SURAT

VIDEO: મેટ્રોની ક્રેઈન અને 135 ટનનું લોન્ચર નાના વરાછાના બંગલા પર પડ્યું, પછી શું થયું જાણો..

સુરત : સુરત માટે ડ્રીમ પ્રોજેકટ એવા મેટ્રોનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે. પરંતુ જુદી જુદી જગ્યા પર મેટ્રોના કારણે ઉભી થયેલી અગવડતાઓના કારણે લોકોમાં નારાજગી છે. ત્યારે થોડા દિવસ પહેલા સારોલી પાસે નિર્માણાધિન બ્રિજનો સ્પાન તૂટી જવાની ઘટના બાદ આજે સુરતના નાના વરાછા વિસ્તારમાં ક્રેઇન તૂટી પડવાની ઘટના બની હતી.

  • મેટ્રોની મોકાણ : નાના વરાછામાં મેટ્રોની વિરાટ ક્રેન અને 135 ટનનું લોન્ચર બોક્સ બંગલા પર પડ્યાં
  • જો કે બંગલો ખાલી હોવાથી મોટી દુર્ધટના ટળી, ક્રેઇનમાંથી કુદી પડેલા ડ્રાઈવરને ઇજા થઇ
  • લોન્ચર બોક્સની બેરીંગ છટકતા તમામ વજન ક્રેઇન પર આવતા બન્ને ક્રેઇનના બૂમ વળી જતાં ઘટના બની

નાના વરાછાના ચીકુવાડી વિસ્તારમાં ચાલી રહેલી મેટ્રોરેલની કામગીરી દરમિયાન બે પીલરની વચ્ચેના ભાગે બે ક્રેઇનની મદદથી બ્રીજનો સ્પાન ગોઠવવા માટે ઉપયોગમાં લેવામાં આ‍વતા લોન્ચર બોક્સ મુકવાની કામગીરી કરવામાં આ‍વી રહી હતી. તે દરમિયાન લોન્ચર બોક્સની બેરીંગ છટકી જતા ૧૩૫ ટન ક્ષમતા ધરાવાતું લોન્ચર યમુના નગરના એક મકાન પર પડયું હતું. જેથી મકાનની લોબી તેમજ અગાશીની દીવાલ તૂટી ગઇ હતી. સદનસીબે મકાનમાં રહેતા પરીવારના સભ્યો બહારગામ ગયા હોવાથી મોટી હોનારત થતા અટકી હતી.

ઘટનાની જાણ થતા મેટ્રોરેલના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા. મનપાના મેયર સહીતના પદાધિકારીઓ તેમજ પોલીસનો કાફલો ધસી ગયો હતો. કોન્ટ્રાકટર રણજીત બિલ્ડકોનના ઇજનેરો અને અધિકારીઓની ટીમ પણ દોડી આવી હતી. આ ઘટના બાદ ક્રેઇનનો ડ્રાઇવર ગભરાઇને નીચે કૂદી પડતા ઇજાગ્રસ્ત થયો હોવાનું જાણવા મળી રહ્યું છે.

સુરત શહેરમાં મેટ્રોરેલની કામગીરી પુરઝડપે આગળ વધી રહી છે. તબક્કાવાર બે રૂટ પરથી મેટ્રોરેલ દોડાવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભેસાણથી કાપોદ્રા સુધી એલિવેટેડ રૂટ પર મેટ્રોરેલ દોડાવવામાં આ‍વનાર છે. નાનાવરાછાના ચીકુવાડી વિસ્તારમાં મેટ્રોના એલિવેટેડ રૂટના પિલર નં ૧૧૦ અને ૧૧૧ના વચ્ચેના ભાગેના ભાગે લોન્ચરબોક્સ ગોઠવી અન્ય પીલર ઉપર સ્પાન ગોઠવી શકાય તે માટે બંને પીલરની આજુબાજુ અનુક્રમે ૩૭૫ અને ૪૫૦ ટન ક્ષમતાની બે ક્રેઇનની મદદથી લોન્ચર બોક્સ ગોઠવવાની કામગીરી કરવામાં આવી રહી હતી.

