SURAT

મેટ્રોની રામાયણઃ હવે ક્રાઈમ બ્રાન્ચ કચેરીમાં લોખંડના ટેકા મુકી સપોર્ટ આપવો પડ્યો

સુરતઃ સુરતના ચોક બજાર વિસ્તારમાં મેટ્રો રેલ પ્રોજેક્ટ હેઠળ ચાલી રહેલી ટનલિંગ કામગીરી દરમિયાન TBM (ટનલ બોરિંગ મશીન)ના વાઇબ્રેશનથી ક્રાઈમ બ્રાન્ચ બિલ્ડિંગ સહિત આસપાસની રહેણાંક ઇમારતોમાં તિરાડો પડી અને પાયા હચમચ્યા છે. આ જોખમને ધ્યાનમાં રાખીને ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનના અધિકારીઓએ આગમચેતીના પગલાં તરીકે બિલ્ડિંગોને ખાલી કરાવ્યા છે.

લોકઅપ, ઓફિસ ખાલી કરાવાયા, અગમચેતીના પગલાંરૂપે લેવાયો નિર્ણય
આવનાર પાંચ થી છ દિવસ સુધી ક્રાઈમ બ્રાન્ચની કચેરી ખાલી કરાવવામાં આવી
TBM ના વાઇબ્રેશન ના કારણે અધિકારીઓમાં પણ ડરઃ મેટ્રોની ટનલની કામગીરી દરમિયાન ક્રાઈમ બ્રાન્ચ કચેરીને પણ નુકસાન થવાની અધિકારીઓમાં ભીતિ
સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસના DCP થી લઈ કોન્સ્ટેબલ સુધીના અંદાજે 300 કર્મચારીઓનું સ્થળાંતર

તો બીજી તરફ આજે ક્રાઈમ બ્રાન્ચ કચેરીમાં પણ લોખંડના મજબૂત ટેકા (આયર્ન સપોર્ટ્સ અને ગદર) ગોઠવી દીધા છે. આ ટેકા ઓફિસની અંદર, લોકઅપમાં મૂકવામાં આવ્યા છે જેથી ટનલ પસાર થતી વખતે ઇમારતને વધુ નુકસાન ન થાય અને તે તૂટી ન પડે.

સુરતમાં મેટ્રો રેલ પ્રોજેક્ટની ટનલિંગ કામગીરીએ ચોક બજાર વિસ્તારમાં ચિંતા વધારી છે. ક્રાઈમ બ્રાન્ચ બિલ્ડિંગ અને જિલ્લા પંચાયત ઓફિસ વચ્ચેના વિસ્તારમાં TBM (ટનલ બોરિંગ મશીન) દ્વારા ટનલ ખોદકામ દરમિયાન વાઇબ્રેશનથી આસપાસની ચારથી છ રહેણાંક બિલ્ડિંગોમાં તિરાડો પડી છે અને પાયા હચમચ્યા છે.

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC)ના અધિકારીઓએ આગમચેતીના પગલાં તરીકે આ બિલ્ડિંગોને ખાલી કરાવ્યા છે. લગભગ 8 પરિવારોને (રહેવાસીઓને) નજીકની હોટલમાં સુરક્ષિત રીતે શિફ્ટ કરવામાં આવ્યા છે. બિલ્ડિંગોને વધુ નુકસાન અથવા તૂટી પડવાથી બચાવવા માટે નીચે લોખંડના મજબૂત ટેકા (આયર્ન સપોર્ટ્સ) ગોઠવવામાં આવ્યા છે.

આ ટેકા ખાસ કરીને ક્રાઈમ બ્રાન્ચ કચેરી અને આસપાસની ઇમારતોમાં ઓફિસની અંદર પણ મૂકવામાં આવ્યા છે.
આ વિસ્તારમાં કેટલીક જૂની અને નાજુક ઇમારતો ભરાયેલી જમીન પર બનેલી છે, જ્યાં ટનલ આશરે 12 મીટર નીચે પસાર થઈ રહી છે. TBMના વાઇબ્રેશનથી રહેવાસીઓને ધ્રુજારી અનુભવાઈ છે. આ પહેલાં પણ મેટ્રો કામગીરી દરમિયાન રોડ સબસિડન્સ જેવી ઘટનાઓ બની છે, જેનાથી લોકોમાં ભય અને આક્રોશ વધ્યો છે.

GMRC અધિકારીઓ સ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને ટનલિંગ પૂર્ણ થયા બાદ રહેવાસીઓને પરત મોકલવાનું આયોજન કરી રહ્યા છે. રહેવાસીઓ સુરક્ષા અને વળતરની માંગ કરી રહ્યા છે. સુરત મેટ્રો પ્રોજેક્ટની પ્રગતિ સાથે સુરક્ષા વ્યવસ્થાઓને વધુ મજબૂત કરવાની જરૂર છે, જેથી આવી ઘટનાઓ ટળી શકે.

Most Popular

To Top