( પ્રતિનિધિ )વડોદરા,તા.3
વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલા સાંઈબાબાના મંદિર પાસે એમજીવીસીએલની બેદરકારી જોવા મળી છે. વીજ થાંભલાએ અકસ્માતને આમંત્રણ આપ્યું છે. જો આ વીજ થાંભલો તૂટી પડશે, તો તેની સાથે ઉપરથી પસાર થતાં જીવંત વીજ વાયરો પણ તૂટી પડવાથી મોટી જાનહાની થવાની શકયતા વ્યક્ત કરવામાં આવી છે.



વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલા સાંઈબાબા મંદિર નજીક જીઆઇડીસી તરફ જતા માર્ગ પર વીજ થાંભલાની હાલત ગંભીર થઈ છે. જેના કારણે લોકોમાં અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે. વિસ્તારના સ્થાનિક અક્ષય સિંહ જાદવે જણાવ્યું હતું કે, મુખ્ય રસ્તો છે. જ્યાં જીઆઈડીસી તરફ જતા ઘણા બધા લોકોની અવરજવર રહેતી હોય છે. ત્યારે, અહીંયા વીજ થાંભલાની હાલત એટલી કથડેલી છે. જો કોઈ ગાડીનો સામાન્ય ધક્કો વાગે તો આ થાંભલો પડી જાય તો જાનહાની, નુકસાન થાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. પરંતુ તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે. રોડ પર અહીંયા કામગીરી ચાલી રહી છે. રોડને ખોદીને પહોળો કરવામાં આવી રહ્યો છે, તો શું તંત્રની નજર પડી નહીં હોય. આ માર્ગ ઉપર ગટરો 1985 ના વર્ષથી બનેલી છે આ ગટરો ઉપરથી જે ભારદારી મશીનો ફેરવીને રસ્તો બનાવવામાં આવે છે, તેના કારણે આ ગટરોને પણ નુકસાન થઈ રહ્યું છે. ઉપરથી કોન્ટ્રાક્ટ જેને આપ્યો હતો, એને નહીં પાછા અન્ય કોન્ટ્રાક્ટરોને કોન્ટ્રાક્ટ આપીને ડબલ મલાઈ ખાઈને ભ્રષ્ટાચાર આચરી કમાણી કરી રહ્યા હોવાના આક્ષેપ પણ વિસ્તારના નાગરિકે કર્યા હતા. ત્યારે કોઈ દુર્ઘટના સર્જાય એ પહેલા આ વીજ થાંભલો હટાવી નવો વીજ થાંભલો લગાવવામાં આવે તેવી માંગણી વિસ્તારના નાગરિકો દ્વારા કરવામાં આવી હતી.