આપણે ભગવાનના વ્યાપક સ્વરૂપને સમજ્યા. તેમાં ભગવાને કહ્યું હતું કે હું સર્વ બુદ્ધિશાળીઓમાં બુદ્ધિ તત્ત્વ છું. આ અંકમાં આપણે માનવની બુદ્ધિ મનથી કેવી રીતે જુદી છે તે સમજીએ. જડ શરીર અને ચૈતન્ય આત્માના સંયોગથી જ માણસ ક્રિયાશીલ બને છે. એવી જ રીતે વ્યક્તિના આંતરિક શરીરનાં બે અંગો મન અને બુદ્ધિ પણ ચૈતન્ય તત્ત્વ સાથે જોડાઈને કાર્ય કરે છે. માનવીના મન અને બુદ્ધિ જ વિવિધ પદાર્થો સાથે સંબંધમાં આવી તેને સુખદુઃખનો ભોગી બનાવે છે. આ બંનેને શુદ્ધ અને સજ્જ રાખ્યા હોય તો જીવનમાં શાંતિ અને એકરાગિતા આવે અને સુખનો અનુભવ થાય પણ મન તેમ જ બુદ્ધિ પ્રત્યે અવગણના કરવામાં આવે તો વિસંવાદિતા અને કઠોરતા વ્યાપે છે.
શરીર એ માનવના વ્યક્તિત્વનો સૌથી વિશેષ સ્થૂળ ભાગ છે. એમાં પાંચ જ્ઞાનેન્દ્રિયો અને પાંચ કર્મેન્દ્રિયોનો સમાવેશ થાય છે. વ્યક્તિ દીઠ શરીરના કદ કે આકારમાં ભેદ હોવા છતાં ઈન્દ્રિયોના ધર્મો સમાન હોય છે. સૌથી વધુ સૂક્ષ્મ એવું જે વિશિષ્ટ તત્ત્વ છે તેને આપણે ‘ચૈતન્ય’ કહીએ છીએ, આત્મા કહીએ છીએ. એ વ્યક્તિના નિર્માણનું સત્ત્વ છે. વ્યક્તિમાત્રમાં એ રહેલું છે. દેહ અને ચૈતન્યના ગુણો સર્વ માનવજાતમાં સમાન છે એમ વૈજ્ઞાનિક બોજને લાગવાથી તાર્કિક વિશ્લેષણ દ્વારા તેમ જ અનુમાનને આધારે સાબિત કરવામાં આવ્યું છે કે મન અને બુદ્ધિના ભેદને કારણે માનવ માનવ વચ્ચે ભેદ સર્જાય છે તેથી એ બે અંગો સ્થિતિસ્થાપક છે. મન અને બુદ્ધિરૂપી કલેવરના જુદા જુદા પ્રકાર અને સ્થિતિને કારણે જીવનમાં વિવિધરંગી અનુભવો પ્રાપ્ત થાય છે.
મન એ વૃત્તિ અને લાગણીઓનું કેન્દ્રસ્થાન છે. સંકલ્પ-વિકલ્પ કરવા તેનું મુખ્ય કાર્ય છે. જ્યારે સારાનરસાનો, ખોટા-ખરાનો, સાચા-જૂઠાનો નિર્ણય, વિવેક અને તુલના બુદ્ધિ કરતી હોય છે. બુદ્ધિની મહત્તા છે એટલે જ તો ભગવાન કૃષ્ણ કહે છે – बुद्धिर्बुद्धिमतामस्मि(૭/૧૦) સૌમાં હું બુદ્ધિ તત્ત્વ છું. આમ મન ને બુદ્ધિનાં કાર્યો અલગ અલગ છે. એટલું જ નહિ ક્યારેક તો એકબીજાંથી વિરુદ્ધ છે. દાખલા તરીકે માણસ જ્યારે બહુ લાગણીવશ થઈ જાય ત્યારે તેની વિવેકશકિત કુંઠિત થાય છે અને માણસ જ્યારે સારાસારનો વિવેક કરવામાં મસ્ત હોય ત્યારે તેની લાગણીઓને કોઈ અવકાશ નથી હોતો.
