સુરત: (Surat) મેટ્રો રેલના (Metro Rail) ખાતમુહૂર્ત સાથે શહેરમાં માસ ટ્રાન્સપોર્ટેશન ક્ષેત્રે ટ્રાફિકથી ધમધમતા સુરતે વધુ એક હરણફાળ ભરી છે. ત્યારે સુરતમાં મનપા દ્વારા અગાઉથી ઉપલબ્ધ બીઆરટીએસ (BRTS) તેમજ સિટી બસ (CT Bus) સેવા સાથે મેટ્રો રેલને કનેકટ કરીને એક સુચારૂ સામુહિક પરિવહન વવ્યવસ્થા ઉભી કરવાનું આયોજન મનપા દ્વારા પણ હાથ ધરાઇ ચૂકયું છે. મલ્ટિ મોડેલ ટ્રાન્સપોર્ટ સીસ્ટમ તરીકે હાથ ધરાનારા વિવિધ આયોજનો માટે મનપા 300 કરોડનો ખર્ચ કરશે તેવું સુરત મનપાના કમિશનર બંછાનીધી પાનીએ જણાવ્યું છે.
મ્યુનિ.કમિ.એ જણાવ્યું છે કે, મેટ્રો રેલમાં મુસાફરી કરનાર મુસાફરને તેના ગંતવ્ય સ્થાન સુધી પહોંચવા માટે સિટી બસ અથવા બીઆરટીએસની લીંક મળે તેમજ સિટી બસ અને બીઆરટીએસના મુસાફરોને મેટ્રોની લિંક મળે તેવા આયોજનો મલ્ટિ મોડેલ ટ્રાન્સપોર્ટ સીસ્ટમ હેઠળ કરવામાં આવી રહ્યા છે. જેમાં સુરતવાસીઓને એક જ ટિકિટથી માસ ટ્રાન્સપોર્ટેશનના તમામ વિકલ્પોમાં મુસાફરી કરી શકાય તેવી સુવિધા પણ વિકસાવવામાં આવશે.
સુરત મની કાર્ડ ત્રણેય સીસ્ટમમાં માન્ય થશે
સુરતમાં હાલ બીઆરટીએસ તેમજ સિટી બસમાં મુસાફરી કરવા માટે પાસ સીસ્ટમ તેમજ સુરત મની કાર્ડનો ઉપયોગ કરી શકાય છે. તેથી રોકડા નાણાના પ્રશ્નો સર્જાતા નથી. આ સીસ્ટમ હેઠળ મેટ્રો કાર્યરત થયા બાદ મેટ્રોની મુસાફરી પણ આવરી લેવાશે. તેથી મેટ્રોમાંથી ઉતરીને અન્ય જગ્યાએ જવા માટે મનપાની સિટી બસ કે બીઆરટીએસનો ઉપયોગ થઇ શકે તેવી સુવિધા થશે.
ત્રણેયના રૂટ લિંક કરાશે, ટાઇમ ટેબલ એડજેસ્ટ કરાશે
સુરતમાં સિટી બસ, બીઆરટીએસ અને મેટ્રોમાં મુસાફરી કરવા માંગતા લોકોને એક બીજા ટ્રાન્સપોર્ટેશન સાથે લિંક મળી રહે તે મુજબ સ્ટેશનો અને બસ સ્ટોપની વ્યવસ્થા થશે. સાથે સાથે એક બીજા માધ્યમ સાથે ટાઇમ ટેબલ સેટ થઇ શકે તે રીતે વ્યવસ્થા પણ ગોઠવાશે.
(Surat) વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સોમવારે સુરત મેટ્રો રેલના (Metro Rail) બે ફેઝની કામગીરીનું ઇ-શિલાન્યાસ કરાયા બાદ બીજા દિવસથી જ મેટ્રો રેલનું કામ શરૂ કરી દેવાયું છે. ડાયમંડ બુર્સ ખાતે કોન્ટ્રાક્ટ લેનાર કંપની દ્વારા કામ શરૂ કરી દેવાામાં આવ્યું છે. જ્યારે ચોક બજારથી રેલવે સ્ટેશન સુધીના અંડર ગ્રાઉન્ડ મેટ્રો માટે કોન્ટ્રાક્ટ લેનાર કંપની ટૂંક સમયમાં જ કામ શરૂ કરી દેશે.સુરત મેટ્રો રેલનો પ્રોજેક્ટ 12114 કરોડના ખર્ચે સાકાર થનાર છે. કુલ ૪૦.૩૫ કિ.મી.ની મેટ્રો રેલ બનાવવા માટેનું આયોજન કરાયું છે. જેમાં એક ફેઇઝમાં સરથાણાથી ડ્રીમ સિટીનો 21.61 કિ.મી.નો રૂટ છે. જ્યારે બીજા રૂટમાં સારોલીથી ભેંસાણ છે. આ રૂટ 18.39 કિ.મી.નો હશે.