વડોદરા: નેશનલ હાઈવે પરથી પસાર થતા કાર ચાલકો ફાસ્ટેગનો સરળ રીતે ઉપયોગ કરી શકે તે માટે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા NHAIએ નિર્ણય લીધો છે કે હવે ફાસ્ટેગમાં ન્યુનત્તમ બેલેન્સ રાખવું નહીં પડે.જોકે આ સુવિધા માત્ર કાર, જીપ કે વાન માટે જ છે. કોમર્શિયલ વ્હીકલને તેનો લાભ નહીં મળે.
નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા જણાવ્યા મુજબ હવે ફાસ્ટેગ આપતી બેંક સિક્ટોરિટી ડિપોઝિટ ઉપરાંત કોઈ ન્યુનત્તમ બેલેન્સ રાખવાનું ફરજ નહીં પાડી શકે.પહેલા જુદી-જુદી બેંક ફાસ્ટેગમાં સિક્યોરિટી ડિપોઝિટ ઉપરાંત બેલેન્સ રાખવા માટે પણ કહી રહી હતી.
કોઈ બેંક 150 રૂપિયા તો કોઈ બેંક 200 રૂપિયા ન્યુનત્તમ બેલન્સ રાખવા કહી રહી હતી.ન્યુનત્તમ બેલેન્સ હોવાના કારણે ઘણા ફાસ્ટેગ ઉપયોગકર્તા પોતાના ફાસ્ટેગ વોલેટમાં પુરતા રૂપિયા હોવા છતાં ટોલ પ્લાઝામાંથી પસાર થવાની મંજૂરી નહોંતી મળતી. પરિણામે ટોલ પ્લાઝા પર બિનજરૂરી ઝઘડા થતા હતા.હવે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ નિર્ણય કર્યો છે કે યૂઝરને ફાસ્ટેગ વોલેટમાં નેગેટિવ બેલેન્સ નહીં હોય તો ટોલ પ્લાઝા પર રોકવામાં નહીં આવે.એટલે કે જો ફાસ્ટેગ વોલેટમાં ટોલ ફી કરતા ઓછા રૂપિયા હશે તો પણ ટોલ પ્લાઝા ક્રોસ કરી શકાશે.પછી ભલે ટોલ પ્લાઝા પાર કર્યા બાદ ફાસ્ટેગ અકાઉન્ટ નેગેટિવ જ કેમ ન થઈ જાય.જો ગ્રાહક તેને રિચાર્જ નહીં કરાવે તો નેગેટિવ અકાઉન્ટની રકમ બેંક સિક્યોરિટી ડિપોઝિટમાંથી વસૂલ કરી શકે છે.