આપણા રોજબરોજના જીવનમાં આ બંનેનો આપણે એકધારો ઉપયોગ કરતા હોઈએ છીએ. એક માણસ બીજા માણસ સાથે સંપર્ક સાધે અને તેમના આ બે સૂક્ષ્મ માર્ગોની જાત અને ભાતમાં ફેરફાર હોય તો એ બે વચ્ચે મેળ બેસતો નથી. સાચો અનુભવ મેળવવામાં માધ્યમ તરીકે આ બંને અંગો જ કાર્યરત હોય છે અને દેહ તો માત્ર એને ઢાંકનાર વસ્ત્રો જેવો છે. એક મનુષ્ય એના મિત્રને ઘેર મળવા જાય અને તે ઘરમાં નથી એવા સમાચાર મળતાં તેનો રસ ઊડી જાય છે તેમ વ્યક્તિઓના દેહો એ જાણે આવાસ માત્ર છે જેમાં સૂક્ષ્મ વ્યક્તિત્વનો મુકામ છે. આપણા તમામ સંપર્કો અને અનુભવો આ સૂક્ષ્મ વ્યક્તિત્વને જ સ્પર્શ કરતા હોય છે.
જગતમાં આજે માનવીય વ્યક્તિત્વનાં આ અગત્યનાં અંગો તરફ દુર્લક્ષ કેળવાઈ રહ્યું છે. વિચારો તથા લાગણીઓનું ઉર્ધ્વીકરણ કરવાનો માર્ગ પણ બન્ને તત્ત્વોના આધ્યાત્મીકરણથી થાય છે. જેથી માનવ સાહસિક અને આનંદિત જીવન જીવવા શક્તિમાન બને છે. માત્ર લૌકિક માર્ગમાં જ નહીં, આધ્યાત્મિક માર્ગે પણ આ બન્ને અંગો આપણી ગતિ તીવ્ર કરે છે. મન ભગવાનનાં ચરિત્રોનું મનન કરીને અને બુદ્ધિ ભગવાન સ્વરૂપ નિશ્ચય કરીને આપણી આધ્યાત્મિક સાધનાને ગતિમાન રાખે છે. મન અને બુદ્ધિને ભગવાનના માર્ગે વાળવાની સાધનાને આપણાં શાસ્ત્રોએ સ્પષ્ટ કરી છે.
એ વિકસાવવાની જરૂર એટલા માટે છે કે તેથી માનવી મુક્ત અને પૂર્ણ જીવન જીવવા યોગ્ય બને; પણ જો એના તરફ બેદરકારી બતાવાય તો તેના વ્યક્તિત્વની કક્ષા નીચે જાય છે. આ પરિસ્થિતિમાંથી અનેક આપત્તિઓ જન્મે છે અને પોતા માટે તેમ જ સમગ્ર સમાજ માટે તેમાંથી અવ્યવસ્થા ફેલાય છે એટલા માટે મન અને બુદ્ધિને વશ કરવાં આવશ્યક છે. ભગવાન સ્વામિનારાયણે સારંગપુર પ્રકરણના ત્રીજા વચનામૃતમાં આ વાત પર ભાર મૂક્યો છે. તેનો આશય છે કે શ્રવણ, મનન અને નિદિધ્યાસનથી મન-બુદ્ધિને વશ કરવા. પરિણામે ભગવાનનો સાક્ષાત્કાર સુલભ થાય છે. વળી ગઢડા અંત્ય છઠ્ઠા વચનામૃતમાં મન અને બુદ્ધિની મિત્રતાની પણ વાત કરી છે. આપણે પણ મનબુદ્ધિને ભગવાનના માર્ગે વાળી કલ્યાણ તરફ ગતિ કરીએ.