80ના દાયકામાં જન્મેલાઓ માટે મિખાઇલ ગોર્બાચેવ એક એવા રશિયન નેતા હતા જેમના માથા પર જાણે કોઇ બીજા દેશના નકશાના આકારનું નિશાન હતું. સોવિયેટ યુનિયનના આખરી નેતાનું ગયા અઠવાડિયે 31મી ઑગસ્ટના રોજ 91 વર્ષની વયે મોત થયું. ગોર્બાચેવ એવા રશિયન રાજકીય નેતા હતા જેમણે વીસમી સદીમાં સામ્રાજ્યવાદી વલણના સામે પ્રવાહે તરવાનું નક્કી કર્યું. મિખાઇલ ગોર્બાચેવ સત્તા પર આવ્યા તે પહેલાં સોવિયેટ યુનિયન એક એવો સુપર પાવર હતો જે USAનો કાયમી શત્રુ હતો. મિખાઇલ ગોર્બાચેવે લીધેલા નિર્ણયોએ ઘણું બધું બદલી નાખ્યું.
બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ગ્રેટ બ્રિટન, ફ્રાન્સ, સોવિયેટ યુનિયન, યુનાઇટેડ સ્ટેટ્સ અને ચીન બધી સાથી સત્તાઓ હતી. એ સમયે ખાસ તો USAના રોનાલ્ડ રેગન, બ્રિટનના માર્ગારેટ થેચર અને ગોર્બાચેવ વૈશ્વિક રાજકીય નાટ્યમંચના મુખ્ય કિરદારો હતા. સામ્રાજ્યવાદનો સૂરજ તપતો હોય અને એક માણસ નક્કી કરે કે તેણે લોકશાહીને કોટે વળગાડવી છે કારણ કે તેને લોકશાહીમાં વિશ્વાસ છે અને એ દિશામાં આગળ વધવું જ યોગ્ય સમજે – આ માણસ એટલે મિખાઇલ ગોર્બાચેવ. સોવિયેટ યુનિયનને વધુ માનવીય બનાવવાની ગોર્બાચેવની ચાહ સામે ઘણાને વાંધો હતો અને આજે પણ ઘણા રશિયનો ગોર્બાચેવથી નારાજ છે.
મિખાઇલ ગોર્બાચેવે વિશ્વના રાજકીય ઇતિહાસમાં બે સૌથી મોટા કામ કર્યા – એક તો શીત યુદ્ધનો અંત આણવો અને સોવિયટ યુનિયન વિખેરવાનો નિર્ણય લીધો. જો કે ગોર્બાચેવ સોવિયેટના તંત્રને વિખેરવા નહોતા માગતા બલકે તેમાં સુધાર લાવવા માગતા હતા. તેમણે શરૂઆત કરી આર્થિક સુધારાઓ સાથે અને આ સાથે જ તેમની સાથે આજ સુધી જોડાયેલો શબ્દ અસ્તિત્વમાં આવ્યો – ગ્લાસનોસ્ટ – એટલે કે ઓપનનેસ – નિખાલસતા – વાણી સ્વાતંત્ર્ય. સરકાર અને અર્થતંત્રની કાર્યવાહીમાં પૂરેપૂરી પારદર્શિતાની અપેક્ષા સાથે ગોર્બાચેવને આશા હતી કે લોકો USSRમાં પોતાની જિંદગીને ફરી વ્યવસ્થાના પાટે ચઢાવી દેશે. આ પહેલાં તેમણે પેરેસ્ત્રોઇકા – એટલે કે પુનઃ ઘડતરનો મંત્ર આપ્યો કારણ કે USSRનું અર્થશાસ્ત્ર સાવ ખાડે ગયું હતું. ગોર્બાચેવને ખબર હતી કે USSRએ પોતાના અર્થતંત્રનું પુનઃ બંધારણ કરવું જરૂરી છે અને માટે જ તેમણે પેરેસ્ત્રોઇકાનો વિચાર મૂક્યો. આ પુનઃ બંધારણ કે પુનઃ ઘડતર માત્ર આર્થિક બાબતો સ્થિર કરવાના હેતુથી નહોતા લૉન્ચ કરાયા.
ગોર્બાચેવને ખાતરી હતી કે સામાજિક અને રાજકીય સ્તરે પણ સંજોગો બહેતર બનશે જે માઠા અર્થતંત્રથી વણસ્યા હતા. તે મરણિયા સામ્યવાદને પુનર્જિવિત કરી 15 રિપબ્લિક્સ વચ્ચે સમાન ભાગીદારી લાવવાનો ઇરાદો ધરાવતા હતા. આ 15 રિપબ્લિક્સમાં સૌથી શક્તિશાળી હતા રશિયા અને યુક્રેન પણ તેમના પ્રયાસો બાદ 6 વર્ષના ગાળામાં સામ્યવાદ અને સોવિયેટ સંઘ બન્ને પડી ભાંગ્યા. એમણે આ ફેરફારો સોવિયેટ યુનિયનને વિખેરવાના આશયથી તો શરૂ નહોતા જ કર્યા. આર્થિક સ્થિતિ સુધારવી, USA સાથે શસ્ત્રોની રેસનો અંત આણવો, યુરોપ સાથે સંબંધો બહેતર બનાવવા, અફઘાનિસ્તાનમાંથી સૈન્યનું બિન જરૂરી સાહસ પાછું ખેંચી લેવા જેવા હેતુ સાથે ગોર્બાચેવે કામ શરૂ કર્યુ. સોવિયેટ યુનિયનનો પુનઃઉદ્ધાર એક રાષ્ટ્રલક્ષી પગલું છે તેમ ગોર્બાચેવ માનતા હતા પણ આમ કરવામાં જે માથાભારે તત્ત્વો પ્રવૃત્ત થયા તે તેમને માટે કલ્પના બહાર હતા. 1917ની રશિયન ક્રાંતિએ જે સામ્યાવાદી તંત્રની ભેટ આપી હતી તે પડી ભાંગી.
