશન પર કોલકાતા જતી ટ્રેન પકડવા જઇ રહ્યા હતા ત્યારે અજાણ્યા હુમલાખોરોએ બોમ્બથી પ્રધાન પર હુમલો કર્યો હતો. હુમલો કરનાર વિશે માહિતી મળી નથી, પરંતુ આ ઘટનાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં મંત્રી પોતાના સુરક્ષા કર્મચારીઓ સાથે સ્ટેશન તરફ જઇ રહ્યા હતા કે ત્યારે જ પાછળથી અચાનક બ્લાસ્ટ થયો હતો.
પશ્ચિમ બંગાળમાં ટૂંક સમયમાં વિધાનસભાની ચૂંટણીઓ થવા જઇ રહી છે. ભાજપ ચૂંટણીમાં પણ પોતાની તમામ તાકાતો લગાવી રહી છે. થોડા સમય પહેલા ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડા અને કૈલાસ વિજયવર્ગીયના કાફલા પર પથ્થરમારાની ઘટના બની હતી. તૃણમૂલ અને ભાજપના કાર્યકરો પર હુમલાના અહેવાલો પણ અવારનવાર આવે છે. ભાજપ હાલમાં પરિવર્તનની યાત્રા કરી રહ્યું છે જ્યાં ભાજપના તમામ મોટા નેતાઓ કોલકાતાના વિવિધ વિસ્તારોમાં રેલીઓ કરી રહ્યા છે. પરિવર્તન યાત્રાના સમાપન સમયે પીએમ મોદીના (PM Narendra Modi) રવાના થવાની સંભાવના પણ છે.