નવસારી: (Navsari) નવસારીના કાંઠાના ગામો સહિત જિલ્લામાં ‘તૌકતે’ વાવાઝોડાની અસર યથાવત રહેતા સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટાઓ પડ્યા હતા. જ્યારે દરિયાકાંઠાના ગામોમાં (Village) ભારે પવનો ફુંકાતા ઉભરાટ દરિયા કાંઠાની દુકાનોના છાપરા ઉડ્યા હતા. જ્યારે 1092 લોકોના સ્થળાંતર (Migration) કરવામાં આવ્યા હતા. હવામાન વિભાગની આગાહી મુજબ 17મી અને 18મીએ ‘તૌકતે’ વાવાઝોડુ નવસારી સહિતના જિલ્લાઓમાં ત્રાટકવાની સંભાવના દર્શાવી હતી. જેના પગલે નવસારી જિલ્લા તંત્ર એલર્ટ થયું હતું. સાથે જ રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ પણ કરવામાં આવી રહ્યું છે.
એનડીઆરએફની ટુકડીઓ પણ દરિયાકાંઠે (Coastal area) તૈનાત કરવામાં આવી છે. જિલ્લા તંત્રએ દરેક તાલુકા કક્ષાએ કલાસ-1 અધિકારીઓની લાયઝન ઓફિસર તરીકે નિમણૂંક કરવામાં આવી છે. તેમજ જિલ્લા તથા તાલુકા કક્ષાએ કંટ્રોલ રૂમ શરૂ કરી તેમાં મહેસુલ તથા પંચાયતના કર્મીઓની ફાળવણી કરવામાં આવી છે.
હવામાન વિભાગે ‘તૌકતે’ વાવાઝોડા (Cyclone) સંભાવના દર્શાવ્યા બાદ ગત શનિવારથી જ તેની અસર જોવા મળી હતી. રવિવારે બપોરે વરસાદ પણ પડ્યો હતો. જોકે આજે વહેલી સવારથી જ વાવાઝોડાની અસર વર્તાઈ રહી છે. નવસારીમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ રહેતા ધીમી-ધીમે વરસાદી છાંટા પડી રહ્યા હતા. બીજી તરફ આજે વહેલી સવારથી જ ઉભરાટ દરિયામાં કરંટ જોવા મળ્યો હતો. જેના પગલે ભારે પવનો ફુંકાતા ઉભરાટ દરિયા કાંઠે આવેલી દુકાનોના પતરા ઉડી ગયા હતા. દરિયાકાંઠો સહેલાણીઓ માટે બંધ હોવાથી તેમજ દુકાનો બંધ હોવાથી કોઈ જાનહાની થઈ ન હતી. જોકે ત્યારબાદ દરિયામાં શાંતિ જણાઈ હતી.
નવસારી જિલ્લા તંત્રે જિલ્લાના 16 ગામોના 1114 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. જેઓને તેમના ગામમાં જ આવેલા 19 શેલ્ટર હોમમાં ભોજનની વ્યવસ્થા સાથે રાખવામાં આવ્યા છે. આજરોજ સામાજીક ન્યાય અને અધિકારીતા મંત્રી ઇશ્વરભાઇ પરમારે નવસારી જિલ્લાની મુલાકાત દરમિયાન માંગરોળ ખાતે સરકારી ઉચ્ચતરીય માધ્યમિક શાળા, પ્રાથમિક શાળા, માછીવાડ દીવાદાંડી તથા ઉભરાટની મુલાકાત લીધી હતી. આશ્રયસ્થાનોમાં રહેલા લોકો સાથે મંત્રી ઇશ્વરભાઇ પરમારે સંવેદનાસભર સંવાદ સાધ્યો હતો. તેઓને કોઇ મુશ્કેલી કે તકલીફ અંગે પૃચ્છા કરી હતી.
નવસારીમાં તાપમાન 4 ડિગ્રી ગગડ્યું
નવસારીમાં સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી છાંટાઓ પડતા આજે તાપમાન 4 ડિગ્રી તાપમાન ગગડ્યું હતું.
તાઉ-તે વાવાઝોડાની અસરને પગલે નવસારીમાં આજે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. જ્યારે બપોરબાદ વરસાદી માહોલ સર્જાતા વરસાદી છાંટા પડ્યા હતા. જેના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરતા તાપમાન ગગડ્યું હતું. આજે નવસારીમાં મહત્તમ તાપમાન 4.3 ડિગ્રી તાપમાન ગગડતા 34.2 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે લઘુત્તમ તાપમાન 1 ડિગ્રી ગગડતા 26 ડિગ્રી નોંધાયું હતું. આજે ઉત્તર-પૂર્વ દિશાએથી 11.9 કિ.મી.ની ઝડપે પવનો ફૂંકાયા હતા.
