ગાંધીનગર: કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલે વિધાનસભામાં જણાવ્યું હતું કે, ‘ખાણદાણ સહાય યોજના’ હેઠળ સુરત (Surat) જિલ્લામાં બે વર્ષ દરમિયાન ૨,૨૩૫ લાભાર્થીઓને ૪૭ લાખ રૂપિયાથી વધુ રકમની સહાય ચુકવવામાં આવી છે.
‘ખાણદાણ સહાય યોજના’ વર્ષ ૨૦૨૧-૨૨થી અમલમાં મૂકી છે. આ યોજનાનો લાભ રાજ્યના તમામ પશુપાલકો લઈ શકે તેમજ પશુપાલકે સહાય મેળવવા માટે કોઇ પણ જાતનો ફાળો ન આપવો પડે તે માટે રાજય સરકાર દ્વારા વર્ષ ૨૦૨૨-૨૩થી આ યોજનાનો લાભ સભાસદ તેમજ બિન સભાસદ એટલે કે રાજ્યના તમામ પશુપાલકોને આપવાનું નક્કી કરવામાં આવ્યું છે તેમજ સાથે-સાથે સહાયનું ધોરણ પણ ૧૦૦ ટકા કરવામાં આવ્યું છે.
પશુઓના વિયાણ પછીના એક માસ સુધીના ધોરણે સહાય આપવામાં આવે છે, જેમાં પશુના શરીર નિભાવ માટે દરરોજ એક કિલોગ્રામ અને દૂધ ઉત્પાદનના ૫૦ ટકા લેખે ચાર કિલોગ્રામ એમ દરરોજ પાંચ કિલોગ્રામ સમતોલ દાણની ખાસ જરૂર પડે છે. વિયાણ બાદ ખાણદાણ સહાય યોજના હેઠળ લાભાર્થી દીઠ કુલ ૧૫૦ કિ.ગ્રા. એટલે કે ૩,૬૦૦ રૂપિયાનું ખાણદાણ પેટે ૧૦૦ ટકા લેખે સહાય આપવામાં આવે છે. આ સહાય મેળવવા માટે બારકોડેડ રેશન કાર્ડની નકલ, સરકાર માન્ય ફોટા વાળા ઓળખપત્રની નકલ, પશુ વિયાણ થયા અંગેનું સંબંધિત સરકારી પશુધન નિરિક્ષકનું પ્રમાણપત્ર, સક્ષમ અધિકારીના દિવ્યાંગ અંગેના પ્રમાણપત્રની નકલ, અનુ. જાતિ અને અનુ. જનજાતિ પશુપાલકો માટે જાતિનો દાખલો રજૂ કરવો જરૂરી છે.