કુપોષિત બાળકો અને મહિલાઓની મોટી સંખ્યા ધરાવતા દેશોમાં દૂધનું મહત્ત્વ સમજાવવા અને આહારમાં દૂધને સામેલ કરવાની જાગૃતિ લાવવાના હેતુસર UNO દ્વારા વર્ષ 2001થી 1 જૂનના દિવસને વર્લ્ડ મિલ્ક ડે તરીકે ઉજવવામાં આવે છે. ગુજરાતમાં ભગવાન કૃષ્ણના જન્મદિવસથી અત્યાર સુધી દૂધનો મહિમા જળવાયો છે. સુરતમાં સહકારિતાના ધોરણે ડેરી ઉદ્યોગ બ્રિટિશ રાજથી ચાલતો આવ્યો છે. પાલ ડેરી, ચોર્યાસી ડેરી અને સુમુલ ડેરી સહકારિતાના ધોરણે ચાલતી ડેરી ગણાય છે. સુરતની સૌથી જૂની ડેરી હાલમાં ચોર્યાસી ડેરી ગણવામાં આવે છે. 1939માં ચોર્યાસી ડેરીનો પ્રારંભ થયો હતો જયારે 1951માં મોરારજી દેસાઇના હસ્તે સુમુલ ડેરી શરૂ કરવામાં આવી હતી. સુરતની આ ડેરીઓમાં વર્ષના ચોક્કસ દિવસો અને તહેવારોમાં દૂધનું સર્વાધિક વેચાણ થાય છે અને ચોક્કસ વર્ગ તેનો ખરીદદાર વર્ગ છે.
મહાશિવરાત્રી, હોળી, રાંધણછઠ, રમઝાન ઇદ અને જન્માષ્ટમીના દિવસે દૂધનું વેચાણ વધુ થાય છે: માનસિંહ પટેલ
સુમુલ ડેરીના ચેરમેન માનસિંહ પટેલ કહે છે કે સુમુલ ડેરી વર્ષ દરમિયાન સર્વાધિક દૂધનું વેચાણ મહાશિવરાત્રી, હોળી, રાંધણ છઠ, શ્રાવણ માસ, રમઝાન ઇદ અને જન્માષ્ટમીના પર્વ નિમિત્તે કરે છે. મહાશિવરાત્રીના પર્વ નિિમત્તે 15 લાખ લિટર, હોળીમાં 13 લાખ લિટર, રાંધણ છઠમાં 12.45 લાખ લિટર, રમઝાન ઇદમાં 12.76 લાખ લિટર, જન્માષ્ટમીમાં 11.30 લાખ લિટર અને શ્રાવણ માસમાં પ્રત્યેક દિવસે સામાન્ય દિવસો કરતાં 60 હજાર લિટર વધુ દૂધનું વેચાણ કરે છે. સુમુલ ડેરીનું ઇન્સ્ટીટયુશન વેચાણ ઓછું છે. મોટા ભાગે ડેરી તેના 3300 આઉટલેટથી 14 લાખ ગ્રાહકો સુધી દૂધનો પુરવઠો પૂરો પાડે છે. સુમુલ ડેરીના સર્વે પ્રમાણે સુરતમાં દૂધ વપરાશકર્તાની ચારથી પાંચ સભ્યોની ફેમિલી સાઇઝ છે. શહેરમાં 40% હોમ ડિલીવરી દૂધનું વિતરણ થાય છે. 5 લાખ ઘરો સુધી આ દૂધ પહોંચાડવામાં આવે છે.
પ્રતિ વ્યકિત દીઠ સુરતનો દૈનિક દૂધ વપરાશ 182 ML છે
સુમુલ ડેરીના માર્કેટીંગ મેનેજર મનીષ ભટ્ટ કહે છે કે ડેરીના રીસર્ચ પ્રમાણે પ્રતિ વ્યકિત દીઠ સુરતનો દૈનિક દૂધ વપરાશ 182 ML છે. જો તેમાં ઘી, બટર, ચીઝ, પનીર કે અન્ય ડેરી પ્રોડકટ ઉમેરાય તો 210 ML પ્રતિ વ્યકિત દીઠ વપરાશ છે. જે વૈશ્વિક સ્તરે દૂધ વપરાશમાં ખૂબ નીચા ક્રમે આવે છે. દૈનિક દૂધ વપરાશ પાડોશી દેશ બાંગ્લાદેશ, પાકિસ્તાન અને શ્રીલંકામાં પ્રતિ વ્યકિત દીઠ 280 ML છે જયારે વિશ્વના પ્રગતિશીલ શહેરોમાં 600 ML કરતાં વધુ છે.
