વડોદરા : જિલ્લા કલેકટર આર.બી.બારડ દ્વારા ભૂસ્તશાસ્ત્રીની કચેરીને ખનિજોનું બિન અધિકૃત ખોદકામ અને વહન અટકાવી,આ પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા તત્વો સામે કડક પગલાં લેવા સૂચના આપવામાં આવી છે. તેના અનુસંધાને આકસ્મિક ત્રાટકેલી વડોદરા ખાણ અને ખનીજ ખાતાની ટીમે કરજણ તાલુકાના સાયર ગામે થી સાદી રેતી ખનીજના ગેર કાયદેસર ના ખોદકામ અને વહન ની પ્રવૃત્તિ ઝડપી પાડીને,કસૂરવારો પાસે થી અંદાજે રૂ.૧ કરોડની કિંમતનો મુદ્દામાલ ઝડપી પાડયો હતો. ઘટનાની વિગતો આપતાં ભૂસ્તશાસ્ત્રી શ્રી નીરવ બારોટે જણાવ્યું કે સાગર ઉર્ફે દિનેશચંદ્ર ચંપકલાલ શાહ દ્વારા આ સ્થળે બિન અધિકૃત રીતે સાદી રેતી ખનિજનું ખોદકામ અને વહન થતું જણાયું હતું.
જેને અનુલક્ષીને ઘટનાસ્થળે થી આ બિન અધિકૃત પ્રવૃત્તિમાં ઉપયોગમાં લેવાતું એક હિટાચી મશીન,૧ યાંત્રિક હોડી અને સાદી રેતી ભરેલી ૧ ટ્રક જપ્ત કરવામાં આવી હતી.અંદાજે રૂ.૧ કરોડની કિંમતનો આ મુદ્દામાલ કરજણ આઉટપોસ્ટ ખાતે રાખવામાં આવ્યો છે. વડોદરા ખાણ અને ખનીજ વિભાગે ખનીજોના બિન અધિકૃત ખોદકામ અને વહન પર ચાંપતી નજર રાખવા ટેકનોલોજીનો વિનિયોગ શરૂ કર્યો છે.જેના ભાગરૂપે સાયર નારેશ્વર વિસ્તારની લીઝોમાં ઉપયોગમાં લેવાતાં હિટાચી મશીનોમાં જી.પી.એસ.ટ્રેકિંગ સિસ્ટમ લગાવીને મોનીટરીંગ ની વ્યવસ્થા ગોઠવી છે.
ખાણકામમાં વપરાતા તમામ હિટાચી મશીનોમાં આ સિસ્ટમ સ્થાપિત કરવાને પગલે,લીઝ વિસ્તારોમાં આ સિસ્ટમ વગર બિન અધિકૃત રીતે ઉપયોગમાં લેવાતાં હિટાચી મશીનોની ઓળખ અને ઉપયોગમાં લેનારા લીઝ ધારકો સામે કાયદેસરની કાર્યવાહી શક્ય બનશે.ગુડ ગવર્નન્સની એક આગવી પહેલના રૂપમાં સાયર – નારેશ્વર વિસ્તારની લિઝોમાં પાયલોટ પ્રોજેકટના ભાગરૂપે જી.પી.એસ.ટ્રેકિંગ સિસ્ટમ બેસાડવાની આ કામગીરી હેઠળ રેતીની લીઝોમાં ઉપયોગમાં લેવાતાં ૨૫ મશીનો આવરી લેવામાં આવ્યા છે.