SURAT

પહેલાં અમને મારજો પછી અમારા મકાનની ઈંટ તોડજોઃ કતારગામના રહીશોનો આક્રંદ

સુરતઃ શહેરના કતારગામ ઝોનમાં 70થી વધુ સોસાયટીના અનેક મકાનોના લાખો લોકો પર ડિમોલિશનની તલવાર તોળાઈ રહી છે. રાતોરાત અહીંના રહીશોના મકાનો પર પાલિકા દ્વારા રિઝર્વેશન લાદવામાં આવી છે. તેના લીધે અહીં રહેતા લાખો લોકો બેઘર થઈ જાય તેવી નોબત આવી છે. આ લોકોનો આત્મા કકળી રહ્યો છે.

  • અમારા બાપની જગ્યા છે કહી મકાન તોડી પાડ્યું, કતારગામના રહીશો સાથે ગુનેગારો જેવું વર્તન કેમ?
  • 25 વર્ષથી રહેતાં લોકોના પાકા મકાનો પર પાલિકાએ એક રાતે અચાનક રિઝર્વેશન મુકી દીધું
  • કતારગામ-ડભોલીની 70થી વધુ સોસાયટીના હજારો મકાનો પર લટકતી ડિમોલિશનની તલવાર
  • અસરગ્રસ્તો કહે છે, હજુ લોનના હપ્તા પુરા થયા નથી ત્યાં મકાન તોડી પાડશે તો ક્યાં જઈશું?

સ્થાનિક અસરગ્રસ્તો કહે છે કે, અમે રાત દિવસ મહેનત કરી પાઈ પાઈ બચાવીને મકાન બાંધ્યા છે. હવે પાલિકા કહે છે કે મકાન તોડી પાડવા પડશે, તે રિઝર્વેશનની જગ્યા પર છે. તો આ રિઝર્વેશન કેવી રીતે આવ્યું?, કોઈનું 15 તો કોઈનું 25 વર્ષ જૂનું પાક્કું મકાન છે. મોટા ભાગના મકાનોના દસ્તાવેજ સહિત બધા કાગળિયા છે. વેરો ભરે છે. ત્યારે રાતોરાત રિઝર્વેશન કેવી રીતે આવી ગયું, કોઈ કૌભાંડની ગંધ આવી રહી છે.

સ્થાનિક મહિલાઓ કહે છે કે અમે નાના મોટા કામ કરીએ છીએ. કોઈએ ઘરેણાં વેચી તો કોઈએ મોટી લોન લઈ મકાનો બાંધ્યા છે. પાલિકાના અધિકારીઓએ છ મહિના પહેલાં આવી શનિ-રવિની રજામાં કેટલાંક મકાન તોડી પાડ્યા હતા. અમને અધિકારીઓ કહે અમારા બાપની જગ્યા છે. આવી તોછડી ભાષાનો ઉપયોગ કરે છે. રડીએ છતાં સાંભળતા નથી.

આંદોલનના આગેવાનો કહે છે કે, અમે ઝોનમાં બધા કાગળીયા તપાસી બાદમાં પ્લોટ લઈ મકાન બાંધ્યા હતા. પાલિકાએ રિઝર્વેશનના ખાલી પ્લોટ બિલ્ડરોને વેચી માર્યા અને હવે અમારા મકાનો પચાવી પાડવા કારસો રચ્યો છે, પરંતુ અમે નમતું નહીં મુકીએ. છેક સુધી લડીશું. પાલિકાએ અમારા મકાનોની ઈંટો તોડવા પહેલાં અમને મારવા પડશે. અમે આત્મવિલોપન કરી લઈશું. આગામી ચૂંટણીમાં સરકારને પરચો દેખાડી દેવાની પણ તૈયારી અસરગ્રસ્ત પરિવારોએ કરી લીધી છે.

શું છે મામલો?
સુરતના કતારગામ વિસ્તારમાં ટાઉન પ્લાનિંગ (TP) સ્કીમ નંબર 49, 50 અને 51 હેઠળ મુકવામાં આવેલા અન્યાયી રિઝર્વેશન સામે તીવ્ર જનઆંદોલન ઊભું થયું છે. છેલ્લા 25-30 વર્ષથી અહીં સ્થાયી થયેલા હજારો પરિવારોને ડિમોલિશનની નોટિસ મળતા તેમના ઘરો અને આશિયાના પર ખતરો મંડરાયો છે. આ સ્કીમોમાં રહેણાંક મકાનો, સોસાયટીની વાડીઓ, ખુલ્લા પ્લોટ અને કેટલાક કારખાનાઓ પર રિઝર્વેશન લાદવામાં આવ્યું છે, જેનાથી આશરે 70થી વધુ સોસાયટીઓ અને લગભગ 1 લાખ લોકો સીધી અસરગ્રસ્ત થયા છે.

Most Popular

To Top