શ્રાવણના ચાર સોમવાર, રમઝાન ઇદ અને શ્રાધ્ધ પક્ષમાં સર્વાધિક દૂધનું વેચાણ થાય છે: નરેશ પટેલ
ચોર્યાસી ડેરીના પ્રમુખ નરેશ પટેલ (ભેંસાણ) કહે છે કે બીજી ડેરીઓ કરતાં ચોર્યાસી ડેરીનું દૂધ ચોક્કસ તહેવારોમાં વધુ વેચાય છે. ખાસ કરીને શ્રાવણના ચાર સોમવાર, રમઝાન ઇદ અને શ્રાધ્ધ પક્ષમાં સર્વાધિક દૂધનું વેચાણ થાય છે. અમારા મુખ્ય ગ્રાહકોમાં શીખંડ બનાવનાર વેપારીઓ, નાની પ્રાઇવેટ ડેરીઓ મુખ્ય છે. અમે બલ્કમાં દૂધનું વેચાણ કરતા નથી. એક મોટો બાયર વર્ગ જૈન સમાજ છે જે ચોર્યાસી ડેરીનું દૂધ અને ઘી વપરાશમાં લે છે. જૈન સમાજને ચીલીંગ પ્રોસસ વિનાના દૂધનો સપ્લાય કરવામાં ચોર્યાસી ડેરીની મોનોપોલી છે, એવી જ રીતે દાદા ભગવાન સંપ્રદાયના મંદિરના સંચાલકો પણ ચોર્યાસી ડેરીનું જ દૂધ ખરીદતા હોય છે.
સુરતીઓ અને દૂધ વિષે જાણવા જેવી વાતો
સુમુલ ડેરીના માર્કેટીંગ મેનેજર અને ડેરી ઉદ્યોગ પર Ph.D. કરનાર ડૉ. મનીષ ભટ્ટ કહે છે કે દૂધ સૂર્યોદય પહેલાં લેવાથી દૂધમાં બેકટેરિયાનું પ્રમાણ વધતું નથી. સૂર્યોદય પહેલાં દૂધને ફ્રીઝમાં મૂકી દેવાથી તેમાં બેકટેરિયા લોડ વધતો નથી અને આ દૂધ વધુ આરોગ્યપ્રદ હોય છે. ઘણી વાર બહેનો ઘરમાં દૂધ બેત્રણ કલાક બહાર રાખી મૂકે છે તેનાથી બેકટેરિયાનું પ્રમાણ વધે છે. ગમે તેટલું ચીલ્ડ કરવા છતાં આ દૂધમાંથી બેકટેરિયા ઓછા થતા નથી.
- સુરત સહિતના મહાનગરોમાં મહિલાઓ બાહ્ય દેખાવ આકર્ષક રાખવા માટે બદામનું દૂધ, સોયા મિલ્ક અને કોકોનટ મિલ્કનો ઉપયોગ કરે છે. હકીકતમાં ગાય અને ભેંસ તથા આંચળવાળા પશુઓમાંથી નીકળતા દૂધને જ દૂધ માનવામાં આવે છે જયારે બદામ, સોયા અને કોકોનટમાંથી જે નીકળે છે તેને વનસ્પતિ જયુસની વ્યાખ્યામાં મૂકી શકાય.
- કોઇ પણ દૂધમાં કેલ્શિયમ, લેકટોઝ, એમિનો એસિડ, ક્ષાર મુખ્ય ઘટક હોય છે. વિગન મિલ્કમાં લેકટોઝ હોતો નથી જે શરીરના ઉપયોગી બેકટેરિયાનો ખોરાક છે. કેલ્શિયમનું પ્રમાણ વેગન મિલ્કમાં હોય છે જે મનુષ્યના શરીરમાં યોગ્ય પ્રમાણમાં સિન્થેસિસ થતું નથી એટલે કે પચતું નથી. સરગવાનાં પાન અને તલમાં દૂધ કરતાં કેલ્શિયમ વધુ છે પરંતુ શરીરમાં તેનો એબ્સોર્શન રેટ 22 થી 25% ટકા છે જયારે ગાયના દૂધમાં 32 થી 35 % હોય છે.
- WHOના સ્ટાન્ડર્ડ પ્રમાણે દૈનિક 240 MLથી ઓછું દૂધ પીનારા કુપોષણનો શિકાર થાય છે. 3 થી 13 વર્ષના બાળકને 750 ML, 14 થી 19 વર્ષના કિશોરને 625 ML અને 19 થી વધુ વયની વ્યકિતએ પ્રતિ દિન 500 ML દૂધ લેવું જોઇએ.