સુરત: 4 જૂને કેન્દ્રમાં નવી સરકાર બને એ પેહલા સુરત હજીરા NH -6 ટોલ વે પ્રા.લિ. દ્વારા બારડોલી – સુરત – હજીરા એરિયાને જોડતા માંડળ અને અને પલસાણા સુરતને જોડતા ભાટિયા ટોલ પ્લાઝા પર ટોલ ટેકસમા ધરખમ વધારો જાહેર કર્યો છે.
- સુરતના ભાટિયા અને માંડળ ટોલ પ્લાઝા પર આજથી ટોલ ટેકસમાં વધારો લાગુ
- સિંગલ સાઇડના 135 અને રિટર્નનો 205 ટેકસ
- વાહન ચાલકોએ 15 થી 45 રૂપિયા વધુ ચૂકવવા પડશે
- 20 કિ.મી.માં રહેતા લોકોએ 340 નો માસિક પાસ લેવો પડશે
સુરતનાં નેતાઓનું કેન્દ્ર સરકારમાં કઈ ઉપજતું ન હોય એવી સ્થિતિ ટોલ પ્લાઝાનાં સંચાલકોએ ઊભી કરી છે. અગાઉ 2019 અને 2022 નાં સ્થાનિકોના આંદોલન વખતે આપવામાં આવેલી તમામ ખાતરીઓ સંચાલકોએ ફગાવી દીધી છે. સ્થાનિક GJ 5 તેમજ GJ 19 પાસિંગના વાહનોને કોઈ ટેકસ મુક્તિ નહીં મળે, 20 કિ.મી.વિસ્તારમાં રહેતા લોકોએ 340 નો માસિક પાસ લેવો પડશે. એ પાસનો લાભ પણ બિન વ્યવસાયિક વાહનોને જ મળશે. ધંધાના હેતુ માટે વાહનનો ઉપયોગ થતો હશે તો પુરેપૂરો ટેકસ ચૂકવવો પડશે.
કયા વાહન માટે કેટલો ટેક્સ?
ભાટિયા ટોલ પ્લાઝાનાં સંચાલકોએ કાર, જીપ, વેન જેવા લાઈટ મોટર વેહિકલ માટે એક તરફી જવાનો ટેકસ વધારી 135 અને રિટર્નનો ટેકસ 205 કરી દિધો છે એટલે કે સીધો 15 થી 45 રૂપિયાનો વધારો કરી દીધો છે. ધંધાદારી વાહનો માટે માસિક પાસની કિંમત પણ વધારી 4505 રૂપિયા કરી દેવામાં આવી છે. હલકા વાણિજય અને માલ વાહન અથવા મીની બસ માટે જવાનો ટેકસ 215 અને રિટર્ન 320 રૂપિયા જાહેર કર્યો છે. માસિક પાસનો ભાવ 7,100 કરી દેવાયો છે.
ડબલ એક્સેલ બસ અને ટ્રક માટે એક તરફી જવાનો ભાવ 440 રૂપિયા, રિટર્નનો ભાવ 660 અને પાસનો ભાવ 14,660 જાહેર કર્યો છે. ભારે બાંધકામની સામગ્રી, માટી કાઢતા, લઈ જતા વાહનો અને મલ્ટી એક્સેલ વ્હિકલ માટે જવા માટે 680, રિટર્ન માટે 1020 અને માસિક પાસની કિંમત 22,645 કરી દેવાઈ છે. 7 કે તેથી વધુ એક્સેલનાં વાહનો માટે એક તરફી 850 રૂપિયા , રિટર્ન 1280 અને માસિક પાસના દર 28,470 રૂપિયા રાખવામાં આવ્યા છે.
