SURAT : ચોમાસું ( monsoon) શરૂ થતાં જ જર્જરીત ઇમારતો ( Dilapidated buildings) તૂટી પડવાના બનાવો બનવા માંડયા છે. ત્યારે ફરી મનપાને જર્જરીત ઇમારતો અંગે કાર્યવાહી કરવાનું યાદ આવ્યું છે. જો કે માથે ચોમાસું છે ત્યારે જ આવી જર્જરીત ઇમારતો ખાલી કરવા જઇ રહેલા મનપાના ( smc ) સ્ટાફ ( staff) ને લોકોના વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લા કેટલાક વર્ષોથી વહીવટી તંત્ર માટે શિરદર્દ સાબિત થઈ રહેલા માન દરવાજા ટેનામેન્ટના ( mandarvaja tenament) જર્જરિત આવાસોમાં વસવાટ કરતાં પરિવારોને આજે મિલ્કતો ખાલી કરાવીને સ્થળાંતર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. લિંબાયત ઝોનના અધિકારીઓ સાથેનો કાફલો આજે વહેલી સવારથી જ ઉમરવાડા ખાતે આવેલ માન દરવાજા ટેનામેન્ટ પહોંચી ગયા હતા. જ્યાં બિસ્માર અને ભયજનક ઈમારતોમાં વસવાટ કરતાં પરિવારોને મકાનો ખાલી કરાવવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. પ્રારંભમાં મિલ્કતદારો દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યા બાદ બપોરથી આ કામગીરી સુપેરે હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
શહેરના રિંગરોડ પર આવેલા માન દરવાજા ટેનામેન્ટના બિસ્માર અને જર્જરિત આવાસો છેલ્લા ઘણા વર્ષોથી મહાનગર પાલિકા માટે માથાનો દુઃખાવો સાબિત થઈ રહ્યો છે. પીપીપીના ધોરણે ડેવલપમેન્ટના પ્રયાસ છતાં નિષ્ફળતા વચ્ચે આવાસોની સ્થિતિ દિવસે ને દિવસે વધુ બિસ્માર બની રહી છે ત્યારે અહિંયા વસવાટ કરતાં ૩૧૦ જેટલા પરિવારો ગમે ત્યારે ગોઝારી દુર્ઘટનાનો શિકાર બની શકે તેમ છે. આ સ્થિતિને પગલે હાલમાં જ અહિંયા વસવાટ કરી રહેલા ગરીબ અને શ્રમિક પરિવારોને સ્થળાંતર માટેની કવાયત હાથ ધરવામાં આવી હતી. આજે વહેલી સવારથી જ લિંબાયત ઝોનના અધિકારીઓ સહિતનો કાફલો માન દરવાજા ટેનામેન્ટ પહોંચી ગયો હતો.
પહેલા તો સ્થાનિકો દ્વારા મિલ્કતો ખાલી કરવા સંદર્ભે ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. અલબત્ત અધિકારીઓના ભારે પ્રયાસો બાદ મિલ્કતદારો સ્વેચ્છાએ મિલ્કતો ખાલી કરવા તૈયાર થયા હતા. આ દરમ્યાન જે મિલ્કતદારો પાસે વૈકલ્પિક આવાસની વ્યવસ્થાનો અભાવ હોય અને ખરેખર જરૂરિયાતમંદ હોય તેવા પરિવારોને મનપાના જ આવાસમાં સ્થળાંતર કરવા નકકી થયું હતું તેમજ મનપા આ વિસ્તારના કાર્યપાલક ઇજનેર કામીની બહેને દોશીએ જણાવ્યું હતું કે સ્થાનિક નગર સેવકો સાથે સંકલન થયા બાદ ફરીથી સીલીંગની કાર્યવાહી હાથ ધરાશે. ટેનામેન્ટ રી-ડેવલોપમેન્ટ પ્રોજેકટની પોલીસી રાજય સરકારે બદલી ત્યારથી એટલે કે 2019થી આ પ્રોજેકટ અટવાયેલો છે.
કતારગામના જર્જરીત આદિનાથ એપાર્ટમેન્ટને ખાલી કરાવવા ગયેલી મનપાની ટીમને ઘેરી લેવાઈ, 22 ફ્લેટ સીલ
કતારગામ વિસ્તારમાં આવેલા આદિનાથ એપાર્ટમેન્ટની ઇમારત જર્જરિત અવસ્થામાં છે. કોર્પોરેશન દ્વારા 2010થી ઈમારતમાં રહેતા લોકોને નોટિસ આપવામાં આવી રહી છે. વારંવાર નોટિસ આપવા છતાં પણ મકાન ખાલી ન કરાતા કોર્પોરેશનના અધિકારીઓ આજે મકાન ખાલી કરાવવા માટે પહોંચ્યા હતા. આદિનાથ એપાર્ટમેન્ટમાં ઘણા લોકો પોતાના મકાન માલિકો છે તો ઘણા ભાડુઆત પણ ત્યાં રહી રહ્યા છે. તેથી ભારે હોબાળો થયો હતો જો કે આખરે મનપાએ અહીના બાકી રહેલા 62 આવાસોને પણ સીલ મારી દીધું હોવાનું કતારગામ ઝોનના કાર્યપાલક ઇજનેર આર.વી.ગામીતે જણાવ્યું હતું.