સુરત: શહેરના વરાછા માતાવાડી વિસ્તારમાં એક મધ્યમવર્ગીય પરિવાર પર આભ તૂટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. એવું જાણવા મળ્યું છે કે પરિવારની 16 વર્ષીય દીકરીએ પિતા પર બળાત્કારનો આક્ષેપ કર્યો હતો. જેથી પોલીસે પિતાની ધરપકડ કરી હતી. જો કે સમાજમાં બદનામીના ડરથી આધેડ પિતાએ પોલીસ લોકઅપમાં જ ફાંસો ખાઈ આપઘાત કરી લેતાં ખળભળાટ મચી ગયો છે.
- પિતા મધરાતે 16 વર્ષીય દીકરીની બાજુમાં જઈને સૂતો, અડપલા કર્યાં ને બળાત્કાર ગુજાર્યો
- સગા પિતાની ગંદી કરતૂતોથી ડઘાયેલી પુત્રી વિરોધ કરી શકી નહીં, બીજા દિવસે પરિવારમાં વ્યથા વર્ણવતાં પોલીસમાં ફરિયાદ
- પોલીસે અટકાયત કરી અને ધરપકડની પ્રોસેસ ચાલુ હતી ત્યાં જ પિતાએ બાથરૂમમાં જઈને ફાંસો ખાઈ આપઘાત કરી લીધો
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગતો મુજબ વરાછા પોલીસ મથકે એક ચોંકાવનારી ફરિયાદ નોંધાઈ હતી. જેમાં 16 વર્ષીય એક માસૂમ સગીરા બળાત્કારનો ભોગ બની હોવાનો ઉલ્લેખ હતો. ફરિયાદ મુજબ આ સગીરા રાત્રે પોતાના નાના ભાઈ સાથે મીઠી નિંદર માણી રહી હતી ત્યારે તેના પિતા આવીને તેમની બાજુમાં સૂઈ ગયા હતાં. આ આધેડ પિતાએ પોતાની દીકરી સાથે અડપલાં શરૂ કર્યા હતા અને બળાત્કાર પણ ગુજાર્યો હતો.
સગા પિતાની હરકતથી ડઘાઈ ગયેલી દીકરી તુરંત તો કોઈ પ્રત્યાઘાત આપી શકી ન હતી, વિરોધ પણ કરી શકી ન હતી. પરંતુ બાદમાં દીકરીએ ઘટસ્ફોટ કરતાં પરિવારના અન્ય સભ્યો ડઘાઈ ગયા હતાં અને વરાછા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે 16 વર્ષીય માસૂમના નિવેદનને આધારે નરાધમ પિતા સામે પોક્સો તેમજ બળાત્કારની ફરિયાદ નોંધી તેની ધરપકડ કરી લીધી હતી.
જો કે આજે જ્યારે નરાધમ પિતા પોલીસ લોકઅપમાં એકલો પડ્યો ત્યારે પ્રથમ પાણી માંગ્યું હતું અને બાદમાં બાથરૂમ ગયો હતો. જ્યાં તેણે રૂમાલ અને શર્ટની મદદથી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પરિવાર માટે આ બંને ઘટનાઓ આઘાતજનક બની છે. લોકઅપમાં ગંભીર ગુનાના આરોપીના આપઘાતને પગલે પોલીસ પણ દોડતી થઈ ગઈ છે.
દીકરીએ પિતા સામે દુષ્કર્મની ફરિયાદ કરતાં પીડિતાનું મેડિકલ ચેકઅપ કરાવાયું
16 વર્ષીય દીકરીએ પોતાના નિવેદનમાં પિતા દ્વારા કરવામાં આવેલી હરકતને વિગતવાર જણાવી હતી. પિતાએ છાતીના ભાગે અડપલાં કરવાની સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું જણાવ્યું હતું. જેના પગલે વરાછા પોલીસ દ્વારા પીડિતાનું મેડિકલ ચેકઅપ પણ કરાવવામાં આવ્યું હતું અને આ સાથે આરોપીનું ઇન્ટ્રોગેશન પણ શરૂ કર્યું હતું.
લોકઅપમાં એકલો પડ્યો તો બાથરૂમમાં જઈ લોખંડની જાળી સાથે લટકી ગયો
આરોપી સાથે લોકઅપમાં રાખેલા આરોપીઓને કોર્ટમાં લઈ જવાતા, લોકઅપમાં તે એકલો જ હતો. આ દરમિયાન ત્યાં હાજર લેડી પીએસઓ પાસે પાણી માંગ્યું હતું. પાણી પી તે બાથરૂમમાં ગયો હતો. બાથરૂમમાંથી તે જલદી બહાર નહિ આવતા હાજર પોલીસે તપાસ કરી હતી, જેમાં તેણે બાથરૂમની લોખંડની જાળી સાથે રૂમાલ બાંધી, પોતાના શર્ટ સાથે ગળે ફાંસો ખાઈ લીધો હોવાનું જણાયું હતું. આ ઘટનાને પગલે પોલીસ દોડતી થઇ ગઈ હતી.
પોલીસ આરોપીની ધરપકડની પ્રોસેસ કરી કરી હતી, ને…
DCP આલોક કુમારે જણાવ્યું હતું કે, આજે વરાછા પોલીસ સ્ટેશનમાં દુ:ખદ ઘટના બની છે. જેમાં પોક્સો અને કલમ 376 રેપના આરોપીએ ગળે ફાંસો લગાવીને આપઘાત કરી લીધો છે. આરોપી વરાછાનો રહેવાસી છે. આરોપીની પૂછપરછ અમે કરી રહ્યા હતા. સરકારી પંચોની સાથે તેની ધરપકડની પ્રોસેસ કરી રહ્યા હતા.
તે દરમિયાન આરોપી બાથરૂમમાં ગયો અને બાથરૂમની જાળી સાથે પોતાના શર્ટથી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. અમે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે. આ મામલે આગળની વધુ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
