દુનિયાની સરકારો તથા કંપનીઓ જેમ જેમ ઇન્ફોર્મેશન ટેકનોલોજી પર વધુને વધુ નિર્ભર રહેવાની કવાયત કરી રહી છે, તેમ મનુષ્ય ટેકનોલોજીનો ગુલામ બનતો જાય છે. તાજેતરમાં માઇક્રોસોફ્ટના સર્વરમાં ખામી આવી તેને કારણે દુનિયાના અનેક દેશોમાં વિમાની સેવાઓ ખોરવાઈ ગઈ હતી અને અફડાતફડી મચી ગઈ હતી. જ્યારે તમામ સેવાઓને ઇન્ટરનેટ સાથે જોડવામાં આવતી હતી ત્યારે આપણને તેના ફાયદાઓ સમજાવવામાં આવતા હતા, પણ આવી અફડાતફડી થશે, તેવી ચેતવણી આપવામાં આવી નહોતી.
ભારત સરકાર પણ દરેક ક્ષેત્રમાં ડિજિટલ પેમેન્ટનો આગ્રહ રાખી રહી છે. આ લખનારે તાજેતરમાં સાયન્સ સિટીની મુલાકાત લીધી ત્યારે તેના કાઉન્ટર પર કેશ પેમેન્ટ લેવાનું જ બંધ કરી દેવામાં આવ્યું હતું અને બધાને ફરજિયાત ડિજિટલ પેમેન્ટ કરવાનું કહેવામાં આવતું હતું. ભારતીય રિઝર્વ બેન્કે હવે ડિજિટલ રૂપિયો લોન્ચ કર્યો છે. ધારો કે ભારતના બધા લોકો પોતાના બધા રૂપિયાનું રૂપાંતર ડિજિટલ રૂપિયામાં કરી દે અને એક દિવસે રિઝર્વ બેન્કનું સર્વર બગડી જાય કે તેનો બધો ડેટા ઉડી જાય તો દેશના પ્રજાજનો દ્વારા જમા કરાવવામાં આવેલા અબજો રૂપિયા પણ વરાળ બનીને ઝીરો થઈ જાશે.
અમેરિકાની બહુરાષ્ટ્રીય કંપની માઈક્રોસોફ્ટની ક્લાઉડ સેવાઓમાં સમસ્યા સર્જાઈ હતી, જેના કારણે ૫૦ વર્ષ પહેલાની સિસ્ટમ પાછી આવી હતી. દિલ્હી એરપોર્ટ પર મુસાફરોને હસ્તલિખિત બોર્ડિંગ પાસ આપવામાં આવ્યા હતા. હકીકતમાં એન્ટીવાયરસ CrowdStrikeના અપડેટને કારણે આવું થયું છે. CrowdStrike એ સાયબર સુરક્ષા પ્લેટફોર્મ છે. માઈક્રોસોફ્ટ આઉટેજને કારણે અમેરિકા અને ભારત સહિત વિશ્વભરમાં એરલાઈન્સ, ટીવી ટેલિકાસ્ટ, બેન્કિંગ અને ઘણી કોર્પોરેટ કંપનીઓનું કામકાજ પ્રભાવિત થયું હતું. વાસ્તવમાં CrowdStrike Falcon Sensorના અપડેટને કારણે માઇક્રોસોફ્ટમાં બ્લુ સ્ક્રીન ઓફ ડેથ સિસ્ટમ ક્રેશ થવાને કારણે આવી રહી હતી. માઈક્રોસોફ્ટના સર્વર ડાઉનની વધુ અસર અમેરિકા, બ્રિટન, સિંગાપોર, ફ્રાન્સ, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, બેલ્જિયમ, કેનેડામાં થઈ છે. બેંકિંગ ક્ષેત્રનું કામ પણ ઠપ થઈ ગયું હતું.