7 દાયકાથી સોવિયેટ યુનિયનનો વૈશ્વિક સ્તરે ભારે દબદબો હતો. સોવિયેટ યુનિયને યુરોપમાં ફાસીવાદને હરાવવામાં, યુદ્ધ પછી યુરોપમાં સ્થિરતા લાવવામાં ફાળો આપ્યો અને સાથે વૈશ્વિક સ્તરે સામ્યવાદી ચળવળને પણ પ્રેરણા આપી. 80ના દાયકાના પૂર્વાર્ધમાં સોવિયેટ યુનિયનનું તંત્ર કથળી ગયું હતું અને ગોર્બાચેવને રાજકીય સ્તરે પ્રવૃત્ત થયા પછી આ તંત્રને સુધારવા તેમણે કવાયત કરી પણ સંઘ વિખેરાયો તેની પાછળ પણ ગોર્બાચેવ જ કારણભૂત બન્યા.
પશ્ચિમમાં ગોર્બી તરીકે ઓળખાનારા મિખાઇલ ગોર્બાચેવને નોબલ પીસ પ્રાઇઝથી નવાજવામાં આવ્યા હતા. સોવિયેટના સ્થાપક વ્લાદિમીર લેનિનના સિદ્ધાંતોને પુનઃજીવિત કરવા માગતા ગોર્બાચેવના સારા ઇરાદાઓના પાસા પોબાર ન પડ્યા. રશિયા અને બીજા 14 પૂર્વ-સંઘ સભ્ય એવા રિપબ્લિક્સ રાજકીય અસ્તવ્યસ્તતાનો ભોગ બન્યા જેમાંથી બેઠા થતા રશિયાને દાયકાનો સમય લાગ્યો. લોકશાહી રશિયાને માફક ન આવી. વ્લાદિમિર પુતિનના શાસન હેઠળ રશિયાનો રાષ્ટ્રપ્રેમ વાદમાં ફેરવાયો અને યુક્રેન સાથે જે થયું તે તો આપણે જાણીએ જ છીએ. ગોર્બાચેવની હાર આજે પશ્ચિમની જીત બની ચૂકી છે. રશિયનોને ગોર્બાચેવ પ્રત્યે ફરિયાદ જ રહી અને ફરી રાજકારણમાં પ્રવેશવાના તેમના પ્રયત્નોને કોઇ ટેકો ન મળ્યો કારણ કે સોવિયેત સંઘનું ખંડન ગોર્બાચેવનું રાજકીય મોત હતું.
બાય ધ વેઃ
સોવિયેટ યુનિયનના ભંગના 3 દાયકા પછી વર્તમાન સંજોગો પર નજર કરીએ. ગોર્બાચેવે જે પણ ધાર્યું હતું તેમાંનું કંઇ પણ પાર નથી પડ્યું. રશિયામાં લોકશાહી ક્યારે આવી અને ક્યારે ગઇ એ ખબર પણ ન પડી. યુરોપમાં ગોર્બાચેવે સ્થાપેલી શાંતિ ફેબ્રુઆરી 2020માં ભડકે બળી જ્યારે રશિયાએ યુક્રેન પર ચઢાઇ કરી. ગોર્બાચેવને યુરોપ અને USA સાથે સંબંધ સુધારવા હતા પણ આજે પુતિન માટે આ બન્ને રાષ્ટ્રો કટ્ટર દુશ્મન છે. ભારતને USSRનું ખંડન કઠ્યું હતું પણ તેને પગલે ભારતને પોતાના અર્થતંત્રને સુધારવાની ફરજ પડી, પોતાની વિદેશ નીતિનું પુનઃમૂલ્યાંકન કરવું પડ્યું અને વૈશ્વિક સ્તરે પોતાના સ્થાનને બહેતર બનાવવાની સૂઝ પડી. જો કે 90ના દાયકાથી મોસ્કોની ગણતરીમાં દિલ્હી પ્રત્યેનો વ્યૂહાત્મક અભિગમ ઘટતો રહ્યો છે. સમયાંતરે ચીન સાથેની રશિયાની મૈત્રી અને પશ્ચિમ સાથે શિંગડા ભેરવવાનો અભિગમ ભારત સાથેની કડીને નબળી બનાવશે તેવી પૂરી શક્યતાઓ છે.