દરમિયાન સાંજના પાંચ વાગ્યાના અરસામાં બેરીંગ છટકી જતા લોન્ચર બોક્સનું વજન બંને ક્રેઇન પર આ‍વી ગયું હતું. જેને પગલે બંને ક્રેઇનના બુમ (ક્રેઇનનો આગળનો ભાગ) વળી ગયા હતા. અને લોન્ચર બોક્સ ધડાકાભેર યમુનાનગર સોસાયટી વિભાગ-બેના મકાન નં ૧૩ની લોબીવાળા ભાગ પર પડયું હતું. જયારે ક્રેઇનનું બૂમ મકાનના આગાશી પર ધડકાભેર અથડાયું હતું.

લોન્ચર બોક્સ તૂટી પડવાનો અવાજ એટલો પ્રંચડ હતો કે યમુનાનગર સોસાયટીના રહીશો તેમજ આસપાસ વિસ્તારમાં રહેતા લોકોમાં ગભરાઇ ગયા હતા. ઘટનાની જાણ થતા મેટ્રોરેલના અધિકારી, મનપાના મેયર સહીતના પદાધિકારી, ફાયર બ્રિગેડના લાશ્કરો તેમજ પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. મોડીસાંજે ફાયર બ્રિગેડ અને મેટ્રોરેલ દ્વારા લોન્ચર બોક્સ અને ક્રેઇનના બૂમને ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

એક ક્રેન વચ્ચેથી વળી ગઈ ને બીજી ત્રાંસી થઈને મકાન પર પડી
મેટ્રોના સૂત્રોના જણાવ્યા મુજબ મેટ્રોના એલિવેટેડ રૂટના બ્રિજમાં પિલર પર સ્પાન બનાવવા માટે આ હાઇડ્રોલિક લોન્ચર મશીન દ્વારા કામ કરવામાં આવે છે. આ મશીન ભારે વજનનું હોવાથી ઉપર ચડાવવા માટે બે હેવી ક્રેન દ્વારા કામ શરૂ થયું હતું. આ દરમિયાન એક ક્રેન વચ્ચેથી વળી ગઈ હતી. જેના કારણે બીજી ક્રેન પર બધું વજન આવી જતા બીજી ક્રેઇન ત્રાંસી થઈને પડી ગઈ હતી. આ સાથે જ હવામાં લટકતું હાઇડ્રોલિક લોન્ચર મશીન બંગલા પર પડ્યું હતું. હાઇડ્રોલિક મશીન મકાન પર પડતા મકાનના આગળના ભાગને નુકસાન પહોંચ્યું છે. સદનસીબે આ મકાનમાં કોઈ હાજર ન હોવાથી મોટી જાનહાની ટળી હતી.

લોકોમાં નાસભાગ, ત્રણ કાર દબાઇ ગઇ
જ્યારે આ ઘટના બની ત્યારે આજુબાજુના રહીશોમાં ભારે ડરનો માહોલ ઉભો થયો હતો. ધડાકાભેર અવાજ આવતા આજુબાજુના રહીશો ડરી ગયા હતા અને ભાગવા લાગ્યા હતા. હાઇડ્રોલિક મશીન અને ક્રેન નીચે પડ્યા ત્યારે ત્યાં પાર્ક કરેલી ત્રણ જેટલી કારો દબાઈ ગઈ હતી અને નુકસાન પહોંચ્યું હતું. જો કે ઘટનાને પગલે તાત્કાલિક જ ફાયરની ટીમ અને પોલીસની ટીમો પહોંચી ગઈ છે અને રસ્તો બંધ કરી કામગીરી શરૂ કરી છે.

મેટ્રોના પ્રોજેકટની કામગીરીમાં જોડાયેલા અધિકારીઓ ગંભીર નથી : પાયલ સાકરીયા
AAP પક્ષના નેતા પાયલ સાકરિયા પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આ ઘટના અંગે પૂછતા તેઓએ જણાવ્યું હતું કે, અહીં મેટ્રો રેલની કામગીરી ચાલતી હતી. આ કામગીરી દરમિયાન એક ક્રેન આડી પડી ગઈ છે અને બીજી ક્રેન મકાન પર પડી છે. રસ્તો પણ બંધ છે. ક્રેન પડી શા માટે? કેમ આવી ગંભીર પ્રકારની બેદરકારી સામે આવી છે? આના પહેલા પણ મેટ્રોની કામગીરી દરમિયાન અનેક ઘટનાઓ ઘટી છે.

