સુરતની નવી સિવિલ હોસ્પિટલના પીએમ રૂમ પાસે રાત્રિના સમયે હંગામો સર્જાયો, જ્યારે દારૂના નશામાં ધૂત બે શખ્સોએ ફરજ પર રહેલા પોલીસ અધિકારી સાથે ગાળાગાળી અને ઝપાઝપી કરી. આ ઘટનાએ હોસ્પિટલ જેવા સંવેદનશીલ વિસ્તારમાં સુરક્ષાને લઈને પ્રશ્નો ઊભા કર્યા છે. માહિતી અનુસાર, અઠવા પોલીસ મથકના ASI પોતાની ડ્યુટી દરમિયાન હાજર હતા ત્યારે પૂર્વ વોર્ડબોય ચેતન પટેલ અને ખાનગી એમ્બ્યુલન્સ ચાલક જાવેદ નશાની હાલતમાં ત્યાં પહોંચ્યા હતા. કોઈ મુદ્દે બોલાચાલી બાદ બંનેએ પોલીસનો માન રાખ્યા વગર ASI સાથે ઉગ્ર વર્તન શરૂ કર્યું.
સ્થળ પર હાજર લોકોના જણાવ્યા મુજબ, મામલો ઝડપથી બગડ્યો અને બંને શખ્સોએ ASI સાથે હાથાપાઈ શરૂ કરી. પરિસ્થિતિ કાબૂમાં લેવા ASIએ એક શખ્સને પકડી રાખ્યો, ત્યારે બીજા શખ્સે તેમને છોડાવવા હુમલો કરવાનો પ્રયાસ કર્યો. પોલીસની વર્દી પર હાથ નાખાતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. પરિસ્થિતિ ગંભીર બનતાં ASIએ તરત જ ખટોદરા પોલીસને જાણ કરી. મેસેજ મળતા જ પીસીઆર વાન સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો અને બંને નશામાં ધૂત શખ્સોને અટકાયત કરી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા. આ ઘટના બાદ હોસ્પિટલ પરિસરમાં સુરક્ષા વધારવા અને આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.