યુદ્ધના અને માનવતાના બધા જ નિયમોને નેવે મૂકીને ઈઝરાયેલે આખરે ગાઝા પટ્ટીના રફાહ શહેર ઉપર હુમલો શરૂ કરી દીધો છે. આ હુમલામાં ઓછામાં ઓછા નિર્દોષ ૪૫ પેલેસ્ટાઈની નાગરિકોનાં મોત થયાં હતાં અને અનેક લોકો ઘાયલ થયાં હતાં. આ હત્યાકાંડને કારણે સમગ્ર વિશ્વમાં ઈઝરાયલ સામે ગુસ્સો જોવા મળી રહ્યો છે. આઘાતમાં પડી ગયેલાં વિશ્વનાં કરોડો લોકોએ સોશ્યલ મિડિયા પર All Eyes On Rafah નો નારો બુલંદ બનાવ્યો હતો.
આ ઝુંબેશ દ્વારા ગાઝામાં રહેતાં પેલેસ્ટિનિયનોના સમર્થનમાં કરોડો સામાન્ય લોકોથી લઈને પ્રખ્યાત હસ્તીઓ સુધી દરેક લોકો સામે આવ્યાં છે. તમામ સોશ્યલ મીડિયા – X, Instagram અને TikTok – પ્લેટફોર્મ પર ‘‘ઓલ આઈઝ ઓન રફાહ’’નો નારો ટ્રેન્ડ થઈ રહ્યો છે, જેને ૨૪ કલાકથી ઓછા સમયમાં Instagram પર ઓછામાં ઓછા ૨.૯ કરોડ લોકોએ શેર કર્યો છે. ઇન્સ્ટાગ્રામ પર આ સૂત્ર અને તેની સાથેની તસવીર ખાસ કરીને યુરોપ, ઑસ્ટ્રેલિયા અને ભારત સહિત સમગ્ર વિશ્વમાં રફાહમાં ચાલી રહેલા યુદ્ધના વિરોધના આહ્વાન તરીકે જોર પકડી રહી છે.
રફાહ પર આ હુમલો ત્યારે થયો છે જ્યારે ૨૪ મેના રોજ ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ (ICJ) એ ઇઝરાયલને રફાહમાં તેની સૈન્ય કાર્યવાહી બંધ કરવાનો આદેશ આપ્યો હતો. એક અંદાજ મુજબ રફાહમાં લગભગ ૧૦ લાખ પેલેસ્ટિનિયનો આશરો લઈ રહ્યાં છે. ICJએ કહ્યું હતું કે ઇજિપ્ત સાથેની સરહદો માનવતાવાદી સહાય માટે ખોલવી જોઇએ. એવું પણ કહેવામાં આવ્યું હતું કે ઈઝરાયેલે એક મહિનામાં રિપોર્ટ સોંપવો જોઈએ કે તેણે આજના નિર્ણય પર શું પગલાં લીધાં છે. ઈઝરાયેલના વડા પ્રધાન નેતન્યાહુએ પણ રફાહ પરના હુમલાને દુ:ખદ ઘટના ગણાવીને કહ્યું હતું કે ઈઝરાયેલે ભૂલ કરી છે. તેમણે કહ્યું કે ઇઝરાયેલ નાગરિકોને નુકસાન ન પહોંચાડવાનો પ્રયાસ કરે છે. આ ઘટનાની તપાસ ચાલી રહી છે; પરંતુ અફસોસ વ્યક્ત કરવાની સાથે ઈઝરાયેલ સૈન્ય કાર્યવાહી પણ ચાલુ રાખી રહ્યું છે. ઈઝરાયેલની ટેન્કોએ રફાહની મધ્યના અલ અવદા પર કબજો કરી લીધો છે. ઈઝરાયેલના આક્રમણ સામે સોશ્યલ મિડિયામાં રોષ વ્યાપી ગયો છે.
દુનિયાની નજર રફાહ શહેર પર ઈઝરાયેલના હુમલા પર ટકેલી છે ત્યારે બોલિવુડ સ્ટાર્સ પણ આ દર્દનાક ઘટના પર ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. આલિયા ભટ્ટ, વરુણ ધવન અને કરીના કપૂરે રફાહ શહેર અંગે ચિંતા વ્યક્ત કરી છે અને પેલેસ્ટાઈનને સમર્થન જાહેર કર્યું છે. આલિયા ભટ્ટે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં લખ્યું છે કે દરેક બાળક પ્રેમને પાત્ર છે. દરેક બાળકને સુરક્ષાની જરૂર હોય છે. દરેક બાળકને શાંતિનો અધિકાર છે. વિશ્વની દરેક માતાને તેનાં બાળકોને સુવિધાઓ આપવાનો અધિકાર છે.