અઢી દાયકા પહેલા રીલિઝ થયેલી ફિલ્મ યશવંતમાં એક ડાયલોગ હતો કે એક મચ્છર માણસને હિજડો બનાવી શકે છે. ખેર, મચ્છર આવું ન કરી શક્યો, પણ માઇક્રોસોફ્ટની એક ભૂલને કારણે શુક્રવારે આખી દુનિયા થંભી ગઈ હતી. પશ્ચિમથી પૂર્વ, ઉત્તરથી દક્ષિણ સુધી હોબાળો મચી ગયો હતો. એરપોર્ટથી લઈને હોસ્પિટલો સુધી આ તોફાનનો સામનો કરવો પડ્યો હતો. આવું પહેલીવાર બન્યું,
જ્યારે સમગ્ર વિશ્વમાં વિન્ડોઝ પર કામ કરતી તમામ આઈટી સિસ્ટમ્સ, કમ્પ્યુટર્સ અને લેપટોપ, કાર્યોને હેન્ડલ કરવા માટેનું સોફ્ટવેર ક્ષણભરમાં બંધ થઈ ગયું હતું. પ્રશ્ન એ છે કે પૃથ્વી પર રહેતા માણસોએ ઝડપી કામ કરતી સિસ્ટમ અને સોફ્ટવેર પર કેટલો આધાર રાખવો જોઈએ? જ્યારે સંપૂર્ણપણે આશ્રિત દેશોની સ્થિતિને જોતાં ભારતીયોના મનમાં એક સહજ જવાબ આવે છે કે જો મશીનો દગો દઈ શકતા હોય તો તેવું કામ જાતે કરવું જોઈએ. માણસે મશીનના એટલા ગુલામ ન બની જવું જોઈએ કે તેના વગર જિંદગી જીવી જ ન શકાય.
માઈક્રોસોફ્ટ ક્લાઉડ આઉટેજને કારણે ભારત ઉપરાંત અમેરિકામાં ફ્રન્ટિયર, એલિજિઅન્ટ અને સનકંટ્રી જેવી મોટી એરલાઈન્સની સેવાઓ ઠપ થઈ ગઈ છે. આ આઉટેજને કારણે એરલાઇન્સ કંપનીઓની બુકિંગ, ચેક-ઇન, બોર્ડિંગ, વેબ ચેક-ઇન જેવી તમામ સેવાઓ પ્રભાવિત થઈ છે. આ આઉટેજને કારણે ફ્રન્ટિયરે ૧૪૭ ફ્લાઈટ્સ કેન્સલ કરી છે અને ૨૧૨ રિશેડ્યૂલ કરી છે. આ સિવાય એલિજિઅન્ટની ૪૫ ટકા ફ્લાઈટ્સ મોડી પડી છે.
સન કન્ટ્રીની ૨૩% ફ્લાઈટ્સ પણ મોડી પડી છે. કોમ્યુનિકેશનની સમસ્યાને કારણે અમેરિકન એરલાઈન્સે પણ પોતાની તમામ ફ્લાઈટ્સ બંધ કરી દીધી છે. ભારતમાં ઈન્ડિગો, સ્પાઈસ જેટ અને અકાસા એરલાઈન્સની સેવાઓને અસર થઈ છે. માઈક્રોસોફ્ટ ક્લાઉડ આઉટેજના કારણે વિશ્વની ઘણી બેંકોનું કામ પણ ઠપ થઈ ગયું છે. આ સિવાય જે ધંધાઓ ક્લાઉડ પર નિર્ભર હતા તેને પણ અસર થઈ છે. ઘણા મીડિયા હાઉસની વેબસાઈટ પણ ડાઉન થઈ ગઈ હોવાના અહેવાલ છે.
ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક ફોટો શેર કર્યો છે. ફોટામાં બે સૈનિકો બળદ પર બેઠેલા જોવા મળે છે. આ ફોટો શેર કરતા આનંદ મહિન્દ્રાએ લખ્યું છે કે હાલમાં વૈશ્વિક કોમર્શિયલ એક્ટિવિટી આવી બની છે. આનંદ મહિન્દ્રાની આ પોસ્ટ પર સોશિયલ મીડિયા યુઝર્સ વિવિધ પ્રકારની કોમેન્ટ કરી રહ્યા છે. આ પોસ્ટનો જવાબ આપતા એક યુઝરે લખ્યું કે આ દર્શાવે છે કે આજની દુનિયા ટેક્નોલોજી અને ડિજિટલ કરન્સી પર કેટલી નિર્ભર બની ગઈ છે. આ બતાવે છે કે જો કંઈપણ ખોટું થશે તો વિશ્વની ગતિ કેવી રીતે અડધી થઈ જશે. લોકો તેમની સેવાઓ માટે કોઈ પણ એક કંપની પર નિર્ભરતા ઓછી કરે તે પણ જરૂરી છે.
