માઈક્રોસોફ્ટના પીસી અને તેની સાથે સંકળાયેલી તમામ કંપનીઓને સાયબર સુરક્ષા સેવાઓ પ્રદાન કરતું પ્લેટફોર્મ ‘ક્રાઉડ સ્ટ્રાઈક’ ખોટકાવાને કારણે સમગ્ર વિશ્વમાં હવાઈ, સ્ટોક એક્સચેન્જ અને બેંકિંગ સહિતની ઘણી સેવાઓ પ્રભાવિત થઈ રહી છે. ગયા માર્ચમાં માઈક્રોસોફ્ટ સિસ્ટમ પર સાયબર એટેકનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તે સમયે એવું કહેવામાં આવ્યું હતું કે રશિયાની વિદેશી ગુપ્તચર સાથે સંકળાયેલા હેકર્સે કોર્પોરેટ ઈમેલમાંથી ચોરાયેલા ડેટાનો ઉપયોગ કરીને સિસ્ટમમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. અમેરિકન રાષ્ટ્રીય સુરક્ષા સંસ્થાને પણ નિશાન બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ભારતના સાયબર નિષ્ણાત પવન દુગ્ગલનું કહેવું છે કે આ ઘટના પાછળ સાયબર આતંકવાદની શક્યતાને નકારી શકાય નહીં.
તે સમયે આઇટી વિશ્લેષકોએ વિશ્વના સૌથી મોટા સોફ્ટવેર ઉત્પાદકોમાંથી એક માઇક્રોસોફ્ટની સિસ્ટમ્સ અને સેવાઓની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. આ કંપની દ્વારા યુએસ સરકારને ડિજિટલ સેવાઓ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર આપવામાં આવે છે. વિશ્લેષકોએ રાષ્ટ્રીય સુરક્ષા જોખમો અંગે ચિંતા વ્યક્ત કરી હતી. માઇક્રોસોફ્ટે તેના નિવેદનમાં કહ્યું હતું કે આ ઘૂસણખોરી પાછળ મિડનાઇટ બ્લિઝાર્ડ અથવા નોબેલિયમ નામનું રશિયન રાજ્ય પ્રાયોજિત જૂથ છે. વોશિંગ્ટનમાં રશિયન એમ્બેસીએ તે સમયે માઇક્રોસોફ્ટના નિવેદન પર ટિપ્પણી માટેની વિનંતીનો તરત જ જવાબ આપ્યો ન હતો. માઈક્રોસોફ્ટ દ્વારા મિડનાઈટ બ્લીઝાર્ડ એક્ટિવિટી અંગેના અગાઉના નિવેદનોનો પણ જવાબ આપવામાં આવ્યો ન હતો. જાન્યુઆરીની શરૂઆતમાં માઇક્રોસોફ્ટે કહ્યું હતું કે હેકર્સે કંપનીના ટોચના અધિકારીઓના કોર્પોરેટ ઇમેઇલ એકાઉન્ટ્સ તેમજ સાયબર સુરક્ષા, કાયદાકીય અને અન્ય કાર્યોમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કર્યો હતો.
માઇક્રોસોફ્ટે એક બ્લોગમાં જણાવ્યું હતું કે તાજેતરના અઠવાડિયામાં, અમે અસંખ્ય પુરાવા જોયા છે કે મિડનાઈટ બ્લીઝાર્ડ અમારી કોર્પોરેટ ઈમેલ સિસ્ટમ્સમાંથી શરૂઆતમાં કાઢવામાં આવેલી માહિતીનો ઉપયોગ અનધિકૃત ઍક્સેસ મેળવવા માટે કરી રહ્યું છે. આ ઘટના બાદ, સાયબર સિક્યુરિટી ફર્મ માલવેરબાઇટ્સ થ્રેટડાઉન લેબ્સના મુખ્ય સંશોધક જેરોમ સેગુરાએ જણાવ્યું હતું કે, માઇક્રોસોફ્ટના વિશાળ ગ્રાહક નેટવર્કને જોતાં, તેને નિશાન બનાવવામાં આવે તે આશ્ચર્યજનક નથી. માઈક્રોસોફ્ટે કહ્યું કે હેકર્સ દ્વારા ચોરી કરવામાં આવેલ ડેટામાં સોર્સ કોડ રિપોઝીટરીઝ અને ઈન્ટરનલ સિસ્ટમ્સની એક્સેસનો સમાવેશ થાય છે.