ગણદેવીના મેંધર, ભાટ અને ધોલાઈનાં 320થી વધુ લોકોનું સ્થળાંતર
બીલીમોરા, ધનોરીનાકા (ગણદેવી) : ‘તૌકતે’ વાવાઝોડું સોમવાર રાત્રે દરિયાઇ કાંઠે ત્રાટકવાની આગાહીને પગલે લોકોના જાન-માલનું રક્ષણ કરવા તંત્રે કામે લાગ્યું છે. ગણદેવીના મેંધર, ભાટ અને ધોલાઈનાં 320થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું હતું. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં ચક્રવાતી વાવાઝોડું ફૂંકાવાની આગાહી કરતા લોકોના જાનમાલ બચાવવા તંત્રએ આગોતરા પગલાં ભરવાના શરૂ કર્યા છે. જેમાં ગણદેવી તાલુકામાં સતર્ક કરાયેલા ગામો પૈકી દરિયાકાંઠે આવેલા ધોલાઈનાં 56 ગામનાં લોકોને સંબંધીના ઘરે સ્થળાંતર કરાયા હતા. મેંધર ગામના 10 લોકો સ્થળાંતર થયાં હતાં. ભાટ ગામના 160 પૈકી 31ને શાળાના સાયકલોન સેલ્ટરમાં અને 129ને સંબંધીનાં ઘરે સ્થળાંતર કરાવાયું હતું. આમ ત્રણ ગામોમાંથી 320થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું છે. તમામ ગામોમાં લાઇઝન અધિકારી, તલાટીઓ, સરપંચો, મામલતદાર નજર રાખી રહ્યાં છે અને લોકોને સતર્ક રહેવા અપીલ કરાઈ છે. વાવાઝોડું ત્રાટકે ત્યારે વીજળી પુરવઠો ખોરવાવાની સંભાવના જોતા ટોર્ચ, મોબાઈલ, પાવર બેંક જેવા ઉપકરણો ચાર્જ કરી રાખવા અને મીણબત્તી ટોર્ચ હાથવગી રાખવા સૂચના અપાઇ છે. તાલુકામાં સતર્ક કરાયેલા ગામો, બીલીમોરા અને ગણદેવી શહેરોમાંથી જોખમી હોર્ડિંગ્સ દૂર કરાયા છે. ગણદેવી મામલતદાર અશોક નાઈક, તાલુકા વિકાસ અધિકારી પીબી પટેલ, પ્રતીક ચૌધરીની ટીમ સર્તક બની છે. સોમવારે દિવસભર વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી છાંટા બાદ બપોરપછી વરસાદની ગતિ વધતા વાતાવરણ ઠંડુ બની ગયું હતું.
વલસાડના દરિયાકિનારે આવેલા ગામોના 550 લોકોનું સ્થળાંતર કરાયું
વલસાડ: (Valsad) વલસાડ જિલ્લામાં ‘તાઉતે’ વાવાઝોડાને લઈને વહીવટી તંત્ર એલર્ટ થઈ ગયું છે. એનડીઆરએફની ટીમ પણ જે ગામોમાં વાવાઝોડાની અસર થવાની છે, ત્યાં ગોઠવી દેવામાં આવી છે. આજરોજ સવારથી વાવાઝોડાની અસર વલસાડમાં જોવા મળી હતી, સવારથી ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. જેના કારણે ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થયું હતું. પવનને કારણે કેરીનો પાક તૂટી પડયો હતો. વલસાડ તાલુકાના દરિયા કિનારે આવેલા ગામોમાં વાવાઝોડાની અસર થઈ શકે છે, તે માટે મગોદ, મગોદ ડુંગરી, મેહગામ, તિથલ, કોસંબા, દીવાદાંડી, હિંગળાજ, ભદેલી જગાલાલા, નાનીદાંતી અને મોટીદાંતી ગામમાં કાચા મકાનમાં રહેતા લોકોને પ્રાંત અધિકારી નિલેશ કુકડીયા, વલસાડ ડીવાયએસપી મનોજસિંહ ચાવડા, સિટી પીઆઇ મોરી તથા પોલીસનો કાફલો તથા જે તે ગામના સરપંચો સાથે રહીને દરિયા કિનારા વિસ્તારમાં જઇ લોકોને સમજાવીને મકાનો ખાલી કરવા માટે જણાવ્યું હતું. ગામના રહીશો પણ સમજી ગયા હતા. કોસંબા ગામમાં લોકો ઘરોને તાળું મારીને સગા સંબંધીઓની ત્યાં ચાલી ગયા હતા. આશરે ૫૫૦ જેટલા લોકોને સ્થળાંતર કરાયા હતા. વાવાઝોડાની અસર ૧૭૦-૧૮૦ કિમી.ની ઝડપથી પવન ફૂકાવાનો હોય જેના કારણે વહીવટી તંત્ર એલર્ટ થઈ ગયું છે. વલસાડના તિથલ દરિયા કિનારે ભરતી ચાલુ થવાની સાથે જ ભારે પવન ફૂંકાયો હતો. જેથી તિથલ બીચ ઉપર સ્ટોલ બનાવ્યા હતા, તે પવનના કારણે તૂટી પડ્યા હતા
વલસાડ શાકભાજી માર્કેટ 120 આવાસ બિલ્ડીંગ ખાલી કરવા જણાવાયું
વલસાડ શાકભાજી માર્કેટમાં આવેલી 120 આવાસ બિલ્ડીંગનો એક માસ પહેલા સ્લેબ તુટી પડયો હતો. જેમાં કોઇને નુકસાન ન થયું હતું. આ બિલ્ડિંગ જર્જરિત હોય જેના કારણે વલસાડ પાલિકાએ ફ્લેટમાં રહેતા રહીશોને નોટિસ આપીને ખાલી કરવા માટે જણાવ્યું હતું તો પણ કેટલો રહીશો ફ્લેટમાં રહીને પોતાના જીવ જોખમમાં મૂકી રહ્યા છે. વાવાઝોડાને લઈને વલસાડ પાલિકાની ટીમે રાત્રે માઇક દ્વારા એલાઉન્સ કરીને વાવાઝોડાની અસરના કારણે મોટુ નુકશાન ન થાય તે માટે બિલ્ડિંગ ખાલી કરવા માટે જણાવ્યું હતું.