માઈક્રોસોફ્ટના સર્વરમાં ખામી સર્જાયાને ૪૮ કલાકથી વધુ સમય થઈ ગયો છે. તેમ છતાં તેનું સર્વર હજુ સુધી સંપૂર્ણપણે સાજું થયું નથી. આ ભૂલને કારણે વિશ્વભરમાં અબજો રૂપિયાનું નુકસાન થયું છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર, સર્વરમાં ખામી સર્જાતા માઇક્રોસોફ્ટને થોડા કલાકોમાં ૧૮ અબજ ડોલર (લગભગ ૧,૫૦૦ અબજ રૂપિયા) નું નુકસાન સહન કરવું પડ્યું હતું. જો કે હજુ સુધી ચોક્કસ આંકડા સામે આવ્યા નથી. આ સમસ્યાનો ઉકેલ આવશે ત્યારે જ નુકસાનનું આખું ચિત્ર સ્પષ્ટ થશે. શુક્રવારે સમગ્ર વિશ્વમાં પાંચ હજાર ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. સમગ્ર વિશ્વના એરપોર્ટ પર ફ્લાઇટ્સ અટકી પડી હતી. ભારતમાં ૩૦૦ થી વધુ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. જેમાં એકલા ઈન્ડિગો એરલાઈન્સની ૨૫૦ થી વધુ ફ્લાઈટ્સ સામેલ હતી.
દુનિયાને અસર કરતી આ સમસ્યાને લઈને લોકોના મનમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે. શું આ સાયબર હુમલો છે કે ટેકનિકલ ખામી? આ પ્રશ્નના જવાબમાં સાયબર નિષ્ણાતો સ્પષ્ટપણે તેને સાયબર હુમલો નથી કહી રહ્યા, પરંતુ તેઓ તેની શક્યતાને પણ નકારી રહ્યાં નથી. ટેક એક્સપર્ટ જેક મૂરે કહ્યું કે આ ક્રાઉડસ્ટ્રાઈકની ટેકનિકલ ખામી છે, પરંતુ તેણે સાઈબર એટેકની શક્યતાને નકારી ન હતી. સોશિયલ મીડિયા પર આવી પોસ્ટ સતત જોવા મળી રહી છે જેમાં કહેવામાં આવી રહ્યું છે કે આ એક પ્રકારનો સાયબર એટેક છે. ઘણા નિષ્ણાતો પણ આ સાથે સહમત થયા છે, કારણ કે જ્યારે પણ સાયબર એટેક થયો છે ત્યારે આવા કિસ્સાઓ જોવા મળ્યા છે.
સાયબર હુમલામાં હુમલાખોરો સેવાને અસર કરે છે, જેમાંથી એક DDOS હુમલો છે. આ પ્રકારના હુમલામાં પણ એક સાથે અનેક વિનંતીઓ આપવાથી સર્વર પ્રભાવિત થાય છે. જો સાયબર હુમલાથી આટલી ખાનાખરાબી મચાવી શકાતી હોય તો સમગ્ર દુનિયાને એક નેટવર્ક સાથે સાંકળી લેવાની કોઈ પણ સિસ્ટમ બાબતમાં ફેરવિચારણા કરવી જરૂરી બની જાય છે. વિશ્વના ૯૫% કમ્પ્યુટર્સ માઇક્રોસોફ્ટની ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે. આ મોનોપોલી ખતરનાક છે. આનો વિકલ્પ શોધવાની જરૂર છે. આર્થિક પ્રણાલીના નિર્ણાયક ઘટકો માઇક્રોસોફ્ટ ઓપરેટિંગ સિસ્ટમ પર ખૂબ જ નિર્ભર છે. એવું નથી કે તેનો કોઈ વિકલ્પ નથી. ઘણી કંપનીઓ Linux અને Make નો ઉપયોગ કરે છે.
પરંતુ એરલાઇન્સ અને અન્ય ઉદ્યોગો માની રહ્યા હતા કે માઇક્રોસોફ્ટ ખોટું ન કરી શકે. તેમનો ભ્રમ શુક્રવારે ભાંગી ગયો છે. હવે દેશમાં વૈકલ્પિક ઓપરેટિંગ સિસ્ટમના વિકાસને ગંભીરતાથી લેવાનો સમય આવી ગયો છે. સોફ્ટવેર ડેવલપમેન્ટ અને UPI જેવી ફાઇનાન્શિયલ ટેક્નોલોજી સિસ્ટમનું નિર્માણ ભારતની ક્ષમતા દર્શાવે છે. જો ઇન્ટરનેટ બંધ થઈ જાય તો તેના વિકલ્પો બાબતમાં પણ આપણે વિચારી રાખવું પડશે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.