આલિયાની પોસ્ટના કેપ્શનમાં લખ્યું છે કે દરેકનું ધ્યાન રફાહ પર છે. કરીના કપૂરે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર યુનિસેફની પોસ્ટ ફરીથી શેર કરી છે, જેમાં તેણે રફાહમાં બાળકો અને તેમનાં પરિવારોની હત્યાની સખત નિંદા કરી છે. વરુણ ધવને પણ એક પોસ્ટ દ્વારા પેલેસ્ટાઈનનું સમર્થન કર્યું હતું અને રફાહ હુમલા પર ચિંતા વ્યક્ત કરી હતી. માધુરી દીક્ષિત, તૃપ્તિ ડિમરી, ફાતિમા સના શેખ, સામંથા રુથ પ્રભુ, દિયા મિર્ઝા અને સ્વરા ભાસ્કરે પણ રફાહમાં થયેલી દુ:ખદ ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો અને ઈઝરાયેલનો જોરદાર વિરોધ કર્યો હતો.
જો તમે છેલ્લા ૨૪ કલાકમાં ઇન્સ્ટાગ્રામ પર સ્ક્રોલ કર્યું હશે તો લગભગ ૧૦૦ ટકા સંભાવના છે કે તમે કોઈ વ્યક્તિની છબી જોઈ હોય, જેમાં લખ્યું છે કે ઓલ આઇઝ ઓન રફાહ. છબીમાં નિરાશ્રિત છાવણી દર્શાવી તેના પર ઓલ આઇઝ ઓન રફાહ સૂત્ર લખવામાં આવ્યું છે. ફોર્બ્સના એક અહેવાલમાં જણાવાયું છે કે આ સૂત્ર રિક પીપરકોર્ન દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીમાંથી ઉદ્દભવ્યું છે, જે વિશ્વ આરોગ્ય સંસ્થાના ઓક્યુપાઇડ પેલેસ્ટિનિયન કાર્યાલયના ડિરેક્ટર છે. ઈઝરાયેલના વડા પ્રધાન નેતન્યાહુએ આતંકવાદી જૂથ હમાસના બાકીના ગઢોને નાબૂદ કરવા માટે તેના હુમલા પહેલાં રફાહ શહેરને ખાલી કરાવવાની યોજનાનો આદેશ આપ્યા પછી તેમણે કહ્યું હતું કે બધી નજર રફાહ પર છે. હવે વાયરલ થઈ રહી છે તે શરણાર્થી છાવણીની તસવીર આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ દ્વારા બનાવવામાં આવી હોવાનું જણાય છે.
ઓક્સફામ, સેવ ધ ચિલ્ડ્રન અને અન્ય માનવ અધિકાર જૂથોએ આ સૂત્રનો ઉપયોગ કર્યો છે. આ સૂત્ર વિશ્વભરનાં કરોડો લોકોને અપીલ કરે છે કે રફાહ શહેરમાં જે થઈ રહ્યું છે તેની અવગણના ન કરે, કારણ કે ઇઝરાયલે મોટી નાગરિક વસ્તી પર તેનું આક્રમણ ચાલુ રાખ્યું છે. ભારતીય ક્રિકેટર રોહિત શર્મા વર્લ્ડ કપ રમવા માટે અમેરિકામાં ટ્રેનિંગ લઈ રહ્યો છે, પરંતુ તેની પત્ની રિતિકા સોશ્યલ મિડિયા પર જોરદાર ટ્રોલ થઈ રહી છે. ઈન્સ્ટાગ્રામ પર તેણે ઓલ આઈઝ ઓન રફાહના સમર્થનમાં પોસ્ટ કરી છે. આ પોસ્ટ સાર્વજનિક થતાં જ લોકોએ તેની ટીકા કરવાનું શરૂ કરી દીધું હતું. લોકો તેની સ્ટોરીના સ્ક્રીનશોટ લઈને X પર પોસ્ટ કરીને ટોણાં મારી રહ્યાં છે.