માંડળ ટોલ પ્લાઝા પર પણ ટેક્સ વધ્યો
જ્યારે માંડળ ટોલ પ્લાઝાનાં સંચાલકોએ કાર,જીપ, વેન જેવા લાઈટ મોટર વેહિકલ માટે એક તરફી જવાનો ટેકસ વધારી 175 અને રિટર્નનો ટેકસ 260 કરી દીધો છે, એટલે કે સીધો 45 રૂપિયાનો વધારો કરી દેવામાં આવ્યો છે. ધંધાદારી વાહનો માટે માસિક પાસની કિંમત પણ વધારી 5,780 રૂપિયા કરી દેવામાં આવી છે.
હલકા વાણિજય અને માલ વાહન અથવા મીની બસ માટે જવાનો ટેકસ 270 અને રિટર્ન 405 રૂપિયા જાહેર કર્યો છે. માસિક પાસનો ભાવ 5,780 કરી દેવાયો છે. ડબલે એક્સેલ બસ અને ટ્રક માટે એક તરફી જવાનો ભાવ 550 રૂપિયા, રિટર્નનો ભાવ 825 અને પાસનો ભાવ 18,330 જાહેર કર્યો છે.
ભારે બાંધકામની સામગ્રી, માટી કાઢતા લઈ જતા વાહનો અને મલ્ટી એક્સેલ વેહિકલ માટે જવા માટે 840, રિટર્ન માટે 1260 અને માસિક પાસની કિંમત 28,015 કરી દેવાઈ છે. 7 કે એથી વધુ એક્સેલનાં વાહનો માટે એક તરફી 1075 રૂપિયા ,રિટર્ન 1615 અને માસિક પાસના દર 35,865 રૂપિયા રાખવામાં આવ્યા છે.
ટોલનાકાના સંઘર્ષ સમિતિ હાઇવે ઓથોરિટી પાસે ભાવ વધારો જાણ્યા પછી નક્કી કરશે: દર્શન નાયક
ટોલનાકા સંઘર્ષ સમિતિના દર્શન નાયકે જણાવ્યું છે કે, સરકારે 2019 અને 2022 નાં આંદોલન સમયે જે ખાતરી આપી હતી એનું ઉલ્લંઘન કરી સુરત અને તાપી જિલ્લાની જનતાની પીઠમાં ભાવ વધારાની ખંજર માર્યું છે. આ વખતે લોકો,વ્યવસાયીઓ અને ઉદ્યોગકારો સ્વયંભૂ આંદોલન છેડવાની તૈયારી રાખવી પડશે.
ટોલનાકાના સંઘર્ષ સમિતિ હાઇવે ઓથોરિટી પાસે ભાવ વધારાની સંપૂર્ણ વિગત જાણ્યા પછી આગળની રણનિતી નક્કી કરશે.બંને ટોલનાકાના પર GJ 05 અને GJ 19 નાં વાહનો પાસે ટેકસ વસૂલવામાં આવશે તો હાઇવે જામનો કાર્યક્રમ આપીશું. અગાઉ લાંબી લડત પછી GJ 5 તેમજ GJ 19 પાસિંગના વાહનો જો ફાસ્ટેગથી પેમેન્ટ કરશે તો 50%ની છૂટ આપવાની જાહેરાત થઈ હતી. એ બંધ કરી દેવામાં આવી છે.
ભાટિયા ટોલ નાકા કાર ચાલકોએ જવાના 15 અને રિટર્નના 25 વધુ ચૂકવવા પડશે
સુરતના નેશનલ હાઈવે નંબર 48 પર આવેલા ચોર્યાસી ટોલ પ્લાઝા પર કર ચાલકો પાસે હવે 120 નાં 135 રૂપિયા એક તરફી જવાના વધુ વસુલવમાં આવશે.રિટર્ન થતાં કાર ચાલકોએ 205 રૂપિયા એક જ ટોલ પર આપવા પડશે. નવાઈની વાત એ છે કે, ભાટિયા ટોલ નાકાની આગળ સચિન બ્રિજ પેહલાથી આભવા સુધી બે થી ત્રણ કિલોમીટર લાંબી લાઈનો લાગે છે.ટોલ નાકાની બંને તરફ સર્વિસ રોડનાં પણ ઠેકાણા નથી.