પહેલા સ્પાન તૂટવાની ઘટના ઘટી હતી. એ સ્પાન વાળી ઘટનાનું ભીનું સંકેલવા માટે એવું કહ્યું હતું કે, અમે કોન્ટ્રાક્ટરને શો-કોઝ આપીશું ને ખુલાસા બાદ પગલાં લેશું. આજે આ ઘટનાને 1 મહિનો થઈ ગયો છે તો કેમ કોઈ કાર્યવાહી કરી નથી. કોઈપણ ઘટના ઘટે અધિકારીઓમાં કોઈને ડર જ નથી. કોન્ટ્રાક્ટર એની મસ્તીમાં કામ કરે છે. કોણ મૃત્યુ પામે છે કે કોણ જીવે છે? તેની સાથે તેને કોઈ લેવા દેવા જ નથી. આ તો સારુ છે ભગવાનનો આભાર માનીએ કે, અહીં કોઈ જાનહાનિ નથી થઈ.

સ્થાયી અધ્યક્ષની સખત સૂચના: હવે પછી આવી કામગીરી દરમિયાન રસ્તો બંધ કરી દેવાનો રહેશે
હાલ જે જગ્યા પર કામગીરી ચાલી રહી છે ત્યાં એક તરફનો રસ્તો અવરજવર માટે ખુલ્લો રાખવામાં આવ્યો છે. કામગીરીમાં અડચણ ઉભી ના થાય તે માટે માત્ર પતરાંની આડસ મૂકવામાં આવી છે. લોન્ચરબોક્સ ગોઠવવાની કામગીરી દરમિયાન રસ્તો બંધ કરવામાં આવ્યો ન હતો. જેને પગલે લોકોની ભારે અવરજવર ચાલુ હતી.

જો લોન્ચરબોક્સ ટ્રાફિકથી ધમધમતા રસ્તા પર પડયું હોત તો મોટી માનવખુવારી થાત તે વાત નકારી શકાય તેમ નથી. જોકે સદનસીબે લોન્ચરબોક્સ મકાન પર પડતા મોટી હોનારત થતા અટકી હતી. જેને પગલે સ્થાયી સમિતિ અધ્યક્ષે બીજી વખત જો આ પ્રકારીની કામગીરી હાથ ધરવામાં આવે તો રસ્તો બંધ કરી દેવામાં આવે તેમજ મનપા અને પોલીસ સાથે સંકલન કરી કામગીરી કરવામાં આવે તેવી સખત સુચના આપી હતી.

મેટ્રો દ્વારા તપાસ કમિટીની નિમણૂંક: કમિટીમાં મનપા તરફથી ડી.સી.ભગવાકર રહેશે
મેટ્રો રેલની કામગીરી દરમિયાન સતત બની રહેલ અનેક જોખમી ઘટનાઓને ધ્યાનમાં લઈને ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા તત્કાળ એક તપાસ કમિટીની રચના કરવામાં આવી છે, આ કમિટી સુરતમાં મેટ્રો રેલ કોર્પોરેશનની કામગીરી બાબતે સમીક્ષા કરશે અને સાથે સાથે વોચ રાખશે. આ કમિટીમાં જીએમઆરસી, કલેકટરાલય, આરએન્ડબી વિભાગ અને સુરત મહાનગરપાલિકાના અધિકારીઓનો સમાવશે કરાયો છે, સુરત મનપા કમિશનરે કમિટીમાં સુરત મનપાના સભ્ય તરીકે એડિશનલ સિટી ઈજનેર ડી.સી.ભગવાકરની નિમણૂંક કરાઈ છે.

ઘટના સ્થળે ફાયરની ત્રણ ટીમો તૈનાત રખાઇ
મેટ્રો ટ્રેન પ્રોજેક્ટની કામગીરી દરમિયાન નાના વરાછા સ્થિત ગર્ડર લોંચર બોક્સ પિલર પર મૂકતી વેળાએ એક હાઇડ્રોલિક ક્રેન બંગલા ઉપર ધડાકાભેર પડી ગઇ હતી. જેને પગલે મેટ્રોના અધિકારીઓ દોડી આવ્યા હતા. જોકે, સદનસીબે આ ઘટનામાં હજુ સુધી કોઈને ઈજા થઈ ન હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાના અનુસંધાનમાં સાવચેતીના ભાગરૂપે કાપોદ્રા, મોટા વરાછા તથા સરથાણા ફાયર સ્ટેશનની ટીમના 30થી 40 જેટલા ફાયર બ્રિગેડનના જવાનોને સ્ટેડ બાય રાખવામાં આવ્યા છે.

Most Popular

To Top