ઘણી મોટી હસ્તીઓએ સોશ્યલ મિડિયા પર ગાઝાના સમર્થનમાં પોસ્ટ શેર કરી છે. તેમાં બ્રિટિશ સિંગર લેઈ એન, બ્રિટિશ મોડલ એમી જેક્સન, ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ટ્રેવિસ હેડ, પાકિસ્તાની અભિનેત્રી માહિરા ખાન, મોડલ બેલા હદીદ, યુનિસેફની એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર કેથરીન રસેલ, અમેરિકન્સ ફોર જસ્ટિસ ઈન પેલેસ્ટાઈન એક્શન સહિત અનેક નામો સામેલ છે. ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માની પત્ની રિતિકા સજદેહને આ અંગે ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો હતો.
લોકોએ તેને દેશદ્રોહી ગણાવી અને તેના પતિ રોહિત પર પણ કમેન્ટ કરી હતી. ટ્રોલિંગ વધ્યા બાદ રિતિકાએ પોસ્ટ ડિલીટ કરી દીધી હતી. અન્ય સેલિબ્રિટીઓ પણ સોશ્યલ મિડિયા પર પોસ્ટ શેર કરવા બદલ ટ્રોલિંગનો શિકાર બની છે. ગાઝાની શરણાર્થી શિબિરો પર હુમલાને લઈને ઈસ્લામિક દેશોથી લઈને પશ્ચિમી દેશોમાં ભારે હોબાળો જોવા મળી રહ્યો છે. હજારો પેલેસ્ટિનિયનો ફ્રાન્સની રાજધાની પેરિસની સડકો પર ઊતરી આવ્યાં હતાં. લોકોએ ઈઝરાયેલ પર ગાઝામાં નરસંહારનો આરોપ લગાવ્યો છે. તેમણે ફ્રાન્સની સરકારને ગાઝામાં યુદ્ધવિરામ માટે ઇઝરાયલ સામે કડક કાર્યવાહી કરવા દબાણ લાવવાની અપીલ કરી હતી.
ગાઝાના એક પત્રકારનું નિવેદન સોશ્યલ મિડિયા પર વાયરલ થઈ રહ્યું છે, જેમાં તે કહી રહ્યો છે કે તેણે કેવી રીતે એક બાળકને રફાહમાં તંબુમાં તેની માતાને બચાવવા જતાં જોયો. બાળક ખૂબ બહાદુર હતો અને તેની માતા માટે અંદર ગયો હતો. આગ બુઝાવવામાં આવી અને તેમની શોધખોળ કરવામાં આવી ત્યારે બાળક અને તેની માતા એકબીજાને ભેટી પડતાં બળી ગયેલાં મળી આવ્યાં હતાં. તા. ૬ મેના રોજ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા એક રિપોર્ટ પ્રકાશિત કરવામાં આવ્યો હતો, જેમાં લખવામાં આવ્યું હતું કે ગાઝામાં ૩૪,૭૩૫ અને ઈઝરાયેલમાં ૧૧૨૦ લોકોનાં મોત થયાં હતાં, પરંતુ બે દિવસ પછી આ આંકડો વધારીને ૩૪,૮૪૪ કરવામાં આવ્યો હતો. વાસ્તવિક આંકડો આના કરતાં ઘણો વધારે હોઈ શકે છે, કારણ કે ૧૦ હજારથી વધુ લોકો લાપત્તા થયાં છે.
કેનેડાના વિદેશ પ્રધાન મેલાની જોલીએ એક સોશ્યલ મિડિયા પોસ્ટમાં યુદ્ધવિરામની હાકલ કરતાં કહ્યું કે કેનેડા રફાહમાં વિસ્થાપિત પેલેસ્ટિનિયનો માટેના કેમ્પ પર ઇઝરાયેલના હવાઈ હુમલાને કારણે થયેલાં નાગરિકોનાં મૃત્યુથી ચિંતિત છે. જોલીએ હાઉસ ઓફ કોમન્સમાં એક અલગ નિવેદનમાં જણાવ્યું હતું કે રફાહથી આવતી તસવીરો ભયાનક અને હૃદયદ્રાવક છે. નિર્દોષ નાગરિકોની હત્યા સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે. તેથી જ અમને તાત્કાલિક યુદ્ધવિરામની જરૂર છે. ઈઝરાયેલ ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ (ICC)ને લઈને ચિંતિત છે. તેને ડર છે કે ICC યુદ્ધના આરોપો પર ઇઝરાયલના સરકારી અધિકારીઓ માટે ધરપકડનું વોરંટ જારી કરી
શકે છે. – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે